Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

રેસ્ટોરન્ટના માલિકની સામે લુકઆઉટ નોટિસો જારી થઇ

કમલા મિલ આગ મામલામાં બીજી એફઆઈઆર : આગની ઘટના બાદ પોલીસ અને તંત્રની કઠોર કાર્યવાહી જારી : આગના કારણોમાં ચકાસણીનો દોર યથાવત જારી

મુંબઈ,તા. ૩૦ : મુંબઈના કમલા મિલ કમ્પાઉન્ડમાં ફાટી નિકળેલી આગ બાદ વહીવટીતંત્ર અને પોલીસ હરકતમાં આવી ગયા છે. મુંબઈ પોલીસે આજે આ મામલામાં બીજી એફઆઈઆર દાખલ કરી હતી. આ એફઆઈઆર બીએમસીની ફરિયાદ બાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં બીએમસીએ કહ્યું છે કે, કમલા મિલના માલિક અને વર્તમાન પબ રેસ્ટોરન્ટના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. બીએમસીએ ફરિયાદમાં કહ્યું છે કે, આ તમામે મહારાષ્ટ્ર રિઝનલ ટાઉન પ્લાનિંગ એક્ટનો ભંગ કર્યો છે. ફરિયાદ એમએમ જોશી માર્ગ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. શનિવારના દિવસે બીએમસીએ કમલા મિલ કમ્પાઉન્ડ અને રઘુવંશી મિલ કમ્પાઉન્ડમાં કાર્યવાહી કરીને કેટલાક ગેરકાયદે નિર્માણને તોડી પાડ્યા હતા. આની સાથે સાથે અલગ અલગ ટીમો દ્વારા જુદા જુદા ક્ષેત્રોમાં ઓડિટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. દરેક ગેરકાયદે નિર્માણને તોડી પાડવા માટેના આદેશ જારી કરવામાં આવ્યા છે. આ પહેલા પોલીસે એક અબવ રેસ્ટોરન્ટના બે માલિકોની સામે લુકઆઉટ નોટિસ જારી કરી હતી. આજ રેસ્ટોરન્ટમાં ગઇકાલે ભીષણ આગ ફાટી નિકળી હતી. આગ કયા કારણસર લાગી હતી તેમાં હજુ તપાસ ચાલી રહી છે. એમ માનવામાં આવે છે કે, બારટેન્ડર દ્વારા કરવામાં આવેલા કોઇ ફાયર સ્ટંટ, હુક્કા માટે બળી રહેલા કોલસા અથવા તો શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. એક અબવના માલિક હિતેષ સંઘવી અને જીગર સંઘવીની સામે લૂકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે. બંને રેસ્ટોરન્ટના માલિકો છે. આને સી ગ્રેડની સુવિધાની સાથે ચલાવવામાં આવી રહી હતી. આ પહેલા પોલીસે સંઘવી ભાઈઓની સાથે સાથે વધુ એક માલિક અભિજીત મણકા સહિત કેટલાક લોકોની સામે કેસ દાખલ કર્યો હતો. કેસ આઈપીસીની કલમ ૩૦૪, ૩૩૭, ૩૩૮ હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. રેસ્ટોરન્ટે પોતાની સ્પષ્ટતામાં કહ્યું છે કે તેમની કોઇ ભુલ નથી. તમામ સુરક્ષા માપદંડનું પાલન કરવામાં આવ્યું હતું. ઘટના અંગે તમામ દોષ મોજો રેસ્ટોરન્ટ ઉપર નાંખી દીધા છે. અત્રે નોંધનીય છે કે, ગઇકાલે ભીષણ આગ ફાટી નિકળી હતી જેમાં ૧૫ લોકો બળીને ભડથુ થઇ ગયા હતા અને અન્ય ૨૧ લોકો ઘાયલ થયા હતા. જે પૈકી કેટાલકની હાલત હજુ પણ ગંભીર છે.

(7:27 pm IST)