Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

કેરી બેગનો ચાર્જ કરનારા શો રૂમને ૧૩૦૦૦નું વળતર ચુકવવા આદેશ

શોરૂમને ગ્રાહક પાસે કેરી બેગના પૈસા વસૂલવા મોંઘા પડ્યાઃવળતર ચૂકવવાની સાથે શોરુમને ૨૫ હજાર રૂપિયા કન્ઝુમર વેલ્ફેર ફંડમાં જમા કરાવવા પણ આદેશ આપ્યો

 મુંબઈ, તા.૩૦ : કેરી બેગ માટે ૨૦ રુપિયા અલગથી ચાર્જ કરનારા એક શોરુમને ગ્રાહક સુરક્ષા અદાલતે ૧૩,૦૦૦ રુપિયાનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. આ ઉપરાંત શોરુમના સંચાલકે કેરી બેગના ૨૦ રુપિયા પણ પરત કરવાના રહેશે. મુંબઈની આ ઘટનામાં વડાલામાં રહેતા રીમા ચાવલા નામના મહિલાએ શોરુમ વિરુદ્ધ કેસ કર્યો હતો. જેમાં કોર્ટે ફરિયાદીની તરફેણમાં ચુકાદો આપતા તેમને વળતર ચૂકવવાની સાથે શોરુમને ૨૫ હજાર રુપિયા કન્ઝુમર વેલ્ફેર ફંડમાં જમા કરાવવા પણ આદેશ આપ્યો હતો.

આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, મુંબઈના કુર્લા વેસ્ટમાં આવેલા ફિનિક્સ મોલમાં બેગનું વેચાણ કરતી એસબેડા બ્રાન્ડનો એક શોરુમ આવેલો છે. જ્યાંથી રીમા ચાવલા નામના મહિલાએ ૪ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ ખરીદી કરી હતી. જોકે, તે વખતે તેમની પાસેથી કેરી બેગના અલગથી ૨૦ રુપિયા લેવાતા તેમણે ગ્રાહક સુરક્ષા અદાલતમાં ૨૪ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે શોરુમ અલગથી કેરી બેગનો ચાર્જ ના લઈ શકે, તેમજ આવી વસ્તુ ગ્રાહકને આપવી તેની ફરજ છે. શોરુમના સંચાલકોના આ વર્તનને ફરિયાદીએ ખૂબ જ અનપ્રોફેશનલ ગણાવ્યું હતું, અને એવો પણ આક્ષેપ કર્યો હતો કે કંપની પોતાના બ્રાન્ડિંગનો ચાર્જ આડકતરી રીતે કસ્ટમર પાસેથી વસૂલે છે.

ગ્રાહક સુરક્ષા અદાલતમાં કેસ દાખલ થયા બાદ કંપની તરફથી આ આક્ષેપોનો કોઈ જવાબ આપવામાં નહોતો આવ્યો, જેથી કોર્ટે ફરિયાદીએ કરેલા આક્ષેપોમાં તથ્ય જણાતા તેની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે એમ પણ નોંધ્યું હતું કે કંપની માત્ર પોતાની પબ્લિસિટીના હેતુથી પોતાના બ્રાન્ડિંગવાળી બેગ ગ્રાહકોને આપે છે, અને તેનો ચાર્જ પણ તે તેમની પાસેથી જ વસૂલે છે. કોર્ટે એમ પણ નોંધ્યું હતું કે આ કેસમાં ગ્રાહકનું શોષણ કરવામાં આવ્યું છે, જ્યારે ગ્રાહક શોરુમમાં કોઈ વસ્તુ ખરીદવા માટે આવે ત્યારે તેને કેરી બેગ વિનામૂલ્યે આપવી જોઈએ. તેના માટે અલગથી ચાર્જ લેવો યોગ્ય નથી. આમ જણાવતા કોર્ટે ગ્રાહકને થયેલી માનસિક પરેશાની પેટે ૧૩ હજાર રુપિયા ચૂકવવા માટે હુકમ કર્યો હતો, સાથે એમ પણ કહ્યું હતું કે ગ્રાહક પાસેથી કેરી બેગ માટે લેવાયેલા ૨૦ રુપિયા પણ પાછા આપવાના રહેશે.

(8:30 pm IST)