Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ના સાંનિધ્યે ત્રણ સંયમી આત્માઓના માસક્ષમણ પારણા મહોત્સવ ઉજવાયો

કચ્છના પુનડી ગામમાં : કેટલાક તપશ્ચર્યા કરે રોતાં રોતાં, કેટલા તપશ્ચર્યા કરે આત્માને જોતા જોતા : પૂ. નમ્રમુનિ મ.સા.

રાજકોટ તા. ૧ : રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે એક સાથે ત્રણ-ત્રણ સંયમી આત્માઓના ઉગ્ર માસક્ષમણ તપ આરાધનાનો પારણા મહોત્સવ અત્યંત ભકિતભાવે ઉજવાતા કચ્છ ભૂમિના પુનડી ગામમાં આજના દિવસે એક અનોખો ઇતિહાસ સર્જાઈ ગયો હતો.

જૈન દર્શનમાં જેનું અનેરૃં મહત્વ દર્શાવવામાં આવ્યું છે એવી ૩૦-૩૦ દિવસ સુધી અન્નના એક પણ કણ કે ફળફળાદીના આહાર વિનાની સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી માત્ર ઉકાળેલા પાણી સાથે ઉપવાસની ઉગ્રાતિઉગ્ર માસક્ષમણ તપની આરાધના ૨૦ વર્ષીય પૂજય શ્રી પરમ આરાધ્યાજી મહાસતીજી, ૨૨ વર્ષીય  પૂજય શ્રી પરમ નમસ્વીજી મહાસતીજી તેમજ પાંચ મહિના પહેલા દીક્ષા અંગીકાર કરનારા ૨૩ વર્ષીય નૂતનદીક્ષિત પૂજય શ્રી પરમ શુભમજી મહાસતીજીએ ગુરુકૃપા એ નિર્વિધ્ને પરિપૂર્ણ કરતા પુનડીના લ્ભ્પ્ આરોગ્યધામ ખાતે યોજાયેલા પારણા મહોત્સવમાં પ્રત્યક્ષ તેમજ લાઈવના માધ્યમે અનેક મહાસતીજીઓ તેમજ દેશ વિદેશના હજારો ભાવિકોએ જોડાઈને ભાવભીની અનુમોદના કરી હતી.

ત્રણેય તપસ્વી મહાસતીજીઓના લહેરાતા ધર્મધ્વજ અને નારાના ગુંજારવ સાથે શોભાયાત્રા દ્વારા વધામણા કરવામાં આવ્યા હતા. તપસ્વી આત્માઓની અનુમોદના કરતા આ અવસરે પરમ ગુરૃદેવે ફરમાવ્યું હતું કે પંચમ આ કાળમાં જયારે સંયમ અને તપની સાધના અત્યંત દુષ્કર બની રહી છે ત્યારે ધન્ય છે એવા ઉગ્ર તપસ્વીઓને, જે આ કાળમાં અનેક પ્રકારની કસોટીઓને પાર કરીને માસક્ષમણ તપ જેવી આરાધના કરી રહ્યા છે. જેમના અંતરનું શૌર્ય અને આત્મ વૈભવ ખીલેલા હોય એવા આત્માઓ જ ગમે તેવી એવી કસોટીઓમાં પણ અડગ રહી શકતા હોય છે.

વિશેષમાં, જયારે માસક્ષમણ તપના પારણા અર્થે પૂજય શ્રી પરમ આરાધ્યાજી મહાસતીજી સ્વયં હાથમાં પાત્ર લઈને પુનડી ગામમાં પારણા માટે આયંબિલ આહારની ગૌચરી વહોરાવવા પધાર્યા હતા, એ દિવ્ય દ્રશ્ય જોનારા ભાવિકો ધન્ય બન્યા હતા. આ અવસરે પૂજય શ્રી પરમ આરાધ્યાજી મહાસતીજીએ ભાવ અભિવ્યકત કરીને પ્રભુના શાસન અને ઉપકારી પરમ ગુરુદેવ પ્રત્યે અહોભાવ પ્રદર્શિત કરીને ઉપસ્થિત સૌને સંયમ અને તપધર્મની પ્રેરણા કરી હતી.

તપસ્વી મહાસતીજીઓની અનુમોદના કરવા આ અવસરે પુનડી ગામમાં વસતા જૈનેતર જ્ઞાતિના અનેક અનેક બાળકોએ સુંદર ભાવો દ્વારા તપસ્વી મહાસતીજીઓની અનુમોદના કરી હતી. પૂજય શ્રી પરમ આરાધ્યાજી મહાસતીજીના ધર્મમાતા રાજકોટ નિવાસી વીણાબેન શેઠે ભાવવાહી શૈલીમાં ભાવોની અભિવ્યકિત કરીને અને પૂજય શ્રી પરમ શુભમજી મહાસતીજીના ધર્મ માતા-પિતા તૃપ્તિબેન વિરલભાઈ દોશીએ સાંજી ભકિતના સૂરો દ્વારા તપસ્વીઓની અનુમોદના કરી હતી.    ઉપરાંત અનેક અનેક ભાવિકોના અઠ્ઠાઈ તપ, માસક્ષમણ તપ આદિ વિવિધ તપના સંકલ્પ સાથે તપસ્વીઓને પારણા કરાવવામાં આવ્યા હતા.

(4:24 pm IST)