Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

દેશના અમીર-ગરીબ નેતાઓ... કેટલાક રમે છે કરોડોમાં તો કેટલાક પાસે માત્ર ૧૭૦૦ રૂપિયા

ADRના રિપોર્ટ અનુસાર, એક નેતા પાસે ૧૪૦૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે, જયારે એક ધારાસભ્‍ય પાસે માત્ર ૧૭૦૦ રૂપિયાની સંપત્તિ છે

નવી દિલ્‍હી,તા. ૨૯: ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિઓ અને અભિનેતાઓના નામ અને સંપત્તિ વિશે દરેક જણ જાણે જ છે. પરંતુ, શું તમે દેશના સૌથી અમીર નેતાઓ વિશે જાણો છો? કદાચ તમે તેમના વિશે બહુ ઓછું સાંભળ્‍યું હશે. કારણ કે, મોટા ભાગના નેતાઓ તેમની સંપત્તિ સંપૂર્ણ રીતે જાહેર કરતા નથી. જોકે તમામ નેતાઓએ ચૂંટણી સોગંદનામામાં પોતાની મિલકતોની વિગતો આપવાની રહેશે. તેના આધારે અમે તમને દેશના સૌથી અમીર અને ગરીબ નેતાઓ વિશે જણાવીશું. આખરે કયા નેતા પાસે કરોડોની સંપત્તિ છે? તેમાથી કેટલાક નેતાઓ તો કરોડપતિ છે.

લાઈવ મિન્‍ટના અહેવાલ મુજબ, એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્‍સ (ADR) એ ૨૮ રાજય વિધાનસભાઓ અને બે કેન્‍દ્રશાસિત પ્રદેશોના ૪૦૦૧ વર્તમાન ધારાસભ્‍યોનું વિશ્‍લેષણ કર્યા પછી વર્ષ ૨૦૨૩ માં ભારતીય ધારાસભ્‍યોની સંપત્તિ પર એક અહેવાલ બહાર પાડ્‍યો હતો. જેમાં સૌથી અમીર ધારાસભ્‍યોની માહિતી આપવામાં આવી હતી. આર્યની વાત એ છે કે, આ રિપોર્ટ અનુસાર એક નેતા પાસે ૧૪૦૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે જયારે એક ધારાસભ્‍ય પાસે માત્ર ૧૭૦૦ રૂપિયાની સંપત્તિ છે. પ્રોપર્ટી અંગે આપવામાં આવેલા આ આંકડા વર્ષ ૨૦૧૯, ૨૦૨૧, ૨૦૨૨ અને ૨૦૨૩ના જાહેરનામા પર આધારિત છે.

ADRના અહેવાલ મુજબ, કર્ણાટકના નાયબ મુખ્‍ય પ્રધાન ડીકે શિવકુમાર ઈં ૧,૪૧૩ કરોડની સંપત્તિ સાથે દેશના સૌથી ધનાઢ્‍ય ધારાસભ્‍ય છે. જયારે, પશ્ચિમ બંગાળના ભાજપના ધારાસભ્‍ય પાસે દેશમાં સૌથી ઓછી સંપત્તિ રૂ.૧,૭૦૦ છે. ખાસ વાત એ છે કે, ભારતના સૌથી ધનિક ધારાસભ્‍યોમાં ચાર ધારાસભ્‍ય કોંગ્રેસના છે, જયારે ત્રણ ભાજપના છે.

સૌથી વધારે સંપત્તિ ધરાવતા ધારાસભ્‍યો

* કર્ણાટકના ઉપ મુખ્‍યમંત્રી ડીકે શિવકુમાર પાસે રૂા. ૧,૪૧૩ કરોડની સંપત્તિ છે.

* કોંગ્રેસના ધારાસભ્‍ય કે એચ પુટ્ટસ્‍વામી ગૌડા પાસે કુલ રૂા. ૧,૨૬૭ કરોડની સંપત્તિ છે.

*       કોંગ્રેસના ધારાસભ્‍ય પ્રિયા કૃષ્‍ણાની કુલ સંપત્તિ રૂા.૧,૧૫૬ કરોડ છે.

*          TDP ધારાસભ્‍ય એન ચંદ્રબાબુ નાયડુ પાસે રૂા.૬૬૮ કરોડની સંપત્તિ છે.

*    ભાજપના ધારાસભ્‍ય જયંતિભાઈ સોમાભાઈ પટેલ પાસે ૬૬૧ કરોડની સંપત્તિ છે.

આ સિવાય સુરેશ બીએસ, વાયએસ જગન મોહન રેડ્ડી, પરાગ શાહ, ટીએસ સિંહદેવ અને મંગલપ્રતાપ લોઢા પણ દેશના સૌથી ધનિક ધારાસભ્‍યોની યાદીમાં સામેલ છે.

સૌથી ઓછી સંપત્તિ ધરાવતા ધારાસભ્‍યો

* ભાજપના ધારાસભ્‍ય નિર્મલ કુમાર ધારાની કુલ સંપત્તિ રૂા. ૧,૭૦૦ છે.

* IND ધારાસભ્‍ય મકરંદ મુદુલીની કુલ સંપત્તિ રૂા.૧૫,૦૦૦ હોવાનું જાણવા મળ્‍યું હતું.

* AAP ધારાસભ્‍ય નરિન્‍દર પાલ સિંહની કુલ સંપત્તિ રૂા.૧૮,૩૭૦ છે.

* AAP ધારાસભ્‍ય નરિંદર કૌર ભારજની કુલ સંપત્તિ રૂા.૨૪,૪૦૯ છે.

*    JMMના ધારાસભ્‍ય, મંગલ કાલિંદીની કુલ સંપત્તિ રૂા.૩૦,૦૦૦ છે.

આ સિવાય રામ કુમાર યાદવ, અનિલ કુમાર અનિલ પ્રધાન, રામ ડોંગરે અને વિનોદ ભીવા નિકોલે પણ ઓછી સંપત્તિ ધરાવતા ધારાસભ્‍યો છે.(

 

 

(11:09 am IST)