Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

રૂપાણી સરકારમાં આરંભે જ ડખા? નીતિન પટેલ નવાજૂની કરવાના મૂડમાં!

પટેલે ધીરજ ગુમાવીઃ તો પોસ્ટ છોડી દેશે નીતિન પટેલઃ નારાજ છે નાયબ મુખ્યમંત્રીઃ નિતીન પટેલને મનાવવાની કોશિષ

નવી દિલ્હી તા. ૩૦ : નવી રચાયેલી વિજય રૂપાણી સરકારમાં અત્યારથી જ ડખા શરૂ થઈ ગયા છે. ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિન પટેલ પાસેથી ફાઈનાન્સ, શહેરી વિકાસ અને પેટ્રોલિયમ એમ ત્રણ મહત્વના ખાતા લઈ લેવાતા નીતિન પટેલની નારાજગી હવે સપાટી પર આવી ગઈ છે. શુક્રવારે ઘણા બધા મંત્રીઓએ જયારે પોતાનો નવો ચાર્જ સંભાળ્યો ત્યારે નીતિન પટેલની ગેરહાજરીએ બધાનું ધ્યાન દોર્યું હતુ.

ગાંધીનગરના વર્તુળોમાં ચર્ચા છે કે ૨૦૧૬માં છેલ્લી ઘડીએ નીતિન પટેલને મુખ્યમંત્રીના બદલે ઉપમુખ્યમંત્રી જાહેર કરાયા બાદ હવે પટેલ વધુ ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકાવા નથી માંગતા. નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ પટેલે ફાયનાન્સ અને શહેરી વિકાસ ખાતાની માંગણી કરી હતી પરંતુ તેમને કદ પ્રમાણે વેતરી નંખાતા નીતિન પટેલ હવે ગિન્નાયા છે.

ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ, 'ઉપમુખ્યમંત્રીએ ટોચના નેતાઓને તેમની પાસેથી મહત્વના પોર્ટફોલિયો ખૂંચવી લેવાયા અંગે ગુરુવારે જ નારાજગી વ્યકત કરી હતી પરંતુ તેમને કહેવામાં આવ્યુ હતુ કે તેમની નારાજગી બે દિવસની અંદર અંદર દૂર કરી દેવામાં આવશે. નીતિન પટેલ હવે મક્કમ છે કે જો તેમના બોસ તેમનું વચન નહિ પાળે તો તે આત્મસન્માન ઘવાવાને કારણે પોસ્ટ છોડી દેશે.'

આ અંગે નીતિન પટેલ સાથે વાતચીત કરવાની કોશિશ કરી હતી પરંતુ તેમનો સંપર્ક થઈ શકયો નહતો. સૂત્રોના જણાવ્યા મુજબ ઉપમુખ્યમંત્રી અનેક કારણોસર નારાજ છે. તેમને સૌથી વધારે નારાજગી તેમની પાસેથી ફાયનાન્સનો પોર્ટફોલિયો છીનવાયાની છે. સામાન્ય રીતે કેબિનેટમાં નંબર ૨ પોઝિશનની વ્યકિત આ ખાતુ સંભાળતી હોય છે. તેમના જુનિયર સૌરભ પટેલને તેમના સ્થાને આ પોર્ટફોલિયો આપી દેવાયો છે.

ફાયનાન્સ ખાતાની ફાળવણી અંગે નારાજગીની વાત સપાટી પર ત્યારે આવી હતી જયારે રૂપાણીએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, 'એ વાત સાચી નથી કે ફાયનાન્સનું ખાતુ સંભાળનાર વ્યકિત કેબિનેટમાં નંબર ૨ પોઝિશન પર હોય. નીતિન પટેલ અમારા અગ્રણી નેતા છે અને તે કેબિનેટમાં નંબર ૨ પોઝિશન પર જ રહેશે.'

આ ઉપરાંત નીતિન પટેલ શહેરી વિકાસ અને પેટ્રોલિયમ એમ બીજા બે અગત્યના ખાતા પણ સંભાળતા હતા. આ બંને ખાતા રૂપાણીએ પોતાની પાસે રાખ્યા છે. નીતિન પટેલને ઈન્ડસ્ટ્રી કે રેવન્યુ જેવી એક પણ અગત્યની મિનિસ્ટ્રી ન સોંપાતા અને આરોગ્યનું ખાતુ ફળવાતા પટેલની નારાજગી વધી ગઈ હતી.

સૂત્રોએ જણાવ્યું કે નીતિન પટેલ જયારે મુખ્યમંત્રી રૂપાણી અને ભાજપના રાજયકક્ષાના મંત્રી જીતુ વાઘાણી સાથે હાઈકમાન્ડની વાતચીત પછી કેબિનેટ મીટીંગમાં આવ્યા ત્યારે તેમના ચહેરા પર નારાજગી સ્પષ્ટ દેખાઈ આવતી હતી.

શુક્રવારે ભાજપના ટોચના નેતાઓએ નીતિન પટેલને મનાવવાની કોશિશ કરી હતી. ટોચના સૂત્રો જણાવે છે, 'નીતિન પટેલ નારાજ છે અને ટોચના નેતાઓ તેમને પાર્ટી પર અસર થાય તેવી કોઈ નવાજૂની ન કરવા સમજાવી રહ્યા છે.'

સત્ત્।ાવાર રીતે કોઈ પણ નિવેદન કરવા તૈયાર નથી. વાઘાણીએ જણાવ્યું, 'મને જાણ છે ત્યાં સુધી કોઈ નેતાઓ વચ્ચે મતભેદ નથી. જો કોઈ સમસ્યા હશે તો અમે તેનો નિવેડો લાવીશું. સરકાર મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલની ટીમ હેઠળ જ કાર્યરત રહેશે. પાર્લામેન્ટ સેશનને કારણે જ ગુરૂવારે કેબિનેટ મીટીંગ શરૂ કરવામાં મોડુ થઈ ગયુ હતુ.'

(9:25 am IST)