Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

કાલે રાજકોટના માર્ગો ઉપર જય પરશુરામનો નાદ ગુંજશે : શોભાયાત્રા

ભગવાન શ્રી પરશુરામ જન્‍મોત્‍સવ સમિતિ દ્વારા ભવ્‍યાતિભવ્‍ય આયોજન

કાલે સાંજે ૪ વાગ્‍યાથી પંચનાથ મંદિરેથી શોભાયાત્રાનો પ્રારંભ : શહેરના જાહેર માર્ગો ઉપર ફરી પરશુરામ ધામ ખાતે સમાપન બાદ મહાઆરતી - મહાપ્રસાદ

રાજકોટ, તા. ૨ : ભગવાન વિષ્‍ણુના છઠ્ઠા અવતાર આરાધ્‍યદેવ ભગવાન શ્રી પરશુરામજીનો પ્રાગટય દિવસ એટલે અક્ષર તૃતીયા (અખાત્રીજ)ના પવિત્ર દિવસે ભૂદેવો દ્વારા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો થયા છે તો દાદાની જન્‍મજયંતિ નિમિતે ભવ્‍યાતિભવ્‍ય શોભાયાત્રા પણ નીકળનાર છે.

ભગવાન શ્રી પરશુરામ જન્‍મોત્‍સવ સમિતિ દ્વારા આવતીકાલે સાંજે ૪ વાગ્‍યે શ્રી પંચનાથ મંદિરેથી શોભાયાત્રાનો પ્રારંભ થશે. જે ત્રિકોણબાગ, ગેસ્‍ફોર્ડ ટોકીઝ, માલવીયા ચોક, ડો.યાજ્ઞિક રોડ, ઈજનેર કચેરી, સ્‍વામી વિવેકાનંદજીની પ્રતિમા, જાગનાથ પોલીસ ચોકી, સર્વેશ્વર ચોક, અકિલા સર્કલ (જીલ્લા પંચાયત ચોક), કિશાનપરા ચોક, આમ્રપાલી રોડ, હનુમાન મઢી ચોક, બ્રહ્મસમાજ ચોક, રૈયા ચોકડી, રૈયા ગામ થઈ વેજાગામ રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે શોભાયાત્રાનું સમાપન થશે. ત્‍યારબાદ મહાઆરતી અને મહાપ્રસાદનું પણ આયોજન થયુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પરશુરામ જન્‍મોત્‍સવ અંતર્ગત છેલ્લા કેટલાક દિવસોથી ભૂદેવો દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ત્રિકોણબાગ અને બહુમાળી ભવન ચોક ખાતે ભગવાન શ્રી પરશુરામદાદાની મૂર્તિનું સ્‍થાપન કરી દરરોજ સાંજે મહાઆરતી બાદ વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.

આ ભવ્‍યાતિભવ્‍ય શોભાયાત્રાને સફળ બનાવવા ભગવાન શ્રી પરશુરામ જન્‍મોત્‍સવ સમિતિના કન્‍વીનર કશ્‍યપભાઈ ભટ્ટ, સહ કન્‍વીનર હિરેનભાઈ જોષી, ખજાનચી કશ્‍યપભાઈ ઠાકર, સંયોજક મનીષભાઈ જોષી, વ્‍યવસ્‍થાપકો પરશુરામભાઈ પંડયા અને શનિભાઈ જાની તેમજ મહિલા સમિતિના કિરણબેન જોષી, સંગીતાબેન ઓઝા, હિરલબેન બલભદ્ર સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:47 pm IST)