Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

હિંસા પ્રિય સમાજના હવે અંતિમ દિવસો ગણાય છે

એક કાર્યક્રમમાં આરએસએસના પ્રમુખના પ્રહાર : ભાગવતે તમામ સમુદાયોને એકસાથે લાવવા અને માનવતાની રક્ષા કરવાની આવશ્યકતા પર ભાર મુક્યો

અમરાવતી, તા.૨૯ ઃ મહારાષ્ટ્રના અમરાવતીમાં કંવરરામ ધામ ખાતે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (આરએસએસ) પ્રમુખ મોહન ભાગવતે હિંસા મુદ્દે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, હિંસાથી કોઈને લાભ નથી થતો અને તેમણે તમામ સમુદાયોને એકસાથે લાવવા અને માનવતાની રક્ષા કરવાની આવશ્યકતા પર ભાર મુક્યો હતો.

તાજેતરમાં દેશના અનેક ક્ષેત્રોમાં વિભિન્ન સમૂહો વચ્ચે જે અથડામણો થઈ તેના અનુસંધાને ભાગવતનું આ નિવેદન સામે આવ્યું છે. આ ઉપરાંત ભાગવતે સિંધી ભાષા અને સંસ્કૃતિના અસ્તિત્વને સુનિશ્ચિત કરવા માટે દેશમાં એક સિંધી વિશ્વવિદ્યાલય સ્થાપિત કરવાની આવશ્યકતા પણ જણાવી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત એક બહુભાષી દેશ છે અને પ્રત્યેક ભાષાનું પોતાનું મહત્વ છે.

ભાગવતે ભાર આપીને કહ્યું હતું કે, હિંસાથી કોઈને ફાયદો નથી થતો અને તેમણે તમામ સમુદાયોને એકસાથે લાવવા અને માનવતાનું સંરક્ષણ કરવા આહ્વાન કર્યું હતું.

ભાગવતે કહ્યું હતું કે, 'હિંસાથી કોઈનું ભલું નથી થતું. જે સમાજને હિંસા પ્રિય છે તેઓ હવે પોતાના અંતિમ દિવસો ગણી રહ્યા છે. આપણે હંમેશા અહિંસક અને શાંતિપ્રિય રહેવું જોઈએ. આ માટે તમામ સમુદાયોને એકસાથે લાવવામાં આવે અને માનવતાની રક્ષા કરવામાં આવે તે આવશ્યક છે. આપણે સૌએ આ કામ પ્રાથમિકતાના આધાર પર કરવાની જરૃર છે.'

 

(8:28 pm IST)