Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

મોદી સિવાય કોઇનું સાંભળવા તૈયાર નથી નીતિન પટેલ, કોંગ્રેસે આપી ઓફર

જો નીતિન પટેલ અને ભાજપના નારાજ ધારાસભ્યો કોંગ્રેસને ટેકો આપતા હોય તો રાજ્યના હિત માટે અમે સરકાર બનાવવા તૈયાર છીએઃ શકિત પ્રદર્શનના મૂડમાં નીતિન પટેલઃ નિતીન પટેલનું મૌન જ બધું કહી જાય છેઃ નેતાઓ મુલાકાત કરવા પહોંચ્યા

નવી દિલ્હી તા. ૩૦ : ૯૯ બેઠકો જીતી સત્તા પર આવતાની સાથે જ ભાજપમાં યાદવાસ્થળી રચાઈ છે. ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેનારા નીતિન પટેલે બગાવતની ચિમકી આપી છે, ત્યારે હાર્દિક પટેલ બાદ હવે કોંગ્રેસે પણ નીતિન પટેલને પોતાને ટેકો આપવા ઓફર કરી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું છે કે, જો નીતિન પટેલ અને ભાજપના નારાજ ધારાસભ્યો કોંગ્રેસને ટેકો આપતા હોય તો રાજયના હિત માટે અમે સરકાર બનાવવા તૈયાર છીએ.

બીજી તરફ, નીતિન પટેલે સમર્થકોને પોતાના ઘરે બોલાવવાનું શરુ કરી દીધું છે. તેમના ઘર પાસે મોટી સંખ્યામાં સમર્થકો એકત્ર થવાની શકયતા વ્યકત કરાઈ રહી છે, જેના માટે તૈયારીઓ પણ શરુ કરી દેવાઈ છે. નીતિન પટેલના ઘર પાસે મોટો મંડપ પણ બાંધી દેવામાં આવ્યો છે.

નીતિન પટેલની ગણના ભાજપના સૌથી બોલકા નેતાઓમાં થાય છે. સરકાર હોય કે પક્ષ, બંને તરફથી નીતિન પટેલ હંમેશા મીડિયા સાથે વાતચીત કરતા રહે છે. એટલું જ નહીં, તેમને કોઈ પણ સામાન્ય વ્યકિત પણ સીધો ફોન કરી તેમની સાથે સીધી વાતચીત કરી શકે છે. જોકે, બોલકા નેતા ગણાતા નીતિન પટેલ છેલ્લા બે દિવસથી ભેદી મૌન ધારણ કરીને બેઠા છે. તેમનું આ મૌન જ તેમની નાારજગી વિશે ઘણું કહી જાય છે.

નીતિન પટેલની મુલાકાત કરવા એક પછી એક નેતાઓ પણ પહોંચી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ નેતા કિરીટ પટેલ પણ આજે નીતિન પટેલની શુભેચ્છા મુલાકાત લેવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, નીતિન પટેલ જેવા વરિષ્ઠ પાટીદાર નેતાને પક્ષમાં તેમના મોભા પ્રમાણે સ્થાન મળવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, ડેપ્યુટી સીએમ પોતાની પાસેથી મહત્વના ખાતાનો હવાલો છિનવી લેવાતા નારાજ છે, અને તેઓ ઓફિસે પણ નથી આવી રહ્યા. એટલું જ નહીં, રૂપાણી, અમિત શાહ તેમજ વાઘાણીના આદેશને કોરાણે મૂકી તેમણે પોતાના નિવાસસ્થાને પોતાના સમર્થકોને બોલાવવાનું પણ શરુ કરી દીધું છે. એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, જો ખુદ પીએમ મોદીએ દરમિયાનગીરી ન કરી તો નીતિન પટેલ રાજીનામું આપશે તે નક્કી છે, કારણકે તેઓ ભાજપના બીજા કોઈ નેતાને સાંભળવાના મૂડમાં નથી.

નીતિન પટેલ નારાજ છે, ત્યારે કોંગ્રેસે પણ સ્થિતિનો ફાયદો ઉઠાવતા તેમને પોતાની સાથે જોડાવાની ઓફર કરી દીધી છે. સોલંકીએ આજે જણાવ્યું હતું કે, અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. આનંદીબેન પટેલ પછી હવે નીતિન પટેલ પણ ભાજપની નેતાગીરીના ટાર્ગેટ પર છે. જો ભાજપના ધારાસભ્યો અને નીતિન પટેલ અમને ટેકો આપે તો ગુજરાતના હિતમાં અમે સરકાર બનાવવા તૈયાર છીએ.

આજે હાર્દિક પટેલે પણ નિવેદન આપ્યું હતું કે, જો નીતિન પટેલનું ભાજપમાં અપમાન થઈ રહ્યું હોય તો તેઓ અમારી સાથે જોડાઈ શકે છે. નીતિન પટેલ ૧૦ ધારાસભ્યો સાથે કોંગ્રેસમાં જોડાવવા તૈયાર હોય તો હું કોંગ્રેસમાં તેમને આવકારવા અને યોગ્ય પદ આપવા માટે વાત કરીશ.

નીતિન પટેલની નારાજગી સમગ્ર રાજયમાં ચર્ચાનો વિષય બની છે. ભાજપ માટે જેટલી કપરી સ્થિતિ ચૂંટણી પહેલા નહોતી તેનાથી વધુ કપરી સ્થિતિ ચૂંટણી જીત્યા પછી સર્જાઈ રહી છે. પક્ષની પ્રતિષ્ઠા વધુ ન ખરડાય તે માટે નીતિન પટેલને જાહેરમાં નિવેદન આપવાની કે પછી પોતાના સમર્થકોને એકત્ર ન કરવા માટે કહેવાઈ રહ્યું છે, પરંતુ નીતિન પટેલ કોઈનું સાંભળવા તૈયાર નથી.(૨૧.૨૨)

(3:38 pm IST)