Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

અનુ. જાતિ-અનુ. જનજાતિના ખેડૂતો તેના ખેતરમાં બાગાયતી વૃક્ષોનું વાવેતર કરી આવક મેળવો

રાજય સરકાર દ્વારા 'મનરેગા' થકી રોજગારીની નવીન તકનું સર્જન : ખેતરના શેઢાપાળે દાડમ, ચીકુ, જામફળ, સીતાફળ, લીંબુ વિ. વૃક્ષો ઉગાડો

રાજકોટઃ તા.૧, મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર યોજના (મનરેગા) નો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોના શ્રમિકોને રોજગારી આપવાનો છે. આ યોજના અંતર્ગત ચાલતાં અનેક કામો પૈકી રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા એક ખાસ ઝુંબેશનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં નાના અને સીમાંત ખેડૂતો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના ખેડૂતો તેમનાં ખેતરમાં કે ખેતરનાં શેઢાપાળે દાડમ, ચીકુ, જામફળ, સીતાફળ, લીંબુ, આમળા વગેરે જેવા બાગાયતી વૃક્ષોનું વાવેતર કરી શકે છે.

 જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવાસીયાએ આ યોજના વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, નાના અને સીમાંત ખેડૂતો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના ખેડૂતો બાગાયતી વૃક્ષોનાં વાવેતર ઉપરાંત તેમનાં ખેતરમાં ખેતતલાવડી, શેઢાપાળનું કામ, પાણીનાં નિકાલ માટેના કાઢીયાનું કામ, કેટલ શેડ, વર્મી કંપોસ્ટ વગેરે કામગીરી પણ કરી શકે છે.  'મનરેગા'યોજના હેઠળ કામગીરી કરવા ઈચ્છતા તેમજ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે.

 જિલ્લાનાં જે ખેડૂતો આ યોજનાનો લાભ લેવાં ઇચ્છતા હોય, તેઓએ તેમની તાલુકા પંચાયત કચેરી અથવા 'મનરેગા' શાખાનો સંપર્ક કરવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી રાજકોટના નિયામકશ્રી જે.કે. પટેલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(2:39 pm IST)