Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

પક્ષ નહી છોડું, ૪૦ વર્ષથી ભાજપ માટે મહેનત કરી છે : નીતિન પટેલ

ત્રણ દિવસ બાદ આખરે નીતિનભાઇએ મૌન તોડયું, વેદના ઠાલવી : આ માત્ર ખાતાઓની વાત નથી, પરંતુ વાત સ્વાભિમાન અને સ્વમાનની છે, મને વિશ્વાસ છે કે, પાર્ટી યોગ્ય નિર્ણય લેશે : નીતિન પટેલની સ્પષ્ટ પ્રતિક્રિયા

અમદાવાદ,તા. ૩૦ : ભાજપની નવી સરકારમાં ખાતાઓની ફાળવણીથી લઇ પોતાની ગંભીર ઉપેક્ષાને લઇ ત્રણ દિવસથી નારાજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આજે સાંજે આખરે મૌન તોડયું હતુ અને પોતાની વેદના ઠાલવી હતી. નીતિનભાઇએ ઢીલા સ્વરે પરંતુ મક્કમતા સાથે સ્પષ્ટ કર્યું હતું કે, હું ભાજપ પાર્ટી નહી છોડું, છેલ્લા ૪૦ વર્ષોથી મેં ભાજપ માટે મહેનત કરી છે. આ માત્ર ખાતાઓની વાત નથી પરંતુ વાત સ્વાભિમાન અને સ્વમાનની છે. મને વિશ્વાસ છે કે, પાર્ટી યોગ્ય નિર્ણય લેશે. જેમણે મને શુભકામના પાઠવી અને મારી ચિંતા કરી તે તમામનો આભાર માનું છું. નીતિન પટેલની નારાજગી અને રિસામણાને લઇ છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના રાજકારણમાં ખાસ કરીને ભાજપમાં હાઇ  વોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો. નીતિન પટેલ ત્રણ દિવસથી તેમની ઓફિસ પણ ગયા ન હતા અને તેમના નિવાસસ્થાને જ નારાજ થઇને બેઠા હતા. જયાં છેલ્લા ત્રણ દિવસથી પાટીદાર સમાજના આગેવાનોથી માંડી દિગ્ગજ મહાનુભાવોએ નીતિન પટેલની શુભેચ્છા મુલાકાત લઇ તેમને આ નારાજગી પળોમાં સાથ અને ટેકાની હૈયાધારણ આપી હતી. ભાજપની નવી રૂપાણી સરકારમાં ફરી એકવાર પોતાની ઉપેક્ષા અને થયેલા અન્યાયને લઇ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ વખતે આક્રમક મુડમાં જોવા મળ્યા હતા અને છેલ્લા ત્રણ દિવસથી તેઓ રિસાઇને તેમના નિવાસસ્થાને જ બેસી ગયા હતા. નીતિન પટેલના રિસામણાંને લઇ ગુજરાત રાજકારણમાં ફરી એકવાર જોરદાર ગરમાવો આવી ગયો હતો. એટલે સુધી કે, નીતિન પટેલ રાજીનામુ ધરી દેશે અને જરૂર પડયે કોંગ્રેસમાં પણ જોડાઇ શકે છે તેવી અફવાઓ અને અટકળોનું બજાર ગરમ થયું હતું. જેની ભાજપના હાઇકમાન્ડને પણ નોંધ લેવી પડી હતી, વાત એટલી હદ સુધી વધી હતી. ભાજપ મોવડીમંડળ દ્વારા બે દિવસમાં નીતિનભાઇની નારાજગી દૂર કરી તેમને મનાવી લેવાય તેવી પણ શકયતા પ્રવર્તી રહી છે. બીજીબાજુ, નારાજ નીતિનભાઇના નિવાસસ્થાને છેલ્લા ત્રણ દિવસથી તેમના શુભેચ્છકોની મુલાકાતોનો દોર ચાલ્યો હતો. આજે એસપીજી આગેવાન લાલજી પટેલ, ભાજપના દિગ્ગજ નેતાઓ નરોત્તમ પટેલ, વજુ પરસાણા, પાસના પૂર્વ નેતા કેતન પટેલ સહિતના આગેવાનો નીતિનભાઇને રૂબરૂ મળી તેમની વ્યથામાં સહભાગી બન્યા હતા. લાલજી પટેલ સહિતના પાટીદાર આગેવાનોએ નીતિનભાઇના સમર્થનમાં હોવાની જાહેરાત કરતાં માંગણી કરી હતી કે, નીતિનભાઇનો અનુભવ અને પક્ષમાં તેમની કામગીરી તેમ જ વિકાસના કામો જોતાં તેઓ મુખ્યમંત્રી બનવાને લાયક છે. લાલજી પટેલે તા.૧લી જાન્યુઆરીએ મહેસાણા બંધનું એલાન પણ આપ્યું હતું. જો કે, ત્રણ દિવસના મૌન બાદ આજે સાંજે નીતિનભાઇ પટેલે મીડિયા સમક્ષ વાતચીત કરી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું કે, હું ભાજપ પાર્ટી નહી છોડું, છેલ્લા ૪૦ વર્ષોથી મેં ભાજપ માટે મહેનત કરી છે. આ માત્ર ખાતાઓની વાત નથી પરંતુ વાત સ્વાભિમાન અને સ્વમાનની છે. મારી લાગણી મેં હાઇકમાન્ડ સમક્ષ રજૂ કરી છે મને વિશ્વાસ છે કે, પાર્ટી યોગ્ય નિર્ણય લેશે. જેમણે મને શુભકામના પાઠવી અને મારી ચિંતા કરી તે તમામનો આભાર માનું છું. મારી વાતને લઇ હાઇકમાન્ડ ગંભીર છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, આ તેમનો આંતરિક વિવાદનો મામલો છે.

 

(8:42 pm IST)