Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

ભાજપમાં તિરાડ વચ્ચે લાભ લેવા કોંગ્રેસ પાર્ટી પણ સક્રિય

આઠ ધારાસભ્યો સંપર્કમાં હોવાનો દાવો કરાયો : નીતિન પટેલ અમારા સન્માનિત નેતા છે : તેમને મનાવી લેવાશે : ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનો દાવો

અમદાવાદ,તા. ૩૦ : ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની નવી સરકારમાં તિરાડ દેખાઈ રહી છે ત્યારે પરિસ્થિતિનો લાભ લેવા માટે કોંગ્રેસે પણ રાજકીય દાવ રમવાની શરૂઆત કરી દીધી છે. કોંગ્રેસના મોટા દાવથી નવી રાજકીય ગરમી જામી છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે, ભાજપના આઠ ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. જો નીતિન પટેલ પાર્ટી છોડીને આવી જશે તો સરકાર બનાવી લેશે. જો કે, કોંગ્રેસના આ દાવામાં કોઇ ખાસ બાબત દેખાઈ રહી નથી. બે તૃતિયાંશથી ઓછા ધારાસભ્યો તુટી જવાની સ્થિતિમાં તેમની મેમ્બરશીપને રદ કરવામાં આવી શકે છે. સાથે સાથે ધારાસભ્યો ઉપર પાર્ટી બદલવા સાથે સંબંધિત કાયદો પણ લાગૂ થઇ શકે છે. જો કે, આ તમામ ઘટનાક્રમથી ભાજપની ચિંતા વધી ગઈ છે. નીતિન પટેલ અમદાવાદ સ્થિત પોતાના આવાસમાં હાલમાં વાતચીત કરી રહ્યા છે.

બીજી બાજુ નીતિન પટેલને મનાવવાના પ્રયાસો ભાજપે પણ હાથ ધર્યા છે. ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ કહ્યું છે કે, નીતિન પટેલ અમારા સન્માનિત નેતા છે. અમે ઉતાવળમાં આ મામલાનો ઉકેલ લાવી દઇશું. હાલમાં તેઓ ભાવનગરમાં છે. ટૂંકમાં જ નીતિન પટેલને મળીને કોઇ તકલીફ હશે તો તેને દૂર કરાશે. બીજી બાજુ ગુજરાત ભાજપના બીજા વરિષ્ઠ નેતા નરોત્તમ પટેલે નીતિન પટેલ સાથે વાતચીત કરી છે. નીતિન પટેલ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી છે. ઇચ્છીત ખાતાઓ નહીં મળવાની સ્થિતિમાં તેમની નારાજગી સ્વાભાવિક છે. તેમને પસંદગીના ખાતા મળવા જોઇએ. બીજી બાજુ હાર્દિક અને કોંગ્રેસને મોટી તક મળી ગઈ છે. હાર્દિકે નીતિન પટેલની તરફેણ કરી છે અને કહ્યું છે કે, તેઓ નીતિન પટેલને મુખ્યમંત્રી તરીકે જોવા ઇચ્છુક છે. કોંગ્રેસ તરફથી પણ પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.

(8:01 pm IST)