News of Tuesday, 2nd January 2018
રાજકોટ તા. ૨: રાજકોટના ત્રંબા નજીકના ઢાંઢીયા ગામે રહેતી ત્રણ સંતાનની માતા ભરવાડ મહિલા અને આ ગામમાં જ તેણીની વાડી પાસેની વાડીમાં મજૂરી કરવા બારવણથી આવેલો ૨૩ વર્ષનો કોળી યુવાન છ દિવસ પહેલા ઢાંઢીયાથી ભાગી ગયા હતાં. આ બંનેની લાશ ચોટીલાથી આગળ ચોબારીની સીમમાં જંગલ વિસ્તારમાંથી મળતાં અરેરાટી વ્યાપી ગઇ છે. બામણબોર પોલીસે પ્રાથમિક તપાસ કરતાં બંનેએ પ્રેમ પ્રકરણને કારણે ઝેર પી સજોડે આપઘાત કર્યાની શંકા છે. જો કે મૃતદેહ કોહવાઇ ગયા હોઇ અને પરિણીતાના ચહેરાનો ભાગ જનાવર ખાઇ ગયા હોઇ મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહોને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
બનાવની જાણવા મળેલી માહિતી મુજબ ચોબારી ગામની સીમમાં તુમ્બો નામના વિસ્તારમાં એક મહિલા અને એક પુરૂષની લાશ પડી હોવાની તેમજ એક બાઇક પણ ત્યાં પડ્યું હોવાની જાણ થતાં બામણબોરના પી.એસ.આઇ. ચોૈહાણ, એએસઆઇ ઘુસાભાઇ એમ. સોલંકી સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે તપાસ કરતાં બાઇકમાંથી બારવણના સાગર ચોથાભાઇ સોલંકી (ઉ.૨૫)ના કાગળો મળ્યા હતાં. તેના આધારે તપાસ થતાં મૃત્યુ પામનાર યુવાન બારવણનો વતની અને હાલ ત્રંબા પાસેના ઢાંઢીયા ગામે રહી ખેત મજૂરી કરતો સાગર સોરાણી (કોળી) હોવાનું અને સાથેની મહિલા ઢાંઢીયાની ભરવાડ પરિણીતા સોનુ મહેશ બોળીયા (ઉ.૨૬) હોવાનું ખુલતાં બંનેના પરિવારજનોએ પોલીસે જાણ કરી હતી.
સોનુબેન ગત ૨૭/૧૨ના બપોરે બે થી અઢીની વચ્ચે ઘરેથી બળતણ લેવા જવાનું કહીને નીકળ્યા બાદ ગૂમ થઇ ગઇ હતી. શોધખોળ બાદ પત્તો ન મળતાં ૨૮/૧૨ના રોજ આજીડેમ પોલીસ મથકમાં જાણ કરવામાં આવતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. બીજી તરફ સોનુબેનના પરિવારજનોએ તપાસ કરતાં બાજુની વાડીમાં કામ કરતો બારવણનો સાગર ચોથાભાઇ કોળી પણ ગાયબ હોઇ તેના ગામ બારવણ જઇ તપાસ કરતાં તે જ સોનુબેનને ભગાડી ગયાની વિગતો બહાર આવતાં ભરવાડ પરિવારના લોકોએ બંનેને શોધવા ઠેર-ઠેર દોડધામ શરૂ કરી હતી. પણ પત્તો મળ્યો નહોતો. ત્યાં ગત સાંજે આ બંનેની લાશ ચોબારીની સીમમાંથી મળતાં બંનેના પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો.
સાગર અને સોનુ બાજુ-બાજુની વાડીમાં મજૂરી કરતાં હોઇ બંનેની આંખ મળી જતાં ભાગી ગયાનું અને હવે પરિવારજનો એક નહિ થવા દે તેવું લાગતાં સજોડે આપઘાત કર્યાનું પોલીસનું પ્રાથમિક તારણ છે. બંનેએ ઝેર પીધાની શકયતા છે. જો કે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ બાદ મોતનું સાચુ કારણ બહાર આવશે.
વધુ માહિતી મુજબ ત્રણ સંતાનની માને ભગાડી ગયેલો અને તેની સાથે આપઘાત કરી લેનારો સાગર ચોથાભાઇ સોરાણી (કોળી) (ઉ.૨૫) મુળ કુવાડવાના બેડલા પાસેના બારવણનો વતની અને હાલ ત્રંબા નજીક ઢાંઢીયા ગામે પટેલની વાડીમાં રહી ખેત મજૂરી કરતો હતો. તે અપરિણીત હતો અને ત્રણ ભાઇ તથા બે બહેનમાં બીજો હતો. તેના માતા-પિતા હયાત ન હોઇ તે જ્યાં ખેત મજૂરી કરતો એ વાડીમાં જ રહેતો હતો. તેના ભાઇઓ રાયધનભાઇ અને જીતેશભાઇ હાલ વાંકાનેર રહે છે. એક બહેન શારદાબેન બારવણમાં સાસરે છે અને એક બહેન હયાત નથી.
છએક દિવસ પહેલા સાગરને શોધવા ઢાંઢીયાથી સોનુબેનના સગા બારવણ સાગરના બહેનના ઘરે પહોંચ્યા ત્યારે સાગર સોનુને લઇને ભાગી ગયાની ખબર પડી હતી. સાગરને શોધવા તેના કાકા, ભાઇઓ સહિતે પોતાની રીતે દોડધામ કરી હતી. દરમિયાન ગઇકાલે ચોટીલાથી આગળ ચોબારી ગામની સીમમાં તુમ્બો નામના વિસ્તારમાંથી આ બંનેની લાશ મળી હતી. બામણબોર પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.