Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

કાલ સુધીમાં 'ન્યાય' ન મળે તો નીતિન પટેલ સરકાર સાથે છેડો ફાડવાના મુડમાં

જુના ખાતા (નાણા-શહેરી વિકાસ) યથાવત રાખવાની માંગણીઃ સ્વામાનના ભોગે સત્તા જોઇતી ન હોવાનું સ્પષ્ટ વલણઃ કંઇક ઉકેલની આશા

રાજકોટ તા. ૩૦ :.. નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલ પોતાને ફાળવાયેલ ખાતાઓથી ભારે નારાજ છે. તેમણે હજુ સુધી જાહેરમાં કંઇ કહ્યું નથી પરંતુ અંદરખાને ભારે ઉકળાટ હોવાના નિર્દેષ છે. તેમણે પોતાના જુના ખાતા નાણા, શહેરી વિકાસ, પેટ્રોકેમીકલ્સ વગેરે પરત ન મળે તો સરકારમાં  જ નહિ રહેવાનું મન બનાવ્યનું જાણવા મળે છે. તેમણે  હાઇકમાન્ડને આપેલ મુદત આવતીકાલે સવારે પુરી થાય છે ત્યાં સુધીમાં ન્યાય ન મળે તો નાયબ મુખ્યમંત્રીપદ છોડવા સુધીની તૈયારી હોવાનું  કહેવાય છે. ભાજપના વર્તુળો ઘીના ઠામમાં ઘી પડવા માટે આશાવાદી છે.

શ્રી નીતિન પટેલ મંત્રી મંડળમાં સીનીયર મોસ્ટ હોવા છતાં માર્ગ મકાન, આરોગ્ય, નર્મદા જેવા ખાતા અપાયા તેનાથી તેઓ ખૂબ નારાજ છે. તેમની નારાજગીના સતત અહેવાલો છતાં તેમણે જાહેરમાં હા કે ના કંઇ કહેવાનું ટાળ્યુ તે સુચક છે. તેઓ ઓફીસે પણ જતા નથી.

શ્રી નીતિન પટેલ સ્વામાનના ભોગે સત્તામાં રહેવા ન માંગતા હોવાનો સ્પષ્ટ મેસેજ તેમણે જે તે  જગ્યાએ આપી દીધો છે. જો કે ધારાસભામાં પાતળી બહુમતી અને લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને હાઇકમાન્ડ તેમને સમજાવવાની બાબતને અગ્રતા આપવા માંગે છે. નાયબ મુખ્ય મંત્રીની રણનીતિ એક-બે દિવસમાં સ્પષ્ટ થઇ જશે. (પ-૧૧)

(11:18 am IST)