Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

સર્વાઇકલ કેન્સરની રસી શોધવા પર ભાર અપાશે

બિલ ગેટ્સ સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યું : નવી સરકાર બન્યા બાદ સર્વાઇકલ કેન્સર પર સંશોધન માટે દેશના વૈજ્ઞાનિકોને ફંડ ફાળવવામાં આવશે

નવી દિલ્હી, તા.૨૯ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના બાદ ફરી એકવાર મોટી બિમારીની રસીને લઈને વાત કરી છે. તે બીમારી બીજી કોઈ નહીં પણ સર્વાઇકલ કેન્સરને લઈને છે. માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે સરકાર ઈચ્છે છે કે તમામ છોકરીઓ સર્વાઈકલ કેન્સરની રસી લે. નવી સરકાર બન્યા બાદ સર્વાઇકલ કેન્સર પર સંશોધન માટે દેશના વૈજ્ઞાનિકોને ફંડ ફાળવવામાં આવશે. પીએમ મોદીના નિવેદનથી સ્પષ્ટ છે કે સરકાર દેશમાં જ આ કેન્સર અને તેની રસી પર સંશોધન કરવાની યોજના બનાવી રહી છે. ગયા મહિનાની શરૃઆતમાં, વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે પણ જાહેરાત કરી હતી કે સરકાર ૯ થી ૧૪ વર્ષની વયની તમામ છોકરીઓને સર્વાઇકલ કેન્સરથી બચાવવા માટે મોટા પાયે રસીકરણ અભિયાન ચલાવશે.

સર્વાઇકલ કેન્સરને રોકવા માટે, ૯ થી ૧૪ વર્ષની વયની તમામ છોકરીઓએ HPV રસી લેવી જોઈએ. આ રસી કેન્સર સામે ૯૮ ટકા સુધી રક્ષણ આપી શકે છે. રસી લેવાથી, યુવાન છોકરીઓની રોગપ્રતિકારક શક્તિ ઝડપથી વધે છે અને હ્યુમન પેપિલોમા વાયરસ (એચપીવી) નું જોખમ ઓછું થાય છે. સર્વાઇકલ કેન્સરના ૯૦ ટકા કેસ આ વાયરસને કારણે થાય છે. ખાસ વાત એ છે કે આ રસીનો માત્ર એક જ ડોઝ ૧૪ વર્ષ સુધીની છોકરીઓ માટે પૂરતો છે. ૧૫ કે તેથી વધુ ઉંમરની છોકરીઓએ ઁઁફ રસીના ૨ થી ૩ ડોઝ લેવા પડે છે. આ રસી ૨૬ વર્ષની ઉંમર સુધી સૌથી વધુ અસરકારક છે અને મોટી ઉંમરે ઓછી અસરકારક છે.

બિલ ગેટ્સે કહ્યું કે, મહામારી દરમિયાન ઘણી રસીઓની શોધ થઈ હતી અને ઘણી રસી ભારતમાં બનાવવામાં આવી હતી. દુર્ભાગ્યે, ઘણા દેશોમાં રસીકરણ સંબંધિત ભય અને અફવાઓ એક મોટી સમસ્યા બની ગઈ હતી. જ્યારે ભારતમાં તેનો પ્રતિકાર ઓછો હતો. હું એ જાણવા માટે ઉત્સુક છું કે તમે સંચારનું સંચાલન કેવી રીતે કર્યું અને તમને કેમ લાગે છે કે તે અહીં વધુ સારું કામ કરે છે.

બિલ ગેટ્સના આ નિવેદન પર પીએમ મોદીએ હસતાં હસતાં કહ્યું, "તમે ખૂબ જ સારા પ્રશ્નો પૂછ્યા. સૌથી પહેલા, મેં લોકોને આ વાયરસ સામેની લડાઈ માટે તાલીમ આપવા પર ભાર મૂક્યો.પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, "અને તે પછી, હું દેશવાસીઓને જે પણ કહેતો હતો, તેઓ મારી મદદ કરતા હતા, તે અંગે સવાલ ન ઉઠાવતા. માસ્ક પહેરવું જોઈએ કે નહીં. અને લોકો પણ એકબીજાને કહેતા હતા કે માસ્ક લગાવો. તેથી તે એક જનઆંદોલન બની ગયું. અને લોકશાહી માર્ગે લાકડીઓ કામ કરતી નથી. તમે લોકોને શિક્ષિત કરો, તેમને સમજાવો અને તેમને સાથે લઈ જાઓ.

આ મારું એક મોટું અભિયાન હતું. અને તેના કારણે મને ઘણી સફળતા મળી. મારે મોટો આર્થિક બોજ સહન કરવો પડ્યો. મારે રસી બનાવવા માટે સંશોધન કરવું પડ્યું. પછી મારે ખાતરી આપવી પડી કે આ રસી કામ કરશે. હું જાતે રસી લેવા માટે પ્રથમ ગયો. અને તે સમયે મારી માતા ૯૫ વર્ષની હતી. "મારી માતાએ પણ આ રસી જાહેરમાં લીધી હતી. તેથી મેં તેને ઉદાહરણ દ્વારા બતાવ્યું. તેથી લોકો માનતા હતા કે તે જીવન બચાવી શકે છે."

(8:42 pm IST)