Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

બંધક બનાવવામાં આવેલ ઇરાની જહાજ અને ૨૩ પાકિસ્‍તાનીઓને સુરક્ષિત છોડાવ્‍યા

ભારતીય નૌકાદળે પોતાની તાકાત બતાડી : દરિયાયી લુંટારા ઉપર ‘આફત' બનીને તુટી પડી નૌસેના : ૧૨ કલાક ચાલ્‍યું ઓપરેશન : હિન્‍દુ મહાસાગરમાં સોમાલિયના ચાંચિયાઓએ જહાજનું અપહરણ કર્યુ હતું : પાકિસ્‍તાની નાગરિકો માંગી રહ્યા હતા મદદ

નવી દિલ્‍હી, તા.૩૦: ભારતીય નૌકાદળે ચાંચિયાઓ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે. ભારતીય નૌકાદળે શુક્રવારે અરબી સમુદ્રમાં હાઈજેક કરાયેલા ઈરાની જહાજ અલ-કંબર ૭૮૬ને બચાવી લીધું હતું. આ જહાજમાં ૨૩ પાકિસ્‍તાની ક્રૂ મેમ્‍બર હતા અને તેમને પણ સુરક્ષિત બચાવી લેવામાં આવ્‍યા છે. જે ઈરાની જહાજને હાઈજેક કરવામાં આવ્‍યું હતું તે માછીમારીનું જહાજ હતું અને ૧૨ કલાકથી વધુ ચાલેલા લાંબા ઓપરેશન બાદ જહાજને ચાંચિયાઓથી બચાવી લેવામાં આવ્‍યું છે.નેવીએ તેના નિવેદનમાં કહ્યું કે, અમારી નિષ્‍ણાત ટીમ આ વિસ્‍તારની તપાસ કરશે, જેથી આ વિસ્‍તાર માછીમારી અને અન્‍ય સામાન્‍ય પ્રવળત્તિઓ માટે ફરીથી સુરક્ષિત બને. ગુરુવારે જ આ જહાજને ચાંચિયાઓએ કબજે કરી લીધું હતું. ત્‍યારબાદ નેવીએ તેમને બચાવવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું અને દરિયાયી લુંટારાઓને આત્‍મ સમર્પણ માટે મજબુર થવુ પડયુ હતું.

ભારતીય નૌકાદળના સફળ ઓપરેશન બાદ તેણે એક નિવેદન પણ બહાર પાડ્‍યું છે. નૌકાદળના નિવેદન અનુસાર, એક નિષ્‍ણાત ટીમ માછીમારીના જહાજની તપાસ કરી રહી છે જેથી કરીને આ કામ ફરી શરૂ કરી શકાય. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં જ આ જહાજને સુરક્ષિત વિસ્‍તારમાં લઈ જવામાં આવશે.

ગુરુવારે ચાંચિયાઓએ ઈરાની જહાજને અટકાવ્‍યું હતું. આ પછી, નેવીને માહિતી મળતા જ, INS સુમેધાએ શુક્રવારે સવારે તરત જ FB અલ કંબર જહાજને રોકયું અને આ પછી INS ત્રિશુલ પણ ઓપરેશનમાં જોડાયું. ભારતીય નૌકાદળના જણાવ્‍યા અનુસાર, તે ચાંચિયાઓ વિરુદ્ધ ૧૦૦ દિવસનું અભિયાન ચલાવી રહી છે. ભારતીય નૌકાદળનો હેતુ હિંદ મહાસાગરને વધુ સુરક્ષિત વિસ્‍તાર બનાવવાનો છે.

નૌકાદળે એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે, ઘટના સમયે, જહાજ સોકોત્રાથી લગભગ ૯૦ એનએમ દક્ષિણ-પશ્‍ચિમમાં હતું અને તેમાં નવ સશષા ચાંચિયાઓ હોવાનું જાણવા મળ્‍યું હતું. હાઇજેક કરાયેલ જ્‍સ્‍ ૨૯ માર્ચે અટકાવવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે સોકોત્રા દ્વીપસમૂહ ઉત્તર પશ્‍ચિમ હિંદ મહાસાગરમાં એડનની ખાડી પાસે છે. તાજેતરના મહિનાઓમાં એડનની ખાડી નજીક વેપારી જહાજો પર વધતા હુમલાઓને કારણે ભારતીય નૌકાદળે તેની તકેદારી વધારી છે.

૫ જાન્‍યુઆરીના રોજ, ભારતીય નૌકાદળે લાઇબેરિયન-ધ્‍વજવાળા જહાજ એમવી લીલા નોરફોકને સોમાલિયાના દરિયાકાંઠે ચાંચિયાઓએ હાઇજેક કર્યા પછી બચાવ્‍યું હતું. ૨૩ માર્ચે નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમારે જણાવ્‍યું હતું કે નૌકાદળ હિંદ મહાસાગર ક્ષેત્રને વધુ સુરક્ષિત કરવા માટે જરૂરી કાર્યવાહી કરશે.

લગભગ ૭ દિવસ પહેલા ભારતીય નૌસેનાએ સોમાલિયાના દરિયાકાંઠે એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન હેઠળ ભારતીય નૌકાદળ દ્વારા ૩૫ ચાંચિયાઓને પકડવામાં આવ્‍યા હતા અને તેમને INS કોલકાતા દ્વારા મુંબઈ લઈ જવામાં આવ્‍યા હતા. આ પછી, ચાંચિયાઓને મુંબઈ પોલીસને સોંપવામાં આવ્‍યા હતા.ભારતીય નેવીએ લગભગ ૪૦ કલાક સુધી દરિયામાં ઓપરેશન ચલાવ્‍યું અને INS કોલકાતાથી ૩૫ ચાંચિયાઓ સાથે ૨૩ માર્ચે મુંબઈ પહોંચ્‍યા.

તમને જણાવી દઈએ કે આ કાર્યવાહીને ‘ઓપરેશન સંકલ્‍પ' નામ આપવામાં આવ્‍યું હતું. આ અંતર્ગત ભારતીય નૌકાદળના જહાજોને અરબી સમુદ્ર અને એડનની ખાડીમાં તૈનાત કરવામાં આવ્‍યા છે. અહીંથી પસાર થતા ખલાસીઓ અને માલવાહક જહાજોની સુરક્ષા માટે આવું કરવામાં આવ્‍યું છે.

(11:03 am IST)