Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

બીબીએ અને બીકોમ સેમ-૫ના પેપરો એચ.એન. શુક્‍લ કોલેજમાંથી ફુટયા'તાઃ ગુનો દાખલ કરાયો

પેપર સ્‍વીકારનાર કોલેજના કર્મચારી જીગર ભટ્ટ અને અન્‍ય જવાબદાર કર્મચારીઓ તથા તપાસમાં ખુલે તેની સામે કાર્યકારી કુલસચિવ અમિતભાઇ પારેખે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવતાં તપાસનો ધમધમાટ શરૂ થયો : બીબીએ સેમ-૫ (સેન્‍ટર કોડ નં. ૨૩૦૭) તથા બી.કોમ સેમ-૫ (સેન્‍ટર કોડ નં. ૨૩૦૭૨ના પેકેટ નં. ૨૧૫૦૧)ના પેપરો તા. ૧૨/૧૦/૨૨ના સાંજના ૭થી ૧૩/૧૦ના સવાર સુધી એચ.એન.શુક્‍લ કોલેજ ખાત હતાં: ત્‍યાંથી કોઇએ પેપર ફોડયાનું ખુલ્‍યાનો એફએસએલ અધિકારીનો રિપોર્ટ

રાજકોટ તા. ૨: સોૈરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા ગત ઓક્‍ટોબર મહિનામાં લેવાયેલી બીબીએ સેમ-૫ અને બી.કોમ સેમ-૪ની પરિક્ષાના પેપર ૧૩મીએ લેવાના હતાં તેના આગલા દિવસે પેપર ફરતાં થઇ જતાં પેપર ફુટી ગયાને પગલે બીબીએનું પેપર બદલીને યુનિવર્સિટીએ નવા પેપર સાથે પરિક્ષા લીધી હતી અને બી.કોમની પરિક્ષા રદ કરી હતી. આ પેપર આગલા દિવસે ૧૨મીએ ફરતાં થઇ ગયા હતાં. તે પૈકી એક પ્રશ્નપત્ર કોઇ અખબારની કચેરીએ ૧૨મીએ નાંખી જતાં ત્‍યાંથી ભક્‍તિનગર પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અને એફએસએલ અધિકારીની ટીમે તપાસ શરૂ કરી હતી. તપાસને અંતે હવે એવો ધડાકો થયો છે કે આ પેપર વૈશાલીનગરમાં આવેલી એચ. એન. શુક્‍લ કોલેજમાંથી ફુટયા હતાં. પેપર જે પેકેટમાં હતાં તેના પરની લાલ રંગની ટેપ ઉપર બીજી પારદર્શક સેલો ટેપ જોવા મળી હતી. આને આધારે પેપરના પેકેટ સાથે ચેડા થયાનું જણાયું હતું.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ વૈશાલીનગર-૪માં સત્‍યમ્‌ ખાતે રહેતાં અને સોૈરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં બાવીસ વર્ષથી નોકરી કરતાં તથા હાલના કાર્યકારી કુલસચીવ અમિતભાઇ શરદચંદ્રભાઇ પારેખ (ઉ.વ.૫૬)ની ફરિયાદને આધારે રૈયા રોડ વેશાલીનગરમાં આવેલી એચ.એન. શુક્‍લ કોલેજ ખાતે પેપર સ્‍વીકારનાર કર્મચારી જીગર ભટ્ટ (રહે. પાર્થ કોમ્‍પલેક્ષ ત્રીજો માળ, મનહર પ્‍લોટ-૭/૮, રામ મંદિર પાસે) તથા જવાબદાર કર્મચારી અને તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૨૦ (બી) મુજબ કાવત્રુ ઘડી ગુનાહિત વિશ્વાસઘાત કરી વિદ્યાર્થીઓના ભવિષ્‍ય સાથે ચેડા કરી તેમજ યુનિવર્સિટી અને છાત્રો સાથે છેતરપીંડી કરી બીબીએ અને બીકોમના સેમ-૫ના પેપર લીક કરવા અંગે ગુનો નોંધ્‍યો છે.

અમિતભાઇએ એફઆઇઆરમાં જણાવ્‍યું છે કે હું હાલ સૌરાષ્‍ટ્ર યુનિર્વસીટીમાં કાર્યકારી કુલસચિવ તરીકે નોકરી કરૂ છુ મારી ફરજમા વહીવટી કામગીરીમા દેખરેખ રાખવાનું છે. કોમન શીલ બીલ્‍ડીંગ, ગાર્ડન રેકોર્ડસ, લાયબ્રેરી અને અન્‍ય પ્રોપર્ટીનો હું કસ્‍ટોડીયન છુ. તદઉપરાંત હું સેનેટ સીન્‍ડીકટ એકડમી કાઉન્‍સેલીંગ જેવા અધિકારી મંડળોના સચિવ તરીકે ફરજ બજાવું છુ.

અમારી સૌરાષ્‍ટ્ર યુનિર્વસીટીની એકટ-૪૭ (એ)ની જોગવાઇ અનુસાર પેપર સેટરની નિમણુંક કરવામાં આવે છે અને તેઓ પાસેથી મેન્‍યુ સ્‍ક્રીપ મેળવવામાં આવે છે. આ મેન્‍યુ સ્‍ક્રીપોમાંથી પસંદ કરેલ કોઇપણ એક મેન્‍યુ સ્‍ક્રીપ પ્રીન્‍ટીંગ પ્રેસ  (ખાનગી એજન્‍સી)ને પેપર છપાવવા માટે મોકલવામાં આવે છે.ખાનગી પ્રેસ દ્વારા છપાયેલા શીલબંધ પ્રશ્નપત્ર સીધા જ સૌરાષ્‍ટ્ર યુનિર્વસીટી દ્વારા નક્કી કરેલ પ્રશ્નપત્ર વિતરણ કેન્‍દ્રને ડીલીવર કરવામાં આવે છે. એ જ વિતરણ કેન્‍દ્ર દ્વારા શીલબંધ પ્રશ્નપત્ર સંબંધિત પરીક્ષા કેન્‍દ્રને પહોંચાડવામા આવે છે.

ગઇ તા.૧૩/૧૦/૨૨ના રોજ બી.બી.એ.સેમેસ્‍ટર-૫ નું ડાયરેકટ ટેકસીસના વિષયનું પેપર હતું અને તા.૧૩/૧૦/૨૨ના રાત્રીના ૧૨:૩૦ વાગ્‍યાના અરસામાં પરીક્ષા વિભાગમાં કામ કરતા જુનિયર સુપ્રિન્‍ટેન્‍ડટ દુષ્‍યંતભાઇ ભારાઇ ને ભકિતનગર પોલીસ સ્‍ટેશન ખાતેથી ફોન આવેલ કે સૌરાષ્‍ટ્ર યુનિ ખાતેની પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ કોઇ અજાણી વ્‍યક્‍તિ બંધ કવરમાં મીલપરામાં અખબારની ઓફિસમાં આપી ગયું છે. જેમાં ચાર પેઇજનું પ્રશ્ન પત્ર છે. જેમાં બીબીએ સેમ-૫ (સીબીસીએસ) સહિતની વિગતો છે અને ૭૦ માર્કસનું પેપર છે. આ પેપરની ખરાઇ કરવા પોલીસે જણાવતાં દુષ્‍યંતભાઇએ અમારા યુનિવર્સિટીના પરીક્ષા નિયામાક  નિલેશભાઇ સોનીને તુરંત જાણ કરતાં નિલેષભાઇ તથા દુષ્‍યંતભાઇ, પ્રકાશભાઇ ભામાણી  યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ ખાતે ગયા હતાં. પ્રકાશભાઇ  તેમજ સેક્‍શન અધિકા૨ી ધર્મેશભાઈ મકવાણાની કસ્‍ટડીમાં રહેલ વધારાના ૧૦ પેપરોને શીલબંધ કવરથી પ્રકાશભાઇ પાસેની ચાવીનો ઉપયોગ કરી શીલબંધ પેકેટ લોકવાળા રૂમમાંથી કાઢી સાથે રાખી તેમજ સાધુવાસવાણી રોડ ખાતેથી આસી રજીસ્‍ટ્રાર ગીરીશભાઇ ગજેરાને લઇ બધા ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશન ખાતે ગયા હતાં. જ્‍યાં પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એલ.એલ.ચાવડાએ જણાવેલ કે આ બીબીએનું પેપ૨ આજે  તા.૧૩/૧૦/૨૨ના રોજ સૌ૨ાષ્‍ટ્ર યુનિવર્સિટી ખાતે તેની ખરાઇ કરવાની છે. આથી અમે શીલબંધ કવર પોલીસની હાજરીમાં ખોલ્‍યું હતું અને તેમાંથી બીબીએ સેમ-૫ ડાયરેકટ ટેક્‍સીસ (ન્‍યુ કોર્સ)નુ પેપર કાઢી જોતા પીઆઇ પાસેના પ્રશ્નપત્ર સાથે સરખાવતાં બીબીએ સેમ-૫નું ડાયરેક્‍ટ ટેક્‍સીસનું પેપર ફુટી ગયાનું અમને જણાયું હતું.

 ત્‍યારપછી  અમારા પરીક્ષા નિયામક નીલેશભાઇ સોનીએ ભકિતનગર પોલીસમાં પેપર ફુટયા અંગે જાણવા જોગ નોંધ કરાવી હતી. ત્‍યાર પછી અમે વાઇસ ચાન્‍સેલર ગિરીશભાઇ છગનલાલ ભીમાણીને જાણ કરી હતી. ગીરીશભાઈએ અમને બધાને તેમના ઘરે બોલાવ્‍યા હતાં.  તેમણે  નિર્ણય લીધો હતો કે આ પેપર રદ કરી બીજુ પેપર તમામ કોલેજો ખાતે મેઇલ કરાવી નવું પેપર આપી પરીક્ષા લઇએ. વધુમાં તેમણે એમ પણ જણાવેલ કે આ કુટેલા પેપર જે જે પરીક્ષા કેન્‍દ્રમાં જે સ્‍થિતિમાં હોય તે જ સ્‍થિતિમાં જીલ્લા પ્રશ્નપત્ર પરીક્ષા વિતરણ કેન્‍દ્ર ખાતે તાત્‍કાલીક પરત મંગાવવા અને પરીક્ષા વિતરણ કેન્‍દ્ર ખાતે આવી ગયા બાદ તાત્‍કાલ આ બધા જ પ્રશ્નપત્રના કવર પ્રશ્નપત્ર સાથે જુની પરીક્ષા નિયામકશ્રીની ચેમ્‍બ૨માં તા ૧૪/૧૦/૨૦૨૨ના  બપોરે ૩:૨૫ વાગ્‍યે મુકવામા આવે અને ત્‍યારબાદ પરીક્ષા નિયામકની ચેમ્‍બરને પાસવર્ડ વાળુ તાળુ મારી પેપ૨ શીલ લગાડી જવાબદાર અધિકારીની સહીઓ સાથે અનામત રાખવામાં આવે. આ સુચના મુજબ કરી તેનું રોજકામ મદદનીશ કુલસચિવ  જી.એન.ગજેરા તથા નાયબ કુલ સચિવ અને ઇન્‍ચાર્જ કુલસચિવ  આર.જી.પરમાર દ્વા૨ા કરવામાં આવેલ.

ત્‍યારબાદ ભકિતનગર પોલીસે અને એફએસએલ દ્વારા સ્‍થળ તપાસ શરૂ થઇ હતી. તે અનુસંધાને યુનિવર્સિટીના કુલપતિ, પરીક્ષા નિયામક, મદદનીશ કુલસચિવ, તેમજ પરીક્ષા વિભાગના ખાનગી વિભાગ સંભાળતો તમામ સ્‍ટાફ  તા.૧૫/૧૦/૨૦૨૨ના રોજ તપાસનીશ ટીમ સમક્ષ ઉપસ્‍થિત રહ્યો હતો.  ત્‍યારબાદ એફએસએલની ટીમે પરીક્ષા વિભાગમાં જઇ જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ નિવેદન લઇ  લેખિતમાં જરૂરી જરૂરી માહિતી માંગી હતી. જે અમે પુરી પાડી હતી. ૧૭/૧૦/૨૨ના રોજ સૌરાષ્‍ટ્ર યુનિર્વસીટીના પરીક્ષા વિભાગ ખાતે પહોંચી ત્‍યાં એફએસએલ અધિકારીને રિ-વિઝીટ માટે બોલાવ્‍યા હતાં. અહિ અમદાવાદ સૂર્યા ઓફસેટ પ્રિન્‍ટીંગ પ્રેસના જવાબદાર તથા યુનિવર્સિટીના અધિકારીઓની હાજરીમાં ફરીથી બીબીએ સેમ-૫ અને બી.કોમના પ્રશ્ન પત્રોના પેકેટોનું નિરીક્ષણ કરાયું હતું.

ત્‍યાર પછી ભક્‍તિનગર પોલીસ દ્વારા તપાસ ચાલુ હતી. હવે વાઇસ ચાન્‍સેલર દ્વારા પેપર ફુટવા બાબતે જવાબદાર અધિકારી દ્વારા ફરિયાદ દાખલ કરાવવા જણાવતાં અમે પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યા હતાં. અહિ પોલીસે જણાવ્‍યું હતું કે એફએસએલ અધિકારી એસ. એચ. ઉપાધ્‍યાયએ ૧૪/૧૦/૨૨ તથા ૧૭/૧૦/૨૨ના રોજ સોૈરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પરિક્ષા નિયામકની ઓફિસમાં પરિક્ષા કેન્‍દ્રો ઉપરથી પરત મંગાવેલ પેપરના પેકેટ રાખેલ તે પેપરના બોક્‍સનું નિરીક્ષણ કરતાં બીબીએ (સેમ-૫)ના સેન્‍ટર કોડ નં. ૨૩૦૭૨ પેકેટ નં. ૨૪૨૫૯ તથા બીકોમ સેમ-૫ (૨૦૧૯) ઓડિટીંગ એન્‍ડ કોર્પોરેટ ગર્વનન્‍સ-૧ના સેન્‍ટર કોડ પેકેટ નં. ૨૧૫૦૧ના પરિક્ષા કેન્‍દ્રોના સેન્‍ટર કોડના બંને પેકેટોની લાલ રંગની એડહેસીવ ટેપ ઉપર અન્‍ય કોઇ રંગવિહીન પાદર્શક ટેપ લગાડેલ હોય તેવું તથા લાલરંગની ટેપનું પેકેટ અન્‍ય કવરના પેકટ કરતાં અલગ હોવાનું પ્રાથમિક તેમને પ્રાથમિક અભિપ્રયામાં જણાયું છે. આમ આ બંને પરિક્ષા પેપરો એફસી-૧૯બીબીએ-૫૦૪, બીબીએ (સેમ-૫) ડાયરેક્‍ટ ટેક્‍સીસી (ન્‍યુ કોર્સ)નું પેપર તથા બી.કોમ સેમ-૫ના પેકેટો સેન્‍ટર નં. ૨૩૦૭૨ના કે જે એચ. એન. શુક્‍લ કોલેજના પેકેટ હોઇ બંને પેપરના પેકેટો ઉપરથી લાલ કલરની ટેપમાં ચેડા કરાયા હોઇ તેના પર બીજી ટ્રાન્‍સપરન્‍ટ સેલોટેપ ચોંટાડેલ હોઇ તેવું તપાસમાં ખુલ્‍યું છે.

 આમ પછી તપાસ થતાં પેપરો શીલબંધ બોક્‍સમાં એચ.એન. શુક્‍લા કોલેજના પેપર સ્‍વીકારનાર જીગર ભટ્ટને અપાયાનું અને તેણે આ પેપર તા. ૧૨/૧૦/૨૨ના રોજ સ્‍વીકાર્યાનું ખુલ્‍યું હતું. એ પછી ૧૩/૧૦ના રોજ પરિક્ષા રદ થતાં આ પેપરના પેકેટ એચ. એન. શુક્‍લ કોલેજ દ્વારા યુનિવર્સિટીને ૧૩મીએ વહેલી સવારે પરત મોકલી દેવાયા હતાં. જેને જે તે સ્‍થિતિમાં યુનિવર્સિટી દ્વારા સેફ કસ્‍ટડીમાં રખાયા હતાં. આ પેપરો બીબીએ સેમ-૫ સેન્‍ટર કોડ નં. ૨૩૦૭૨ તથા બી.કોમ સેમ-૫ સેન્‍ટર કોડ નં. ૨૩૦૭૨ના પેકેટ નં. ૨૧૫૦૧ના પેકેટો ૧૨/૧૦/૨૨ના રોજ વૈશાલીનગર-૨માંઆવેલી એચ.એન.શુક્‍લ કોલેજ ખાતે તા. ૧૨/૧૦ના સાંજના સાતથી તા. ૧૩/૧૦ના સવાર સુધી હતાં. એ પછી કોઇ એક પેપર પરિક્ષાના સમય પહેલા અખબારની ઓફિસે નાખી ગયું હતું. તેના આધારે પેપરના પેકેટોમાં છેડછાડ કરી પેપર બહાર કાઢી ઝેરોક્ષ નકલ કરાવ્‍યાનું ફલિત થાય છે.

આમ એફએસએલના પરિક્ષણ દ્વારા પ્રાથમિક તારણ અનુસાર બંને પેપર એચ.એન. શુક્‍લ કોલેજમાંથી શીલબંધ કવરમાં છેડછાડ કરી બહાર કાઢવામાં આવ્‍યાનું જણાતું હોઇ પેપર સ્‍વીકારનાર જીગર ભટ્ટ વિરૂધ્‍ધ ગુનો દાખલ કરાવાયો છે. તેમ વધુમાં ફરિયાદી કાર્યકારી કુલસચિવ અમિતભાઇ પારેખે જણાવતાં પીઆઇ એસ. એસ. રાણે, હીરાભાઇ રબારી સહિતે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.

(5:28 pm IST)