Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

આયકર વિભાગે અમારી પાસે ૧૮૨૩ કરોડ માંગ્‍યા : આ તો છે ‘ટેક્ષ ટેરેરીઝમ' : કોંગ્રેસ

આયકર ખાતાએ ભાજપ પાસે રૂ.૪૬૦૦ કરોડ માંગવા જોઇએ

નવી દિલ્‍હી, તા.૨૯: લોકસભા ચૂંટણી પહેલા આવકવેરા વિભાગે કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો આપ્‍યો છે. ટેક્‍સ રિટર્નમાં કથિત વિસંગતતાઓ બદલ IT વિભાગે તેને ૧૮૨૩.૦૮ કરોડ રૂપિયા ચૂકવવા માટે નવી નોટિસ જારી કરી છે. કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે એવો પણ દાવો કર્યો હતો કે લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષ પર ટેક્‍સ ટેરરિઝમ' દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે.

પાર્ટીના કોષાધ્‍યક્ષ અજય માકને આરોપ લગાવ્‍યો હતો કે જે માપદંડોના આધારે પેનલ્‍ટી નોટિસ આપવામાં આવી છે તેના આધારે કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી પાસેથી રૂ.૪૬૦૦ કરોડથી વધુની ચુકવણીની માંગ કરવી જોઈએ. માકને પત્રકારોને જણાવ્‍યું હતું કે, ગઈકાલે અમને આવકવેરા વિભાગ તરફથી ૧૮૨૩.૦૮ કરોડ રૂપિયા ચૂકવવા માટે નવી નોટિસ મળી છે. પહેલેથી જ આવકવેરા વિભાગે અમારા બેંક ખાતામાંથી ૧૩૫ કરોડ રૂપિયા બળજબરીપૂર્વક ઉપાડી લીધા છે.ૅ

તેમણે દાવો કર્યો કે કોંગ્રેસ આર્થિક રીતે પંગુ થઈ રહી છે. અજય માકને કહ્યું કે આ બધું લોકસભા ચૂંટણી પહેલા લેવલ પ્‍લેઇંગ ફિલ્‍ડને ખતમ કરવા માટે કરવામાં આવી રહ્યું છે.

આવકવેરા સત્તાવાળાઓએ રૂ. ૨૧૦ કરોડનો દંડ અને તેના બેંક ખાતાઓ ફ્રીઝ' કરવાને કારણે કોંગ્રેસ પહેલેથી જ ભંડોળની અછતનો સામનો કરી રહી છે. પક્ષને આ મામલે હાઈકોર્ટમાંથી કોઈ રાહત મળી નથી અને ટૂંક સમયમાં તેઓ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે.

પાર્ટીએ ભાજપ પર ૧૯ એપ્રિલથી શરૂ થનારી લોકસભાની ચૂંટણી પહેલા તેને આર્થિક રીતે પંગુ બનાવવા અને તેની સામે ટેક્‍સ અધિકારીઓનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્‍યો છે.

(3:48 pm IST)