Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

રાજ્યસભામાં સરળતાથી પાસ નહિ થાય ત્રણ તલાક બિલ

સોફટ હિન્દુત્વના માર્ગે ચાલી રહેલી કોંગ્રેસને ઈમેજની ચિંતાઃ સરકારને ફાયદો

નવી દિલ્હી, તા. ૩૦ :. શું એકવરમાં ત્રણ તલાક પર બનેલુ બિલ રાજ્યસભાની પરીક્ષા પણ પાસ કરી લેશે ! ગુરૂવારની રાત્રે લોકસભામાંથી વિરોધ વગર પાસ થયા બાદ હવે રાજ્યસભા પર નજર અટકેલી છે. સુત્રોના જણાવ્યા મુજબ હવે રાજ્યસભામાં આ બિલને ૨ જાન્યુઆરીએ રજુ કરવામાં આવશે. ૧ લી જાન્યુઆરીના રોજ સંસદમાં રજા છે. માનવામાં આવી રહ્યુ છે કે, 'સોફટ હિન્દુત્વ'ની રાહ પર ચાલી રહેલી કોંગ્રેસને હવે પોતાની ઈમેજની ચિંતા છે તેથી તે રાજ્યસભા આ બિલ અંગે સરકાર વિરૂદ્ધ આક્રમક વલણ અપનાવશે નહી. જેનાથી સરકારનો માર્ગ મોકળો બનશે. લોકસભામાંથી બિલ પાસ થયા બાદ ભાજપની નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે ઠંડા પડવાના પણ સંકેત આપ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ આ બિલમાં તમામ વિપક્ષી દળોની સમસ્યા પર વિચાર કરી શકે છે પરંતુ તે ઈચ્છે છે કે, બિલ આ સત્રમાં પાસ થાય. કોંગ્રેસ સહિત વિપક્ષી દળોએ આ બિલને સપોર્ટ તો કર્યો હતો પરંતુ વળતર અને ક્રિમીનલ એકટને તેડવા જેવી જોગવાઈ પર સ્પષ્ટતા મેળવી હતી.

કોંગ્રેસ એવા કોઈ પગલા ભરવાના મૂડમાં નથી જેનાથી એવુ લાગે કે તે બિલને અટકાવવા માગે છે. લોકસભામાં પણ તેને બિલનો વિરોધ કર્યો નથી.

(3:39 pm IST)