Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

૫જીની હરાજીમાં કેન્દ્ર સરકારને ૪.૩ લાખ કરોડની આશા સામે ૧.૪૯ લાખ કરોડ મળ્યા

સરકારે સ્પેક્ટ્રમ માટે વિવિધ ફ્રિકવન્સીમાં ૭૨ ગીગાહર્ટ સ્પેક્ટ્રમ વેચવા કાઢી : મોટા ભાગની કંપનીઓ પાસે અત્યારે હાથ ઉપર સ્પેક્ટ્રમ ઉપલબ્ધ છે અને વર્તમાન ૪જી સેવામાં તેનો પૂરો ઉપયોગ થઇ રહ્યો નથી

નવી દિલ્હી, તા.૩૦ : ભારત સરકારે ટેલીકોમ ક્ષેત્રે સૌથી મોટા ક્રાંતિકારી પગલાં એવા ૫જી સ્પેક્ટ્રમ માટે વિવિધ ફ્રિકવન્સીમાં કુલ ૭૨ ગીગાહર્ટ સ્પેક્ટ્રમ વેચવા કાઢી છે. આ સ્પેક્ટ્રમથકી સરકારને કુલ રૃ.૪.૩૦ લાખ કરોડની આવક થશે એવો અંદાજ હતો પણ તા.૨૬ જુલાઈથી શરૃ થયેલા અને ચાર દિવસ, ૨૩ રાઉન્ડ પછી કંપનીઓએ જે બોલી લગાવી છે એ જોતા અપેક્ષા કરતા ઘણી ઓછી રકમ સરકારના હાથમાં આવશે એવી શક્યતા છે.

૫જી સ્પેક્ટ્રમ માટે આટલી ઓછુ બિડિંગ થવાના બે કારણો છે. એક, આ ટેકનોલોજી માત્ર સ્પેક્ટ્રમ ખરીદી લેવાથી પૂર્ણ થતી નથી. ગ્રાહકને ઘરે-ઘરે, શેરી-ગલીમાં સેવા આપવા માટે નેટવર્કમાં જંગી રોકાણ કરવું પડે એવી શક્યતા છે. બીજું, મોટા ભાગની કંપનીઓ પાસે અત્યારે હાથ ઉપર સ્પેક્ટ્રમ ઉપલબ્ધ છે અને વર્તમાન ૪જી સેવામાં તેનો પૂરો ઉપયોગ થઇ રહ્યો નથી. ત્રીજું, એરટેલ અને વોડાફોન આઈડિયા ઉપર જંગી દેવું છે. વોડાફોન આઈડિયા તો છેલ્લા ત્રણ વર્ષથી ભારતના કોર્પોરેટ ઈતિહાસમાં સૌથી મોટી ખોટ કરતી કંપની છે ત્યારે આટલી આક્રમકતાથી સ્પેક્ટ્રમ ખરીદે એવી શક્યતા નહિવત જોવા મળી રહી છે.

ચાર દિવસના અંતે કેન્દ્ર સરકારને જે કુલ રકમ મળે એવી શક્યતા છે તેની રકમ રૃ.૧,૪૯,૮૨૩ કરોડ જ છે. કેન્દ્ર સરકારે સ્પેક્ટ્રમની ખરીદી ક્યાં સર્કલમાં કોણે કરી, કોની બોલી વિજેતા થઇ તેની જાહેરાત નિલામી પૂર્ણ થયા પછી જ જાહેર કરવાની હોવાથી કંપની આધારિત માહિતી ઉપલબ્ધ હવે પછી જ બનશે.

સ્પેક્ટ્રમની નિલામીના ચાર દિવસ અને ૨૩ રાઉન્ડની બોલી લાગ્યા પછી એટલું સ્પષ્ટ છે કે કંપનીઓ માત્ર જેટલી જરૃરીયાત છે એના માટે જ બિડિંગ કરી રહી છે. ૫જીની નિલામીમાં અત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જિયો માટે, ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને ગૌતમ અદાણીની અદાણી ડેટા સર્વિસ લીમીટેડ એમ ચાર જ કંપની બિડિંગ કરી રહી છે. વળી, અદાણીએ ગ્રાહકો માટે નહિ પણ માત્ર પોતાના જૂથ માટે, પોતાના વ્યવહાર માટે અને તેના ટેકનોલોજી સાહસની જરૃરીયાત માટે જ લાયસન્સ ખરીદ્યું છે. આ ઉપરાંત, અદાણીએ માત્ર ગુજરાત સર્કલનું જ લાયસન્સ ખરીદ્યું હોવાથી અન્ય રાજ્યોમાં તે બિડિંગ કરી શકે નહી તે પણ જાણવું જરૃરી છે.  ૫જી સેવાઓ માટે ગીગાહર્ટઝ જેમ ઓછા તેમ નાના સેલ સાઈટ કે નાના ટાવરથી આંતરિક વિસ્તારમાં સેવાઓ આપવી શક્ય બને છે. દૂરના વિસ્તારો માટે સૌથી ઉંચી ફ્રિકવન્સીનું સ્પેક્ટ્રમ જોઈએ છે. અત્યારે ચાલી રહેલી બિડિંગમાં સૌથી ઓછી અને સૌથી વધુ ફ્રિકવન્સીના બિડિંગમાં જ સ્પર્ધા જોવા મળી રહી છે.

જેમકે ૨૬ હર્ટઝની ફ્રિકવન્સી માટે દરેક રાજ્યમાં દરેક સર્કલમાં ભારે બોલી જોવા મળી રહી છે. એવી જ રીતે ૩૩૦૦ હર્ટઝની ફ્રિકવન્સી માટે પણ દરેક સર્કલમાં બોલી લાગી છે. નીચી ફ્રિકવન્સી માટે ૬૦૦ હર્ટઝમાં કોઈ બીડ નથી, ૭૦૦ હર્ટઝમાં એક કે બે બીડ જોવા મળી રહી છે. તો ઉપરની ફ્રિકવન્સીમાં ૨૬૦૦ અને ૨૧૦૦માં કોઈ ખરીદવાવાળું નથી. સામે ૧૭૦૦ અને ૧૮૦૦ હર્ટઝમાં જરૃર અનુસાર એટલે કે જ્યાં કંપનીઓને જરૃર છે એટલા સર્કલમાં જ માંગ જોવા મળી રહી છે.

(8:01 pm IST)