Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

ભાજપની ‘આબાદ' રણનીતિ : ચૂંટણી પહેલા બોર્ડ - નિગમોમાં નિમણુકો

કાર્યકરો - નેતાઓને રાજી કરવા અને ટિકિટ વ્‍હેંચણીનો સંભવિત અસંતોષ દુર કરવા નિમણુકોની લ્‍હાણી કરાશે

નવી દિલ્‍હી તા. ૩૦ : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષો ચૂંટણી મોડમાં આવી ગયા છે. જોકે સત્તાપક્ષ ભાજપ ચૂંટણીને લઈ તમામ પાસાઓને ધ્‍યાને રાખી રણનીતિ સાથે આગળ વધી રહ્યું છે. ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી કરતા પડકારો અને સમીકરણો ગુજરાતના રાજકારણ માટે અલગ સાબીત થઈ રહ્યા છે. ત્‍યારે લાંબા સમયથી ખાલી રહેલા બોર્ડ નિગમોમાં નિમણુંક માટે તખ્‍તો તૈયાર થઈ ચૂક્‍યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઈતિહાસમા પ્રથમવાર ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. સત્તાપક્ષ ભાજપ પાટીદાર આંદોલનને ખાળ્‍યા બાદ પણ મજબૂત સ્‍થિતિમાં નથી જોવા મળી રહી. વર્ષોથી ભાજપ સામે લડત આપતી કોંગ્રેસ નામશેષ થવા તરફ આગળ વધી રહી છે. ત્‍યારે આમ આદમી પાર્ટી ભાજપને હંફાવી રહી છે. ચૂંટણીની આ સ્‍થિતિની વચ્‍ચે ભાજપ ટીકીટ વહેંચણીમાં અસંતોષ ઉભા ન થાય એ માટે પહેલાથી જ તમામ તૈયારીઓ કરી લેવા માંગે છે.

ભાજપ લાંબા સમયથી ખાલી રહેલા બોર્ડ નિગમોમાં નિમણુંકોનો દોર શરૂ કરવા જઈ રહી છે. મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલ તથા ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ સી આર પાટીલ નિમણુંકોને લઈ યાદી તૈયાર કરી રહ્યા છે. બોર્ડ નિગમોમાં નિમણુંક માટે તૈયાર થઈ રહેલી યાદીને આખરી ઓપ આપવામા આવી રહ્યો છે. ગુજરાત સરકાર અને સંગઠનમાં ચાલી રહેલી ખેંચતાણને જોતા બોર્ડ નિગમમાં નિમણુંક પર સીધી નજર દિલ્લીથી પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી અને અમિત શાહની રહેશે.

સૂત્રોનું માનીએ તો બોર્ડ નિગમની નિમણુંકોમાં પ્રભારી ભુપેન્‍દ્ર યાદવની સાથે રાષ્ટ્રિય મહામંત્રી  બી એલ સંતોષ પણ સક્રિય ભૂમિકા ભજવશે. કેન્‍દ્રીય નેતૃત્‍વએ ગુજરાતના રાજકારણ માટે જેને મહત્‍વની જવાબદારી સોંપી છે તેવા બી એલ સંતોષ નિમણુંકો પર સીધી નજર રાખશે.

વિગતો મુજબ હાલ રાજયમાં અંદાજે ૫૬  જેટલા બોર્ડ નિગમ છે જેમાં નિમણુંકો બાકી છે. જેમાં જીએમડીસી, ટૂરીઝમ, પવિત્ર યાત્રાધામ, ગૌણ સેવા પસંદગી બોર્ડ જેવા બોર્ડ નિગમોમાં જગ્‍યા ખાલી છે. વળી ગત સરકારમાં શહેરી વિકાસ સત્તા મંડળોમાં રાજકીય નિમણુંકો બંધ કરવામાં આવી જેમાં ફરી રાજકીય નિમણુંકો આપવા પક્ષમાં રજૂઆત થઈ છે ત્‍યારે નિમણુંકોમાં કેન્‍દ્રીય નેતૃત્‍વનો શું પ્રતિભાવ આવે છે તે જોવું રહ્યું.

(10:18 am IST)