Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

ભાજપના દબાણમાં આવીને મમતાએ રણનીતિ બદલી?

મમતા બેનર્જી હવે પોતાના કાર્યક્રમોમાં પોતે 'સહિષ્ણુ હિન્દુ' હોવાનો સંદેશો આપી રહી છે

કોલકત્તા તા. ૩૦ : બંગાળનાં ગ્રામીણ વિસ્તારોમાં ભાજપની વધતી જતી અસરનાં કારણે રાજયનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને પોતાની રણનીતિ બદલવા માટે મજબૂર કરી દીધા છે.  મમતા બેનર્જી હવે પોતાનાં કાર્યક્રમોમાં પોતે 'સહિષ્ણુ હિન્દુ' હોવાનો સંદેશો આપી રહી છે.  ગયા મંગળવારે મમતા બેનર્જીએ ગંગાસાગર પ્રવાસ દરમ્યાન કપિલમુનિ આશ્રમનાં મુખ્ય પુજારી સાથે લગભગ એક કલાક વિતાવ્યો. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, 'હું અહીં ફરીથી આવિશ.'

 મમતા બેનર્જીનાં સમર્થકોની સંખ્યા હવે ઓછી થતી હય તેવું જણાઈ રહ્યું છે. એવામાં તેમનું આ નિવેદન પણ તેમના સમર્થકો વધારવા માટેનું હોય તેવું પણ કહી શકાય. થોડા દિવસો પહેલા રાજયમાં થયેલી ચૂંટણીમાં સબાંગ અને દક્ષિણ કાંતિ જેવાં વિસ્તારોમાં ભાજપને વધારે મત મળ્યા હતા. આ બંને વિસ્તારો એવા છે કે જયાં આ પહેલા કયારેય પણ ભાજપને વધારે વોટ નથી મળ્યાં. સવાંગ વિધાનસભા ક્ષેત્રમાં તૃણમૂલને જયાં ૧,૦૬,૧૭૯ વોટ મળ્યાં, ત્યારે બીજી તરફ ભાજપને ૩૭,૪૭૬ વોટ મળ્યાં હતાં. 

આશ્યર્ય પમાડનારી વાત તો એ છે કે ૨૦૧૬ની ચૂંટણી વખતે આ જ વિસ્તારમાં ભાજપને ફકત ૫,૬૧૦ વોટ જ મળ્યા હતાં. એવું માનવામાં આવી રહ્યું છે કે ટીએમસી પ્રમુખને આ વખતે એવું લાગી રહ્યું છે કે ભાજપ ચૂંટણી દરમ્યાન હિંદુઓને એકજૂટ કરવામાં સફળ રહી હોય. મોદીએ પોતાનાં 'હિન્દુ કેમ્પ'માં ઓબીસી અને એસસી-એસટી મતદાતાઓને પણ સમાવી લીધા છે.  આ ઉપરાંત ભાજપ એ સંદેશો ફેલાવવામાં પણ સફળ રહી છે કે તેમની પાર્ટી ફકત બ્રાહ્મણ અને ઉચ્ચ જ્ઞાતિઓની હિંદુ પાર્ટી જ નથી.(૨૧.૨૫)

(3:39 pm IST)