Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

પદ્માવતી દર્શાવાશે તો હોલમાં હિંસા : કરણી સેનાની ચિમકી

હોલમાં તોડફોડ કરવાની ચેતવણી આપવામાં આવી : રાજપૂત કરણી સેના આક્રમક : રિલીઝ પર હજુ સંકટ

મુંબઈ, તા. ૩૦ : પદ્માવતીને સેન્સર બોર્ડની મંજુરી મળી ગઇ છે પરંતુ તેના રજૂઆતને લઇને હજુ પણ સંકટ અકબંધ છે. રાજપૂત કરણી સેનાએ આક્ષેપ કરતા કહ્યું છે કે, અન્ડરવર્લ્ડના દબાણ હેઠળ પદ્માવતીને મંજુરી આપવામાં આવી રહી છે. કરણી સેનાએ ધમકી આપી છે કે, જે પણ હોલમાં પદ્માવતી ફિલ્મ દર્શાવવામાં આવશે તેને તોડી પાડવામાં આવશે. અગાઉ આજે એવા અહેવાલ આવ્યા હતા કે, સેન્સર બોર્ડે પદ્માવતી ફિલ્મને રજૂઆત માટે મંજુરી આપી દીધી છે. સેન્સર બોર્ડે ફિલ્મનું નામ બદલીને પદ્માવત કરવા કહ્યું છે. ત્યારબાદ કરણી સેના તરફથી નિવેદન સપાટી ઉપર આવ્યું છે. રાજપૂત કરણી સેનાના સુખદેવસિંહ ગોગામેદીએ કહ્યું છે કે, ફિલ્મના રિવ્યૂ કરવા માટે બનાવવામાં આવેલી સમિતિએ આનો વિરોધ કર્યો હતો. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, અન્ડરવર્લ્ડના દબાણ હેઠળ ફિલ્મને રજૂ કરવા સેન્સર બોર્ડે તૈયારી દર્શાવી છે. આ લોકોએ ધમકી આપી છે કે, જો ફિલ્મને રજૂ કરાશે તો તોડફોડ કરવામાં આવશે. સિનેમા હોલની બહાર તેમના લોકો ભેગા થશે. જે પણ હોલમાં પદ્માવતી દર્શાવવામાં આવશે ત્યાં તોડફોડ કરવામાં આવશે. કરણી સેના જે કંઇ પણ દાવા કરે પરંતુ મિડિયા રિપોર્ટ મુજબ સેન્સર બોર્ડ દ્વારા રચવામાં આવેલી ખાસ પેનલના સૂચનો બાદ જ આને રજૂઆત કરવાની મંજુરી મળી રહી છે. રાજપૂત કરણી સેના અને બીજા સંગઠનોનો આક્ષેપ છે કે, અલાઉદ્દીન ખિલજીને વધુ સારી રીતે ફિલ્મમાં દર્શાવવામાં આવનાર છે. આ ઉપરાંત પણ કેટલીક બાબતોનો ફિલ્મમાં ખોટી રીતે દર્શાવવામાં આવી રહી છે. આ તમામ બાબતોને લઇને વિરોધની શરૂઆત થઇ છે. આ ફિલ્મ નિર્માણ વેળાથી જ વિરોધ વંટોળ વચ્ચે ફિલ્મના શૂટિંગ વેળા પણ ભારે તોડફોડ કરવામાં આવી હતી. સંજય લીલા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. શૂટિંગને રદ કરવાની ફરજ પડી હતી.

(8:06 pm IST)