Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

ગરીબ લોકોને કલ્‍યાણકારી યોજનાઓનો લાભ મળે તે માટે ગુજરાત સરકાર કટિબધ્‍ધ

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત વડાપ્રધાને સીમલાથી જનકલ્‍યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો : રાજકોટમાં મંત્રીશ્રી પ્રદિપભાઇ પરમારના અધ્‍યક્ષસ્‍થાને ગરીબ કલ્‍યાણ મેળો : ચેક - કીટ કુલ ૧ હજાર લાભાર્થીઓને સહાય

આજરોજ શહેરના પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ ખાતે રાજકોટ જિલ્લાનો ગરીબ કલ્‍યાણ મેળો યોજાયો હતો. જેમાં નરેન્‍દ્રભાઇએ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્‍યો હતો. કાર્યક્રમમાં મંત્રી પ્રદિપભાઇ પરમાર, સાંસદ મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર, ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયા, જિલ્લા ભાજપના મહામંત્રી મનિષભાઇ ચાંગેલા, કલેકટર અરૂણ મહેશ બાબુ, મ્‍યુ. કમિશનર અમિત અરોરા ઉપસ્‍થિત રહ્યા હતા. નરેન્‍દ્રભાઇએ લાભાર્થીઓના ખબર અંતર પૂછી ગરીબ કલ્‍યાણ મેળા અંગે વાતચીત કરી હતી. મંત્રી પ્રદિપભાઇએ પણ પોતાના સંબોધનમાં સરકારની યોજનાઓ અંગે માહિતી આપી, છેવાડાના માનવી સુધી સુવિધાની વાત કરી હતી. ઉપરોકત તસવીરમાં ઉદ્‌બોધન કરતા નરેન્‍દ્રભાઇ, ઉપસ્‍થિત લાભાર્થીઓ, દીપ પ્રાગટય કરતા મહાનુભાવો તથા લાભાર્થીઓને સહાય અર્પણ કરતા આગેવાનો દર્શાય છે.
રાજકોટ તા. ૩૧ : પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના અધ્‍યક્ષસ્‍થાને સીમલા ખાતેથી જનકલ્‍યાણની યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ અને સહાય વિતરણનાં રાષ્ટ્રવ્‍યાપી ‘ગરીબ કલ્‍યાણ સંમેલન' સંદર્ભે રાજકોટના પ્રમુખસ્‍વામી ઓડિટોરિમ ખાતે રાજકોટ જિલ્લાનું ગરીબ કલ્‍યાણ સંમેલન મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારના અધ્‍યક્ષસ્‍થાને યોજાયું હતું.
સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારે આ પ્રસંગે વક્‍તવ્‍ય આપતા જણાવ્‍યું હતું કે, ‘આઝાદી કા અમૃત  મહોત્‍સવ' અંતર્ગત છેવાડાના માનવીને મહત્તમ લાભો મળી શકે તે હેતુથી પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓ કાયર્ાિન્‍વત બનાવાઈ છે, જેના અમલીકરણથી સમગ્ર રાષ્ટ્ર વિકાસની નવી ઊંચાઇઓ સર કરી રહ્યું છે. ત્‍યારે ગુજરાતમાં મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેજા હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ લાભાર્થીઓને તેમના હિસ્‍સાના તમામ લાભ પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે.
વધુમાં મંત્રીશ્રી પરમારે ઉમેર્યું હતું કે, કોરોના મહામારીમાં પ્રધાનમંત્રીશ્રીનાં નેતૃત્‍વમાં ભારતમાં નિર્મિત સ્‍વદેશી રસીના ઉત્‍પાદન સાથે  સમગ્ર રાષ્ટ્રને સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્‍યું હતું. મંત્રીશ્રી  પ્રદીપભાઈએ પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલી વિવિધ કલ્‍યાણકારી યોજનાઓની માહિતી આપતા જણાવ્‍યું હતું કે પ્રધામંત્રીશ્રીના નેતૃત્‍વમાં જનધન યોજના, ઉજ્જવલા યોજના, આવાસ યોજના વગેરે જેવી જનકલ્‍યાણની યોજનાઓ થકી જરૂરિયાતમંદ લાભાર્થીઓના જીવનની સુખાકારીમાં વધારો થયો છે. સાથોસાથ તેઓ આત્‍મનિર્ભર બની, રાજય અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બની આગળ વધે તે માટે રાજય સરકાર સદા પ્રયત્‍નશીલ રહી છે.
મંત્રીશ્રી  પ્રદીપભાઈ પરમારે વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમને મળેલ યોજનાઓ અંગે માહિતી મેળવી મળવાપાત્ર અન્‍ય યોજનાઓનો લાભ લેવા તેમજ અન્‍યને પણ આ લાભ અપાવવા અપીલ કરી હતી.
ત્‍યાર બાદ વિવિધ લાભાર્થીઓને ચેક તેમજ કીટનું વિતરણ તથા આઈ.સી.ડી.એસ. યોજનાના નિમણુંક પત્રોનું વિતરણ મહાનુભાવોના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં કુલ ૧૦૦૦ જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓની સહાયનું વિતરણ કરાયું હતું.
કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્‍યથી કરવામાં આવી હતી. મહાનુભાવોનું ફૂલ તેમજ પુસ્‍તક દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. જિલ્લા વિકાસ અધિકારશ્રી દેવ ચૌધરીએ શાબ્‍દિક સ્‍વાગત કર્યું હતું. તેમજ મ્‍યુનિસિપલ કમિશ્નરશ્રી અમિત અરોરાએ લાયક લાભાર્થીને લાભ અપાવવા માટે જાહેર અપીલ કરી હતી, જેથી તમામ જરૂરિયાતમંદોને યોજનાનો લાભ પહોંચાડી શકાય. કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ, સાંસદશ્રી રામભાઇ મોકરીયા અને શ્રી મોહનભાઈ કુંડારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર વગેરેએ પ્રસંગિક સંબોધનો કર્યા હતા.
આ કાર્યક્રમમાં ધારાસભ્‍યશ્રી ગોવિંદભાઇ પટેલ અને શ્રી લાખાભાઇ સાગઠીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી. એન. આર. ધાધલ, જિલ્લા આયોજન અધિકારીશ્રી નીતિન ટોપરાણી, મહિલા અને બાળ અધિકારીશ્રી જનકસિંહ ગોહિલ, પ્રાદેશિક નગરપાલિકા નિયામકશ્રી ધીમંતકુમાર, પ્રાંત અધિકારીશ્રીઓ, સંબંધિત સરકારી વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતાં

 

(3:03 pm IST)