Gujarati News

Gujarati News

News of Friday, 26th January 2018

અમેરિકામાં ટ્રાફિક એકસીડન્‍ટ કે ગન વાયોલન્‍સ કરતા પણ વધુ લોકો ડ્રગ્‍સના સેવનથી મોતને ભેટે છે : સાઉથ એશિયન પ્રજાજનોને આ એબથી જાગૃત કરવા લાઇવ ટુ યુ ના ફાઉન્‍ડર શ્રી કાર્લ કાલરા તથા તેમની ટીમનું જાજરમાન આયોજન : ભારતના સુપ્રસિધ્‍ધ મ્‍યુઝીક માસ્‍ટર શ્રી ‘‘પ્રિતમદા લાઇવ શિકાગો'' પ્રોગ્રામનું લોચીંગ કરાયું : એપ્રિલ ૨૦૧૮માં નોર્થ અમેરિકાના જુદા જુદા શહેરો તથા ટોરોન્‍ટોમાં પ્રોગ્રામના આયોજન દ્વારા ડ્રગ્‍સ વિરૂધ્‍ધ લાલબતી સાથે લોકોને જાગૃત કરાશે

શિકાગો : અમેરિકામાં ડ્રગ્‍સના સેવનના કારણે દર વર્ષે પાંચ લાખથી વધુ લોકો મોત પામે છે. તેવા ચોંકાવનારા અહેવાલને ધ્‍યાને લઇ ડ્રગ્‍સથી ફેલાતા આપિઓઇડ રોગચાળાથી બચવા સાઉથ એશિયન અમેરિકન પ્રજાજનોને જાગૃત કરવા માટે એક ઐતિહાસિક તથા ઉમદા કાર્ય હાથ ધરાયું છે. જે માટે ભારતના મ્‍યુઝીક માસ્‍ટર પ્રિતમ દા ના સંગીતનો યાદગાર પ્રોગ્રામ ‘‘પ્રિતમ લાઇવ શિકાગો'' નોર્થ અમેરિકામાં એપ્રિલ ૨૦૧૮ માં યોજાશે. જેનું લોંચીંગ તાજેતરમાં ૨૧ જાન્‍યુ. ના રોજ શિકાગોના સ્‍કેમબર્ગમાં આવેલા ઠુમકા ગ્રિલ ખાતે યોજાઇ ગયું.

આ માટે ‘લાઇવ ટુ યુ' ના ફાઉન્‍ડર શ્રી કાર્લ કાલરા, શ્રી ગૌરાંગ પટેલ, શ્રી ગૌરવ આનંદ એ આવી તક મળવા બદલ ઇશ્વરનો આભાર માન્‍યો હતો. જે આવા ભયાનક રોગચાળાને નાથવામાં નિમિત બનશે તથા ડ્રગ્‍સના સેવનથી થતા રોગથી બચવા સાઉથ એશિયન પ્રજાજનોને જાગૃત કરશે. તેમ જણાવ્‍યું હતું. આ પ્રોગ્રામના આયોજન બદલ મ્‍યુઝીક માસ્‍ટર પ્રિતમ દા એ પણ આનંદ તથા રોમાંચ વ્‍યકત કર્યો હતો.

આ તકે અમેરિકન પેઇન એશોશિએશનના પ્રેસિડન્‍ટ ડો. સંજય ગુપ્‍તાએ જણાવ્‍યું હતું કે અમેરિકામાં ટ્રાફિક એકસીડન્‍ટ કે ગન વાયોલન્‍સથી મરતા લોકો કરતાં પણ વધુ લોકો આ ડ્રગ્‍સના સેવનથી થતા ભયાનક આપિઓઇડ રોગચાળાથી મરે છે. તેની સામે એશિયન અમેરિકન પ્રજાજનો સમક્ષ લાલબતી ધરી તેઓને જાગૃત કરવાના ઉમદા કાર્ય બદલ તેમણે આયોજકોને બિરદાવ્‍યા હતાં.

મ્‍યુઝીક માસ્‍ટર પ્રિતમદા તથા તેમની ટીમનો પ્રોગ્રામ નોર્થ અમેરિકામાં સૌપ્રથમવાર યોજાઇ રહ્યો છે. તેમણે ૧૨૦ જેટલી ફિલ્‍મોમાં ૬૦૦ જેટલા ગીતો પેશ કર્યા છે. તેમની ટુર દરમિયાન ૬ એપ્રિલના રોજ શિકાગો, ૭ એપ્રિલે ન્‍યુજર્સી, ૮મીએ ટોરેન્‍ટો, ૧૩ એપ્રિલના રોજ દલ્લાસ, ૧૪ એપ્રિલે લોસ એન્‍જલસ, ૨૦મી એપ્રિલએ વોશીંગ્‍ટન ડીસી તથા ૨૧મી એપ્રિલએ સાન જોસ ખાતે પ્રોગ્રામ યોજશે. તેવું શ્રી સુરેશ તથા સુશ્રી ઉષા બોડીવાલાની યાદી જણાવે છે.

(9:37 am IST)