Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

નોકરી માટેની ૫ વર્ષથી ખાલી પડેલી જગ્યાઓ નાબૂદ કરાશે

રોજગાર મુદ્દે મોટો નિર્ણય લેતી મોદી સરકાર

નવી દિલ્હી તા. ૩૧ : રોજગાર મુદ્દે મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર છેલ્લાં પાંચ વર્ષથી ખાલી પડેલાં તમામ પદને નાબૂદ કરવાની યોજના બનાવી રહી છે. આ અંગે તમામ મંત્રાલયો અને વિભાગોને કોમ્પ્રેહેન્સિવ રિપોર્ટ સોંપવા કહેવાયું છે.

એક ઓફિસ મેમોરેન્ડમમાં નાણાં મંત્રાલયે તમામ મંત્રાલયો અને વિભાગોને પાંચ વર્ષથી ખાલી પડેલી તમામ જગ્યાઓને નાબૂદ કરવા માટે કાર્યવાહી રિપોર્ટ આપવા કહ્યું છે. કેટલાક વિભાગો અને મંત્રાલયોએ જવાબ આપી દીધો છે, પરંતુ વ્યાપક રિપોર્ટને બદલે જરૂરી સૂચના આપવામાં આવી છે.

ગત ૧૬ જાન્યુઆરીએ જાહેર કરાયેલા મેમોરેન્ડમમાં મંત્રાલયો અને વિભાગોના આર્થિક સલાહકારો અને સંયુકત સચિવોને પાંચ વર્ષથી ખાલી પડેલી જગ્યાએ ચિન્હિત કરી એક રિપોર્ટ રજૂ કરવા જણાવાયું છે. આ અંગે ગૃહ મંત્રાલયે તેમના તમામ વધારાના સચિવો, સંયુકત સચિવો, અર્ધલશ્કરી દળોના વડા તથા અન્ય સંલગ્ન સંગઠનોને પણ રિપોર્ટ આપવા કહ્યું છે. એવું અનુમાન વ્યકત કરાયું છે કે, કેન્દ્ર સરકારમાં હજારો પદ પાંચ વર્ષ કે તેનાથી વધુ સમયથી ખાલી પડ્યા છે.

ગત સાડા ત્રણ વર્ષ અર્થવ્યવસ્થામાં સુધારાનાં મોટાં પગલાં ભરવામાં આવ્યા બાદ હવે કેન્દ્ર સરકારનું ફોકસ બદલાઈ શકે છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખી વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર હવે રોજગારીની તકો ઊભી કરવા જેવા મુદ્દાને પ્રાથમિકતા આપી રહી છે.(૨૧.૫)

(9:44 am IST)