Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

શ્રી રણછોડદાસજીબાપુ હોસ્પિટલ દ્વારા ૨૦૨૦/૨૧માં વિનામૂલ્યે રેકોર્ડબ્રેક ૭૬,૭૦૬ મોતીયાના ઓપરેશન

૬૦ હજાર દર્દીઓને શિયાળામાં ગરમ ધાબળા વિતરણ : બિહારમાં પણ અવિતરત સેવા

રાજકોટ,તા. ૧ : પ.પૂ.સદગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીના જીવન સંદેશ 'મૂજે ભૂલ જાના પર નેત્રયજ્ઞ કો નહિ ભૂલના' તથા 'મરીજ મેરે ભગવાન હૈ'ને ચરિતાર્થ કરી શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ દ્વારા દર્દી ભગવાનની અમૂલ્ય સેવા કરવામાં આવી.

પ.પૂ.શ્રી સદગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીનાં અસિમ કૃપાથી એક વર્ષમાં રેકોર્ડબ્રેક ૭૬,૭૦૬ દર્દી ભગવાનનાં મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા. તથા ૬૦,૦૦૦ દર્દી ભગવાનને શિયાળામાં ગરમ ધાબળાઓનું મફત વિતરણ કરવામાં આવ્યું.

આ ૭૬,૭૦૬ દર્દી ભગવાનના સફળ મોતિયાના મફત ઓપરેશન કરવામાં આવ્યા છે તે ઓપરેશન કોઇ પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં કરાવતા તેનો ખર્ચ રૂ. ૧૦,૦૦૦ થી ૧૫,૦૦૦ થાય છે. તે  જ ઓપરેશન ફેકોમશીનથી સાથે સોફટફોલ્ડેબલ નેત્રમણી (લેન્સ) સાથે શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ દ્વારા તદન વિનામૂલ્યે (મફત) કરવામાં આવે છે.

દરેક દર્દીઓને રહેવા,જમવા, ચા, નાસ્તો, દવા ટીપા, ચશ્મા તથા શુધ્ધ ઘીનો, એક એક ધાબળા સાથે આધુનિક ફેકોમશીનથી સોફટ ફોલ્ડેબલ નેત્રમણી સાથે ટાંકાવગરના મફત ઓપરેશન કરવામાં આવ્યા હતા.

શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા દર માસે નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં છેવાડાનાં ગામડા સુધી પહોંચી, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મોતિયાના કેમ્પ લાવીને તેઓના વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે.

નેત્રયજ્ઞની આ સેવા ગુજરાત ઉપરાંત ભારતમાં બિહાર (બકસર)માં પણ નિઃશુલ્ક મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા જેમાં બાળકોથી લઇને મોટા વૃધ્ધ લોકોને આંખોની નવી રોશની મળી હતી.

(3:11 pm IST)