Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

કાલે ૨૦૧૭ના વર્ષને ગુડબાયઃ ર૦૧૮ને વેલકમ

અંગ્રેજી નવા વર્ષને વધાવવા ઠેરઠેર આયોજનો : યુવા વર્ગમાં અનેરો ઉત્સાહ : કાલે રાત્રે ૧૨ ના ટકોરે હેપી ન્યુયરનો શોર ગુંજશે

રાજકોટ તા. ૩૦ : વર્ષ ૨૦૧૭ ને વિદાય આપવા હવે ઘડીઓ ગણાઇ રહી છે. કાલે તા.૩૧ ના રાત્રે ૧૨ ના ટકોરે 'હેપી ન્યુ યર' નો શોર ગુંજી ઉઠશે અને એ સાથે જ વર્ષ ૨૦૧૭ ને વિદાય આપી ૨૦૧૮ ના વધામણા કરાશે.

વિશ્વભરમાં અંગ્રેજી નવા વર્ષની થર્ટી ફર્સ્ટની રાત્રે ઉજવણી કરવામાં આવે છે. ઇશુનુ નવુ ગણાતુ વર્ષ મનાવવા ચોમેર ખાણી પીણી અને મ્યુઝીકલ પાર્ટીના આયોજનો કરવામાં આવે છે. ત્યારે રાજકોટ પણ કેમ બાકાત રહે. શહેરભરમાં આવેલ ચર્ચ તેમજ વિવિધ પાર્ટી પ્લોટ અને હોટલોમાં નવા વર્ષની ઉજવણીરૂપે રંગારંગ કાર્યક્રમોના આયોજનો થયા છે.

ટીવી ચેનલોમાં પણ નવા વર્ષને વધામણા કરાવવા આજે અને કાલે બે દિવસ વિશેષ કાર્યક્રમો પીરસવામાં આવશે. કાલે ૧૨ ના ટકોરે ચાલુ કાર્યક્રમોમાં નવા વર્ષના વધામણા કરાશે.

વહીવટી ચોપડાઓમાં આખુ વર્ષ ૨૦૧૭ લખતા આવ્યા. ત્યાં હવે કાલે મધ્યરાત્રીના વર્ષ બદલાતા ૨૦૧૮ લખવાની શરૂઆત કરાશે. લોકો વિતેલા વર્ષની યાદોને વાગોળી નવા વર્ષ કઇક નવા સ્વપ્નાઓ જોઇને નુતન સંકલ્પો કરે છે.

ખાસ કરીને યુવાધન અંગ્રેજી નવા વર્ષને ઉજવવા અધીરૂ બન્યુ છે. કાલે ઠેરઠેર ડાન્સ, મ્યુઝીકલ પાર્ટી સહીતના આયોજનો થયા છે. ડીજેની ધુમ મચી જશે.

કોઇ ઉત્સાહના ઉન્માદમાં આવીને છાંકટાવેળા ન કરે તે માટે પોલીસ પણ સતર્ક બની આજે અને કાલે બે દિવસ સતત વોચ રાખશે.

રાજકોટ રંગીલુ શહેર હોય ચોમેર નવા વર્ષના વધામણા કરવા રંગારંગ આયોજનો થયા છે.

(11:21 am IST)