Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

રામેશ્વર પાર્કના ફ્રુટના ધંધાર્થી મનોજભાઇ સોનીને મરવા મજબૂર કરનારા ચાર વ્‍યાજખોર સામે ગુનો

આજીડેમ પોલીસે રાજુ બોરીયા, બચુ બોરીયા, ભાણા આહિર અને સુરેશ ભરવાડ સામે મૃતકના પત્‍નિ કાજલબેન વૈઠાની ફરિયાદ પરથી ગુનો દાખલ કર્યોઃ ધરપકડની તજવીજ : વ્‍યાજ ઓછુ કરવા મૃતકના માતા, ભાઇ વ્‍યાજખોરો પાસે જઇ સતત વિનંતી કરતાં પણ તે સમજતાં નહોતાં: ૨૮મીએ માંડા ડુંગર પાસે મનોજભાઇને બોલાવી ધોલધપાટ કરાઇ હતીઃ ઘરે આવી ગાળો દઇ સતત પઠાણી ઉઘરાણી થતી હોવાનો આરોપ

રાજકોટ તા. ૧: આજીડેમ ચોકડી માન સરોવર પાર્ક પાસે રામેશ્વર પાર્ક-૨માં રહેતાં ફ્રુટના ધંધાર્થી મનોજભાઇ જેન્‍તીલાલ વૈઠા (સોની)એ પરમ દિવસે ઝેર પી આપઘાત કરી લીધાના બનાવમાં તેને મરી જવા મજબૂર કરનારા અને વ્‍યાજખોરી આચરનારા ૪ શખ્‍સો વિરૂધ્‍ધ પોલીસે ગુનો નોંધ્‍યો છે. ધંધા માટે વ્‍યાજે નાણા લેનારા સોની યુવાનને ચાર શખ્‍સોએ ૨૦ ટકા, ૧૫ ટકા જેવા વ્‍યાજે નાણા આપ્‍યા હતાં અને સતત વ્‍યાજ વસુલી છેલ્લે ૨૮મીએ ધમકી આપી ધોલધપાટ કરવામાં આવતાં તેમજ મારી નાંખવાની ધમકી અપાતાં ગભરાઇ જઇ તેણે આપઘાત કરી લીધાનું ખુલ્‍યું છે.
આ બનાવમાં આજીડેમ પોલીસે આપઘાત કરનાર મનોજભાઇ જેન્‍તીલાલ વૈઠા (સોની)ના પત્‍નિ કાજલબેન મનોજભાઇ વૈઠા (ઉ.૨૯)ની ફરિયાદ પરથી રાજુ બચુભાઇ બોરીયા, બચુ બોરીયા, ભાણા આહિર અને સુરેશ ભરવાડ વિરૂધ્‍ધ મનલેન્‍ડ એક્‍ટ, મરી જવા મજબૂર કરવા સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરી છે.
કાજલબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે મારા પતિ મનોજભાઇ ફ્રુટનો ધંધો કરતાં હતાં. તેણે ધંધાના કામ માટે રાજુ બોરીયા (ભરવાડ) પાસેથી ૪૦ હજાર ૨૦ ટકા વ્‍યાજે લીધા હતાં તેનું દર મહિને રૂા. ૮ હજાર વ્‍યાજ ચુકવતાં હતાં. વધુ પૈસાની જરૂર પડતાં બચુ બોરીયા (ભરવાડ) પાસેથી  ૨ લાખ લીધા હતાં. તેનું દરરોજ ૩ હજાર વ્‍યાજ ભરતાં હતાં. આ ઉપરાંત ભાણા આહિર પાસેથી ૪૪ હજાર ૧૫ ટકા વ્‍યાજે લીધા હતાં. તેને પણ નિયમીત વ્‍યાજ ચુકવતાં હતાં.
આ વ્‍યાજના ચક્કરમાં ફસાતાં મારા પતિ ચિંતામાં રહેતાં હતાં. ક્‍યારેક વ્‍યાજ ચુકવવામાં મોડુ થાય તો આ શખ્‍સો ઘરે આવી મારા પતિને ગાળો દઇ પેનલ્‍ટી વસુલતાં હતાં. હાલમાં કેટલાક દિવસથી મારા પતિનો ધંધો ચાલતો ન હોઇ આ શખ્‍સો વારંવાર મારા પતિને વ્‍યાજ માટે અને મુદ્દલ માટે ધમકાવી તાત્‍કાલીક પૈસા નહિ આપે તો મારી નાંખશે તેવી ધમકી આપતાં હતાં. મારા પતિ પર વ્‍યાજની ઉઘરાણીનું ખુબ દબાણ હોઇ મારા જેઠ દિનેશભાઇ, સાસુ ભાનુબેન સીહતના આ શખ્‍સો પાસે જઇને તેમને સમજાવતાં હતાં અને આર્થિક સ્‍થિતિ નબળી હોઇ વ્‍યાજ ઓછુ કરવા વિનંતી કરતાં હતાં અને મનોજ કટકે કટકે પૈસા ચુકવી દેશે તેવી વાત કરતાં હતાં. પરંતુ આ લોકો કોઇ વાત સમજવા તૈયાર નહોતાં.
છેલ્લે ૨૮/૫ના રોજ મારા પતિ મનોજને સુરેશ ભરવાડનો ફોન આવ્‍યો હતો અને માંડાડુંગરની શાક માકૈટ ખાતે બોલાવતાં મારા પતિ, મારા સાસુ અને જેઠ ત્‍યાં ગયા હતાંઉ થોડીવાર બાદ ઘરે આવી વાત કરી હતી કે સુરેશ પૈસા માટે ખુબ દબાણ કરે છે અને મનોજનો કાંઠલો પકડી ધોલધપાટ કરી લીધી છે. આ રીતે બીજા ત્રણ શખ્‍સો પણ વ્‍યાજ માટે મારા પતિને હેરાન કરી ઘરે આવી ઉઘરાણી કરી ધોલધપાટ કરી ધમકી આપતાં હોઇ આ બધાથી કંટાળીને મારા પતિએ ૩૦મીએ સાંજે ઝેરી દવા પી લીધી હતી. તે બહારથી ઘરે આવી ઉલ્‍ટી કરતાં હોઇ શું થયું? પુછતાં તેણે દવા પી લીધાનું કહેતાં અમે હોસ્‍પિટલે લઇ ગયા હતાં. જ્‍યાં ૩૧મીએ રાતે તેમનું મોત થયું હતું. તેમ વધુમાં કાજલબેને પોલીસને જણાવ્‍યું હતું. પોલીસે કાજલબેનની આ વિગતોને આધારે ગુનો નોંધી ચારેય વ્‍યાજખોર સામે મનોજભાઇને મરી જવું પડે એટલો ત્રાસ ગુજારી વ્‍યાજખોરી આચરવા બદલ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં પીઆઇ વી. જે. ચાવડા, પીએસઆઇ જે. કે. ગઢવી અને સ્‍ટાફે વધુ તપાસ હાથ ધરી છે.

 

(12:49 pm IST)