Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

શિકાગોઃ ચકલાસી ગામના યુવકની લૂંટારૂઓએ કરી હત્યા

લૂંટારૂઓ વિષે માહિતી આપનારને ૧૨૦૦૦ ડોલર ઇનામ આપવાની જાહેરાત ત્યાંની સ્થાનિક પોલીસ અને સમાજના નેતાઓએ કરી

શિકાગો તા. ૩૦ : શિકાગોના ડોલ્ટન વિસ્તારમાં આવેલા એક ગેસ સ્ટેશન પર કામ કરી રહેલા ૧૯ વર્ષીય સ્ટુડન્ટ અરશદ વ્હોરા પર અજાણ્યા લૂંટારુઓએ હુમલો કર્યો અને આ ઘટનામાં તેનું મૃત્યુ થયું છે. આ ઘટના બની ત્યારે અરશદના માતા-પિતા નડિયાદથી ૧૫ કિલોમીટર દૂર આવેલા ચકલાસી ગામમાં હતા. અહીં તેઓ લગ્નપ્રસંગમાં શામેલ થવા આવ્યા હતા.

અરશદના માતા-પિતા ૨૮મી ડિસેમ્બરના રોજ શિકાગો જવા નીકળી ગયા અને તેની અંતિમક્રિયાઓ અમેરિકામાં જ કરવામાં આવશે. લૂંટારુઓ વિષે માહિતી આપનારને ૧૨૦૦૦ ડોલર ઈનામ આપવાની જાહેરાત ત્યાંની સ્થાનિક પોલીસ અને સમાજના નેતાઓએ કરી છે.

કુટુંબના લોકોના જણાવ્યા અનુસાર, અરશદ અને ૫૫ વર્ષી હૈદરાબાદના વતની બકર સૈયદ સ્ટોરમાં હતા ત્યારે બે લોકો ત્યાં પહોંચ્યા અને રકઝક કરવા લાગ્યા. તેમણે થોડીક જ વારમાં ગોળીબાર કર્યો જેમાં અરશદ મૃત્યુ પામ્યો. બકર સૈયદની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યાંના લોકોના જણાવ્યા અનુસાર, પાછલા દોઢ વર્ષમાં આ ૧૫મી એવી ઘટના છે જેમાં ગુજરાત મૂળના કોઈ વ્યકિતની લૂંટારુઓએ હત્યા કરી હોય.

અરશદના નજીકના સગા જાવેદ ચાવડા જણાવે છે કે, અરશદ અને તેનો પરિવાર પાછલા ૯ વર્ષથી અમેરિકામાં રહેતા હતા. અરશદના પિતા ઈશાક પોતે ગેસ સ્ટેશનના માલિક હતા. અરશદ કોલેજમાં અભ્યાસ કરતો હતો.

(10:20 am IST)