Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

ઢંઢેરો પીટવાનો બાબા આદમના જમાનાનો કાયદો હજીયે અમલમાં છે

ગુડગાંવ તા. ૩૦: લગ્નપ્રસંગ હોય કે કોઇ મોટી અને મહત્વની ઘટના બની હોય તો એની જાહેરાત કરવા કે પછી ખુશી વ્યકત કરવા ઢોલ વગાડવામાં આવે એ સામાન્ય વાત છે, પણ દિલ્હી પાસે ગુડગાંવમાં લગભગ ૧૦૩ વર્ષથી એવો કાયદો અમલમાં છે જેમાં પબ કે બાર ખોલવો હોય તો ઢોલ વગાડીને એનો ઢંઢેરો એ વિસ્તારમાં પીટવો પડે છે અને સંબંધિત વિસ્તારમાં જો કોઇને એની સામે વાંધો હોય તો એ વિશે પોલીસ સ્ટેશનમાં વિરોધ નોંધાવી શકે છે.

ગુડગાંવમાં આજે પણ એકસાઇઝ અને ટેકસેશન-વિભાગ પંજાબ એકસાઇઝ એકટ, ૧૯૧૪ના નિયમો હેઠળ કામ કરવામાં આવી રહ્યો છે. આ એકટ હેઠળ એક નિયમ એવો છે કે જો તમારે પબ અને બાર શરૂ કરવા માટે લાઇસન્સ-વિભાગમાં અરજી કરવી છે તો તમારે એક ઢોલવાળો બુક કરી એને રિક્ષામાં બેસાડીને જે વિસ્તારમાં પબ કે બાર શરૂ કરવો હોય ત્યાં એને ફેરવીને ઢંઢેરો પીટવાનો રહેશે. ત્યારબાદ તમારી ફાઇલ સાથે ઢોલવાળાનું અને રિક્ષાનું બિલ જોડવાનું રહેશે તેમજ જયાં રિક્ષા ફેરવીને ઢોલ વગાડયો હોય એ સમ્ર વિસ્તારની વિગતો પણ જણાવવાની રહેશે. જોકે આજકાલ કોઇ આ રીતે રિક્ષા ફેરવીને ઢોલ વગાડીને ઢંઢેરો પીટતું નથી, પરંતુ લાઇસન્સ માટે કરેલી અરજી સાથેની ફાઇલમાં રિક્ષાવાળા અને ઢોલવાળાનું બિલ જરૂરથી જોડવામાં આવે છે. ગુડગાંવના ઇસ્ટ ઝોનમાં ૧૮૯ અને વેસ્ટ ઝોનમાં ૮૯ પબ છે. તથા ૩૭ બાર છે તથા બે બાર રેવાડીમાં પણ છે અને આ તમામની ફાઇલમાં રિક્ષા અને ઢોલવાળાનાં બિલ પણ લગાવેલાં છે. (૭.૪૦)

(3:40 pm IST)