Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

મારા સંતાનોને પ્રિય એવી વાનગીઓ એ હોટલમાં હાજર ન હોવાની બાબતને હું મારા પરિવારના બચાવ માટેનો કુદરતી સંકેત ગણુ છું: આસિત મોદી

મારો પરિવાર ઉગરી ગયો તેનો હર્ષ, પણ નિર્દોષ લોકો ભરખાઇ ગયા તેનું ભારોભાર દુઃખઃ કેવો યોગાનુયોગઃ ૧પ નો ભોગ લેનાર મુંબઇની એ હોટલની દુર્ઘટના સમયે એ હોટલની અડોઅડ આવેલ હોટલમાં જાણીતી સિરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતા પરિવાર સાથે પત્નિનો જન્મદિન મનાવવા ગયેલ તેનો કુદરતી બચાવ થયોઃ હું દિગ્મૂઢ બની ગયેલોઃ અકિલા સાથે તારક મહેતાના પ્રોડયુસરની વિશેષ વાતચીત

રાજકોટ, તા., ૩૦: મધ્ય મુંબઇના સેનાપતિ માર્ગ (લોઅર પરેલ) વિસ્તારમાં આવેલી કમલા મીલ કંમ્પાઉન્ડમાં આવેલી વિવિધ હોટેલો અને ચેનલોની ઓફીસોવાળા સ્થળે 'મોજેજ મિસ્ત્રો' નામની હોટલ અને પબમાં ગુજરાતી યુવતી ખુશ્બુની બર્થડે પાર્ટી દરમિયાન મધરાત્રીએ ફાટી નિકળેલ ભયંકર આગથી બચવા માટે બાથરૂમમાં ઘુસેલા લોકો ધુમાડાને કારણે ગુંગળાઇ જતા અમદાવાદની એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યુવતી યેશા ઠક્કર સહિત ૧પ નો ભોગ લેનાર આ ભયંકર દુર્ઘટના સમયે જાણીતી સિરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરીયલના નિર્માતા આસિતભાઇ મોદી અને તેના પરિવારનો કુદરતી કૃપાથી આબાદ બચાવ થતા આસિતભાઇના દેશ-વિદેશમાં વસતા શુભેચ્છકો, સ્નેહીઓ અને મિત્રોમાં હર્ષની લાગણી ફેલાવા સાથે આસિતભાઇના પરિવારના ખબર પુછવા માટે સતત મોબાઇલ તથા લેન્ડલાઇન રણકી રહયા છે. ઉકત ઘટના સંદર્ભે 'અકિલા' સાથે પારિવારીક સંબંધ ધરાવતા આસિતભાઇ મોદીનો સંપર્ક સાધતા તેઓએ અકિલા સાથેની વિશેષ વાતચીત દરમિયાન સમગ્ર બાબતનો ઘટનાક્રમ વર્ણવતા વ્યથિત હ્ય્દયે જણાવેલ કે, પોતે પોતાના બંન્ને સંતાનો સાથે પોતાની પત્ની નિલાબેન મોદીનો જન્મદિવસ મનાવવા માટે આ હોટલની પાસે જ આવેલી હોટલમાં ગયેલા. પોતાનો પરિવાર તો ઉગરી ગયો તે બદલ તેઓએ ઠાકોરજીની કૃપા ગણાવી પરંતુ અન્ય લોકો ભોગ બન્યા તે માટે તેઓએ ભારોભાર દુઃખ વ્યકત કરી મૃતકના આત્માની શાંતિ માટે પરિવારે પ્રાર્થના કર્યાનું પણ જણાવેલ.

અકિલા સાથેની વિશેષ વાતચીતમાં આસિતભાઇએ જણાવેલ કે, આ હોટલ પસંદ કરવા પાછળનું કારણ એ હતું કે જે હોટલમાં વન-એ-વોવ નામની રેસ્ટોરન્ટમાં પ્યોર વેજીટેરીયન ફુડ પીરસવામાં આવતું હોવાથી તેની પસંદગી કરવામાં આવેલી. રેસ્ટોરન્ટમાં પોતાના સંતાનોએ 'વફેલ' નામની કેક પ્રકારની વાનગી કે જેમાં વેફર્સ બિસ્કીટ પર ચોકલેટનો માવો હોય છે. તે પ્રકારની આઇટમનો ઓર્ડર આપ્યો પણ તે હાજર ન હતી.

આસિતભાઇના પુત્ર-પુત્રીને કેક પસંદ હોવાથી હોટલના મેનુમાંથી એક અન્ય આઇટમ શોધી કે જે સ્વીટ ડીશ પ્રકારની હોય છે તેનો ઓર્ડર આપ્યો પણ એ પણ હોટલમાં અવેલેબલ નહોતી. આથી તેઓ પરિવાર સાથે હોટલમાંથી બીજે જવા નિકળી ગયા હતા. ભગવાનમાં ખુબ જ શ્રધ્ધા ધરાવતા આસિતભાઇ મોદી પરિવાર આ બાબતને કુદરતની પોતાના પરિવાર પર અસીમ કૃપા અને પોતાના બચાવને માટે ઇશ્વરને શ્રેય આપ્યો હતો.

અત્રે એ યાદ રહે કે જુહુ વિસ્તારમાં અમિતાભ બચ્ચનના બંગલાથી નજીક રહેતા અને અંધેરીમાં ઓફીસ ધરાવતા આસિતભાઇ મોદી પરિવારમાં ઠાકોરજીની સેવા થાય છે. ઘરે પૃષ્ટવેલા ઠાકોરજી છે અને પરિવારના એક સભ્યએ સેવાની જવાબદારી સ્વીકારી છે. પોતાની દેશ-વિદેશમાં જાણીતી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જે રીતે વિવિધ તહેવારો ઉજવી સર્વધર્મ સમભાવના સંદેશ આપે છે. તે માત્ર સિરીયલ પુરતા જ મર્યાદીત નથી વાસ્તવિક જીવનમાં પણ તેઓ અને તેઓનો પરિવાર તમામ ધર્મનો આદર કરે છે.

સિરીયલના ચોક્કસ હપ્તાઓ પુર્ણ થતા જ આસિતભાઇ પરિવાર તથા સિરીયલની ટીમ સાથે સફળતાનો શ્રેય ઇશ્વરના ચરણે ધરવા કયારેક મથુરા તો કયારેક અંબાજી પહોંચે છે. હરીદ્વાર અને કાશી જઇ ગંગા આરતી પણ કરે છે. સૌરાષ્ટ્રમાં તેઓ અન્ય મંદિરોની સાથે વિરપુર (પૂ. જલારામબાપા) પર તેઓને અપાર શ્રધ્ધા છે. આવો પરિવાર દુર્ઘટનાથી બચી જાય ત્યારે તેમને ભગવાને બચાવ્યા એવું કહે તો તેમાં કંઇ અતિશ્યોકિત નહિ ગણાય.(૨૧.૨૦)

(3:39 pm IST)