Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

કદ મુજબ વેતરાવા માટે ભુતકાળના કયા વિવાદો નડી ગયા ?

નીતિનભાઇને કઇ અમથા નખવિહોણા નથી કરી દેવાયાઃ અગાઉની સરકાર વખતે સરકાર બદનામ થાય-પ્રજા નારાજ થાય એવી કામગીરી કરી હોવાની જોરશોરથી ફરિયાદો હાઇકમાન્ડ પાસે પહોંચી હતીઃ ગાંધીનગરમાં જબરી ચર્ચાઃ અનામત મામલો પણ જાણી જોઇને ગુંચવી નાખ્યો હોવાની જબરી ચર્ચાઃ ભાજપને નુકસાન થવા પાછળ આ બાબત પણ જવાબદારઃ શહેરી વિકાસ મંત્રાલય આપી મનાવી લેવાશે ?

રાજકોટ, તા. ૩૦ : ગુજરાતમાં ભાજપ છઠ્ઠી વખત સત્તારૂઢ થયો પણ કોઈ સ્વાદ નથી રહ્યો. આંતરીક વિખવાદ ચરમસીમાએ છે. જો ઉપરથી સખ્ત દબાણ નહિં આવે તો ભાજપની શિસ્તના ખુલ્લેઆમ લીરા ઉડી જશે. આજે સતત ત્રીજા દિવસે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પોતાની ઓફીસે નથી આવ્યા અને હેવાલો એવા છે કે કાલ સુધીમાં તેમનું સન્માન જળવાય તેવો ઉકેલ નહિં આવે તો સરકાર સાથે છેડો ફાડવાના પણ મૂડમાં છે.

નીતિનભાઈ કોઈનેય મળતા નથી. ત્યારે તેમના જૂના મહત્વના ખાતા નાણા અને શહેરી વિકાસ તેમની પાસેથી છીનવી લેવાતા અને મહત્વના તમામ ખાતાઓ વિજયભાઈ, એક સમયે ફેંકાઈ ગયેલા સૌરભ પટેલ (દલાલ) અને માંડ માંડ જીતેલા ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વહેંચી લેતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ખળભળી ગયા છે એ વાત હવે જાણીતી છે.

ત્યારે મહેસાણા, જે પાસનો ગઢ ગણાય છે ત્યાંથી નીતિનભાઈ જીતી આવ્યા, તેમની પાંખો કાપી લેવા પાછળ શું પરિબળો ભાગ ભજવી ગયા તેની ભારે ચર્ચા છે.

જે ચર્ચા છે એ મુજબ લાલજીભાઈ પટેલ અને અંબાલાલ પાછળ નીતિનભાઈ હોવાનું અને અનામત આંદોલનને વેગ આપવા પાછળ તેમનો હાથ હોવાનું ભાજપના સર્વોચ્ચો સુધી  ભારે જાણીતુ - ચર્ચાતુ રહ્યુ છે. આ જ કારણે અમિતભાઈએ આ વખતે તેમના બધા મહત્વના ખાતા છીનવી નહોર વિનાની કરી દીધાનો દાવ ખેલાયાનું ભાજપના ટોચના વર્તુળો નામ નહિં આપવાની શરતે જણાવી રહ્યા છે.

અનામત આયોગ અંગેની ચર્ચા કરી - મીટીંગો કરી પણ અંતિમ નિર્ણય પર આવવામાં ખૂબ મોડુ કરાયુ, જે તે સમયે બનાવાયેલ હેલ્થ પોલીસી સહિત અનેક ફાઈલો કલીયર જ ના કરવી, રોકી રાખવી, માર્ગ - મકાનના અબજોના કામોને મંજૂરી મળવા છતાં ટેન્ડરો બહાર ન પાડવા, છેલ્લી ઘડીએ જ કામો કરાવવા આ બધી બાબતો ઉપરના સ્તર સુધી પહોંચી હતી.

નીતિનભાઈનું મહત્વ ઓછુ કરવાનો પ્લાન ગયા વખતની સરકારની રચના સાથે જ અમલી બનેલ અને મુખ્યમંત્રીપદ તેમને મળ્યુ નહીં.

પરંતુ તેમને ખાતા ગયા વખતે છૂટા હાથે અપાયેલ. આ વખતે ખાતાઓ ઝૂંટવી લઈ તેમને સાવ નખ વિનાના કરી દેવાતા નીતિનભાઈ આગ બબૂલા બની ગયાનું અને તેથી આજ સુધી તેઓ ઓફીસમાં ગયા નથી કે નવા હોદ્દાનો ચાર્જ સંભાળ્યો નથી. ચર્ચા તો ત્યાં સુધી છે કે તેમણે સત્તાવાર મોટર અને ચાવીઓ પરત મોકલી આપી છે. જો કે નીતિનભાઈનો સંપર્ક થઈ શકતો નથી.

દરમિયાન એવી પણ જબરી અફવા છે કે નીતિનભાઈ આવતીકાલ સુધીમાં તેમનું ધાર્યુ નહિં થાય તો રૂપાણી સરકાર સાથે છેડો ફાડી નાખશે. કોંગ્રેસના ધારાસભ્ય શ્રી પરેશ ધાનાણીના સાથે સાથે કોઈ મોટો વિસ્ફોટ કરે અને તેમની સાથે દસેક ધારાસભ્યો છેડો ફાડે. જો કે આ કોઈ વાતને સત્તાવાર સમર્થન મળતુ નથી.

નીતિનભાઈ માટે તેઓ ભૂતકાળમાં મીટીંગોમાં સમયસર જતા નહિં, ૫૦ ટકા સુધીની ફાઈલો કલીયર કર્યા વિનાની  રાખી મૂકે, કોઈનું પણ માનવાનું નહિં, નાના - નાના કામો પણ કરાય નહિં અને પબ્લીક ખૂબ જ નારાજ થાય તેવી સતત પ્રવૃતિ ચાલુ રહેલ તેવી રજૂઆત પણ થયાની વાતો ચર્ચામાં છે.

આશાવર્કરો સહિત કેટલાય આંદોલનો તેમના હોદ્દાઓને લગતા ક્ષેત્રમાં થયા, ૧-૧ મહિના સુધી ઉપવાસ આંદોલનો થયા, ગામડે ગામડેથી બહેનો આવે તો પણ નિરાકરણ ન થાય, અને છેલ્લા દિવસે ૧૦૦૦ આપવાની જાહેરાત થાય તો આ હજારો બહેનો મત કોને આપે?

ભૂતકાળના બનાવો - સમયની વાત કરતા આ ટોચના વર્તુળોએ જણાવેલ કે એ સમયે સાહેબ તેમના વિશ્વાસુ બે ટોચના મહાનુભાવો પાસે જ્ઞાતિ - ભણતરા - વિશેષતા વિ. આધારે લીસ્ટ તૈયાર કરાવતા જેમાં પોતે નજર નાખી ફાઈનલ કરી આપતા કે કોણ કેબીનેટમાં, કોણ રાજયકક્ષાનાં.. આ પછી આ બંને ટોચના મહાનુભાવો સંભવિત ખાતાઓની ફાળવણીનું લીસ્ટ કરતા જેમાં સાહેબ ફાઈનલ થોડા ફેરફારો કરી આપતા. અહિં કહેવાનું તાત્પર્ય એ છે કે આ પહેલાના સમયમાં શપથવિધિ પૂરી થાય કે તરત જ કેબીનેટ મળતી અને પ્રધાનોના ટેબલ ઉપર તેમને કઈ ઓફીસ - ખાતા ફાળવ્યા તે વિગતો મુકાઈ જતી.

જયારે આજે ૯ દિવસે માંડ પ્રધાન મંડળ જાહેર થઈ શકયુ અને શપથવિધિને ૩ દિવસ સુધી કેબીનેટ બની નહિં. પ્રજામાં ખૂબ ખરાબ મેસેજ જઈ રહ્યો છે.

પ્રધાનોને પણ ફાળવણી અને કેબીનેટ મીટીંગ માટે સાંજે ૫નો સમય ફાળવાયેલ, બધા પ્રધાનો, પત્રકારો, કેમેરામેનો, સરકારી અધિકારીઓ, સચિવો, સ્વર્ણિમ સંકુલ-૧માં ૪-૪ કલાક રાહ જોઈને બેસી રહેલ. પછી ૯ વાગ્યે વિજયભાઈ - નીતિનભાઈ - જીતુભાઈ આવી પહોંચેલ પણ તેમના મોઢા પર ઉમંગ નહોતો.

ત્યાં સુધીની ચર્ચા છે કે સીએમ બંગલે બેફામ શબ્દોમાં ઉગ્રતા થયેલ.

પ્રથમ વખત ભાજપ હાઈકમાન્ડ અને જેમનો બોલ અકાટ્ય ગણાય છે તેવા નરેન્દ્રભાઈ - અમિતભાઈ સામે નીતિનભાઈએ સીધો જ પડકાર ફેંકી વણજાહેર બળવા જેવી સ્થિતિ સર્જી દીધી છે. ત્યારે કોંગ્રેસે અને હાર્દિક પટેલ બંનેએ નીતિનભાઈને ભાજપ સાથે છેડો ફાડી ૧૦ ધારાસભ્યો સાથે આવે તો સરકાર રચવા બહારથી સમર્થન આપશુ તેમ ઓફર કરી છે.

ત્યારે ભાજપની નેતાગીરી પણ થોડુ નમતુ મૂકી નીતિનભાઈને શહેરી - વિકાસ મંત્રાલય સોંપી મનાવી લેવા પ્રયાસો શરૂ કર્યાનું જાણવા મળે છે.

છેલ્લે કોંગ્રેસના શ્રી વિરજીભાઈ ઠુમ્મરે નીતિનભાઈને પોતાના સમર્થકો સાથે ભાજપ છોડી કોંગ્રેસનું સમર્થન લેવા હાકલ કરી જણાવ્યુ છે ભાજપ હવે કયારેય પાટીદારને મુખ્યમંત્રી નહિ બનાવે.(૩૭.૧૨)

નીતિનભાઈને શું નડી ગયું? નારાજગી દૂર કરાશે કે કેમ? ભારે ચર્ચા

રાજીનામુ આપશે, દસેક ધારાસભ્યો સાથે છે, ચાર્જ હજુ સંભાળ્યો નથી, ઓફીસે આજ સુધી આવ્યા નથી : છેડો ફાડી રહ્યા સહિતની અનેક વાતોની ચર્ચા વચ્ચે નીતિનભાઈના બંગલે સમર્થકોનો જમાવડો થયાના હેવાલો

(3:37 pm IST)