Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

મહારાષ્ટ્રના પૂર્વગૃહપ્રધાન અનિલ દેશમુખને કોઈ રાહત નહીં : વિશેષ PMLA કોર્ટે 13 મે સુધી ન્યાયિક કસ્ટડી લંબાવી દીધી

હવે અનિલ દેશમુખને આગામી 14 દિવસ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેવું પડશે

મુંબઈ : મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને રાહત મળી નથી. વિશેષ પીએમએલએ કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડી 13 મે સુધી લંબાવી છે. એટલે કે તેમને હવે આગામી 14 દિવસ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેવું પડશે. અનિલ દેશમુખ ઉપરાંત બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાજે, અનિલ દેશમુખના અંગત સચિવ સંજીવ પલાંડે અને તેમના અંગત સહાયક કુંદન શિંદેની ન્યાયિક કસ્ટડી પણ લંબાવવામાં આવી છે. 100 કરોડના રિકવરી કેસ અને અન્ય મની લોન્ડરિંગ કેસમાં CBI અને ED દ્વારા તપાસના સંદર્ભમાં ED દ્વારા દેશમુખની ધરપકડ કરવામાં આવી હતી. અનિલ દેશમુખને સીબીઆઈ દ્વારા મુંબઈની આર્થર રોડ જેલમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. CBI કસ્ટડીમાં તેની પૂછપરછ પૂર્ણ થયા બાદ હવે તેમને ફરી એકવાર ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

આજે (29 એપ્રિલ, શુક્રવાર) અનિલ દેશમુખને કસ્ટડીની મુદત પૂરી થતાં સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેની જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ માટે વધારી દીધી છે. દેશમુખ ઉપરાંત સચિન વાજે, સંજીવ પલાંડે અને કુંદન શિંદેને પણ 13 મે સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેવું પડશે.

અનિલ દેશમુખ પર આરોપ છે કે ગૃહમંત્રીના પદ પર રહીને તેમણે મુંબઈના પોલીસ અધિકારીઓને રેસ્ટોરન્ટ અને બારમાંથી 100 કરોડની વસૂલાત કરવા માટે રોક્યા હતા. આ આરોપ મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને લગાવ્યો છે. આ આરોપ બાદ અનિલ દેશમુખે ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

આ પછી હાઈકોર્ટે સીબીઆઈને આ મામલાની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ તપાસ દરમિયાન મની લોન્ડરિંગના અન્ય કેસ પણ ખુલતા ગયા. મની લોન્ડરિંગ કેસની તપાસ માટે EDની એન્ટ્રી થઈ હતી. આ પછી અનિલ દેશમુખના ઘણા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.

આ દરમિયાન, રાજ્ય સરકારે આ મામલાની તપાસ માટે નિવૃત્ત ન્યાયાધીશ ઉત્તમચંદ ચાંદીવાલની અધ્યક્ષતામાં ચાંદીવાલ કમિશનની રચના પણ કરી હતી. મંગળવારે ચાંદીવાલ કમિશને પોતાનો રિપોર્ટ મુખ્યમંત્રીને સોંપ્યો હતો. ચાંદીવાલ પંચે પોતાના રિપોર્ટમાં અનિલ દેશમુખને ક્લીનચીટ આપી છે.

   
(9:56 pm IST)