Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

મધ્યપ્રદેશમાં કેબની જેમ એમ્બ્યુલન્સ બુક કરી શકાશે

મધ્યપ્રદેશ સરકારની લોકોને વધુ એક ભેટ : રાજ્યમાં મુખ્યમંત્રી સંજીવની ક્લિનિક ખોલવામાં આવશે

ભોપાલ, તા.૨૯ ઃ મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે આજે રાજ્યની જનતાને મોટી ભેટ આપી છે.

આ દરમિયાન તેમણે  ૨ હજારથી વધુ એડવાન્સ લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ, બેઝિક સપોર્ટ એમ્બ્યુલન્સ, જનની એક્સપ્રેસની શરુઆત કરી હતી. આ તમામ એમ્બ્યુલન્સને આજે લોન્ચ કરવામાં આવેલી સંજીવની એપ સાથે કનેક્ટ કરવામાં આવશે.

આ કાર્યક્રમ દરમિયાન સીએમ શિવરાજે જાહેરાત કરી હતી કે, રાજ્યમાં પ્રત્યેક ૨૫ હજારની વસ્તી માટે મુખ્યમંત્રી સંજીવની ક્લિનિક ખોલવામાં આવશે. આ માત્ર એમ્બ્યુલન્સ શરૃ કરવાનો કાર્યક્રમ નથી. બીમાર પડેલા ભાઈ-બહેનોના જીવ બચાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. જો રોગની સમયસર સારવાર કરવામાં આવે તો જીવન બચાવી શકાય છે. અત્યાધુનિક તબીબી સુવિધાઓથી સજ્જ, આ સંજીવની ૧૦૮ ખરેખર સંજીવની જડીબુટ્ટી તરીકે કામ કરે છે. સંજીવની એપ દ્વારા ૨ કરોડ ૮૨ લાખ આયુષ્માન કાર્ડ ધારક પરિવારો આ યોજનાનો લાભ લઈ શકશે.

સરકારી હોસ્પિટલો ઉપરાંત ખાનગી હોસ્પિટલોના દર્દીઓ પણ એમ્બ્યુલન્સ બુક કરાવી શકશે. હવે સંજીવની એપ દ્વારા એમ્બ્યુલન્સને કેબની જેમ બુક કરાવી શકાશે. આટલુ જ નહી, સંજીવની એપ દ્વારા દર્દીઓ હોસ્પિટલની પસંદગી કરીને એમ્બ્યુલન્સ બુક કરાવી શકશે અને તેમને રીયલ ટાઈમ લોકેશન મળતું રહેશે.

આ એમ્બ્યુલન્સની ખાસ વાત એ છે કે, દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ એમ્બ્યુલન્સ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. આજે, ભોપાલના લાલ પરેડ ગ્રાઉન્ડથી, સીએમ શિવરાજે ૨ હજારથી વધુ એમ્બ્યુલન્સને લીલી ઝંડી બતાવી અને રાજ્યના વિવિધ સ્થળોએ રવાના કરી હતી.

 

(8:24 pm IST)