Gujarati News

Gujarati News

News of Sunday, 5th September 2021

અમેરિકામાં આગામી સપ્તાહમાં આયોજિત હિન્દૂ ધર્મ વિરોધી કોન્ફરન્સ સામે વિરોધ વંટોળ : 3 લાખ 50 હજાર જેટલા ઇમેઇલ મોકલી હિન્દુઓએ વિરોધ નોંધાવ્યો

કોન્ફરન્સના બ્રોશરમાં આરએસએસ અને ભાજપને કોમવાદી ગણાવાયા છે : વિવાદ ટાળવા અનેક યુનિવર્સીટીઓએ કાર્યક્રમના આયોજનમાં પોતાના સિમ્બોલનો ઉપયોગ કરવાની સંમતિ પછી ખેંચી લીધી

વોશિંગટન : અમેરિકામાં આગામી સપ્તાહમાં આયોજિત હિન્દૂ ધર્મ વિરોધી કોન્ફરન્સ સામે વિરોધ વંટોળ ઉઠતા અનેક યુનિવર્સીટીઓએ કાર્યક્રમના આયોજનમાં પોતાના  સિમ્બોલનો ઉપયોગ કરવાની સંમતિ પછી ખેંચી લીધી છે. કાર્યક્રમનો વિરોધ કરવા સમગ્ર વિશ્વમાં વસતા હિન્દુઓએ 3 લાખ 50 હજાર જેટલા ઇમેઇલ મોકલ્યા હતા. કોન્ફરન્સના બ્રોશરમાં આરએસએસ અને ભાજપને  કોમવાદી ગણાવાયા છે .

આ કોન્ફરન્સના આયોજકોએ પોતાના નામ જાહેર કર્યા નથી. પરંતુ તેમના બ્રોશરમાં વિશ્વની ૫૦થી વધુ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ દ્વારા કાર્યક્રમને સમર્થન આપ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ભારતમાં કોમ્યુનિસ્ટ અને સામ્યવાદી વિચારધારાના કટ્ટર સમર્થક કવિતા કૃષ્ણન, આનંદ પટવર્ધન, નલિની સુંદર, નેહા દીક્ષિત, મીના કંદાસામી જેવા હિન્દુ વિરોધી માનસિક્તા ધરાવતા વક્તાઓ આ કોન્ફરન્સે સંબોધન કરવાના છે.

અમેરિકામાં હિન્દુ અધિકારોની તરફેણ કરતા સંગઠન હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને આ કાર્યક્રમને સમર્થન આપનારી યુનિવર્સિટીઓ અને કોલેજોને તેમનું સમર્થન પાછું ખેચી લેવા આગ્રહ કર્યો હતો. અમેરિકાના ઓહાયો રાજ્યના પ્રથમ હિન્દુ સેનેટર નીરજ અંતાણીએ આ કાર્યક્રમની આકરી ટીકા કરી છે. અમેરિકામાં આ કાર્યક્રમના આયોજન સામે વિરોધ નોંધાવતા તેમણે કહ્યું કે, આ કોન્ફરન્સ અમેરિકામાં હિન્દુઓ પર ધૃણાસ્પદ હુમલા સમાન છે. તે હિન્દુઓ વિરુદ્ધ જાતિવાદ અને કટ્ટરતાથી વધારે કશું નથી. હું હંમેશા હિન્દુફોબિયાનો આકરો વિરોધ કરું છું. વૈશ્વિક હિન્દુત્વને ખતમ કરવા માટે સંમેલનની આકરા શબ્દોમાં નિંદા કરું છું.

બીજી બાજુ ભારતમાં પણ ભારે વિરોધ થઈ રહ્યો છે. હિન્દુજનજાગૃતિ સમિતિએ પૂર્વ અને પૂર્વોત્તર રાજ્યના સંગઠક શંભૂ ગવારેએ જણાવ્યું કે, આ કાર્યક્રમમાં ભાગ લઈ રહેલા ભારતના લોકો સામે પગલાં લેવા માટે ભારત સરકારને નિવેદન કરવામાં આવ્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:50 am IST)