Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

નવા વર્ષમાં મોદી સરકાર દેશવાસીઓને આપશે ખાસ ભેટ

નવા વર્ષથી સરકાર લોકોની જિંદગીને પહેલા કરતા વધુ સરળ બનાવા જઇ રહી છે

નવી દિલ્હી તા. ૩૦ : ૨૦૧૭નું વર્ષ પૂરું થવા જઇ રહ્યું છે ત્યારે લોકો નવા વર્ષના સ્વાગતની તૈયારીમાં લાગી ગયા છે, ત્યારે કેન્દ્ર સરકાર પણ દેશવાસીઓને ૨૦૧૮ના વર્ષમાં ભેટ આપવાની યોજના બનાવી રહી છે. કેન્દ્રની મોદી સરકારે ૧ જાન્યુઆરી, ૨૦૧૮થી થોડા નવા નિયમ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે દેશવાસીઓને ફાયદો થશે. નવા વર્ષથી સરકાર લોકોની જિંદગીને પહેલા કરતા વધુ સરળ બનાવા જઇ રહી છે.

કેન્દ્ર સરકાર છેલ્લા કેટલાક સમયથી ડિજીટલ ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહિત કરી રહી છે. લોકોને વધુ આકર્ષવા સરકાર તેમાં પણ ઘણા ફેરફાર કરવા જઇ રહી છે. હવે ૧ જાન્યુઆરી, ૨૦૧૮થી ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવાનું ઘણુ સસ્તુ થઇ જશે. જો તમે નવા વર્ષથી ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરશો તો આરબીઆઇ તરફથી નવા એમડીઆર ચાર્જ લાગુ થશે. ઉલ્લેખનીય છે કે આરબીઆઇએ થોડા દિવસ પહેલા જ મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર)માં ઘટાડો કર્યો છે. ડેબિટ કાર્ડ દ્વારા ચુકવણી કરતાં દુકાનદારને જે ચાર્જ લાગે તેને એમડીઆર કહેવામાં આવે છે. જો કે આ ચાર્જ ગ્રાહકોએ ચૂકવવો પડતો નથી પરંતુ થોડા દુકાનદારો ગ્રાહકો પાસેથી ૨ ટકા જેટલો એમડીઆર ચાર્જ વસૂલે છે.

૧ જાન્યુઆરી, ૨૦૧૮થી સરકાર ઘરે બેઠા તમને મોબાઇલ સિમ કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરવાની સુવિધા આપશે. ૧ ડિસેમ્બર ૨૦૧૭થી શરૂ થવાની હતી પરંતુ ટેલિકોમ કંપનીઓની અધૂરી વિગતોને કારણ શરૂ કરવામાં આવી નહોતી અને તેને ૨૦૧૮ સુધી મુલતવી રાખવામાં આવી હતી. હવે નવા નિયમ મુજબ ૩૧ માર્ચ ૨૦૧૮ સુધીમાં તમે સિમને આધાર સાથે લિન્ક કરાવી શકો છો.

સરકાર ૧ જાન્યુઆરી ૨૦૧૮થી ૧૪ કેરેટ, ૧૮ કેરેટ અને ૨૨ કેરેટ જવેલરીનું હોલમાર્કિંગ ફરજિયાત કરી શકે છે. જો આમ થશે તો ગ્રાહકોને ગોલ્ડ જવેલરીની શુધ્ધતાને લઇને ચિંતા રહેશે નહીં. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (ડબ્લ્યુજીસી) ઘણા સમયથી હોલમાર્કિંગ સમયથી હોલમાર્કિંગને ફરજિયાત કરવા ઇચ્છી રહ્યું હતું, જેને લઇને બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટેડડર્સ (બીઆઇએસ)ને ભલામણ મોકલી હતી. પ્રથમ ચરણમાં ૨૨ શહેરમાં હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવશે. બીજા ચરણમાં ૭૦૦ શહર તેમજ અંતિમ ચરણમાં દેશના બાકી શહેરમાં તેને લાગૂ કરી દેવામાં આવશે.(૨૧.૬)

(9:24 am IST)