Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

શું રાયબરેલીથી પ્રિયંકા ગાંધી લડે તો વરુણ ગાંધી તેની વિરુદ્ધ ચૂંટણી જંગમાં જંપલાવશે?

વરુણ ગાંધી ચૂંટણી લડે તો ગાંધી વર્સિસ ગાંધીની ચર્ચા ઊભી થશે અને વરુણ આવી કોઈ પણ ચર્ચાથી દૂર રહેવા માગે છે તેવા અહેવાલ

રાયબરેલી અને અમેઠી સીટ ગાંધી પરિવારનો ગઢ ગણાય છે, પરંતુ ગત વખતની ચૂંટણીમાં અમેઠીમાં રાહુલ ગાંધીની હાર થઈ હતી, જ્યારે રાયબરેલીથી સતત જીતનારા સોનિયા ગાંધી આ વખતે ફેબ્રુઆરીમાં રાજસ્થાનથી રાજ્યસભા સાંસદ તરીકે ચુંટાયા છે. જે બાદથી જ અટકળો લગાડવામાં આવી રહી છે કે કોંગ્રેસ પ્રિયંકા ગાંધી વાડ્રાને રાયબરેલીથી પોતાના ઉમેદવાર બનાવી શકે છે. આ વચ્ચે ભાજપે પણ વરુણ ગાંધી રાયબરેલીથી ચૂંટણી મેદાનમાં ઉતરશે તો સૂત્રો મુજબ આ ઓફરને વરુણ ગાંધીએ ફગાવી દીધી છે. એક અહેવાલ મુજબ રાયબરેલીથી સંભવિત ઉમેદવાર પ્રિયંકા ગાંધી વિરુદ્ધ વરુણ ગાંધીએ ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે.

કોંગ્રેસ સૂત્રોએ જણાવ્યું કે રાયબરેલીથી લગભગ પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે તે લગભગ નિશ્ચિત જ છે. અમેઠી સીટ પરથી પણ રાહુલ ગાંધી ચૂંટણી લડશે. રાહુલ 2004થી સતત અમેઠીથી સાંસદ હતા પરંતુ 2019માં તેમણે ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. રાયબરેલીથી 2004થી જ સોનિયા ગાંધી સાંસદ હતાં. હવે સોનિયાની જગ્યાએ પ્રિયંકા ગાંધીને રાયબરેલીથી ઉતારવાનું લગભગ કન્ફર્મ થઈ ગયું છે. કેરળના વાયનાડમાં શુક્રવારે થનારા વોટિંગ બાદ ગમે ત્યારે અમેઠી અને રાયબરેલી સીટ પરના ઉમેદવારની જાહેરાત થઈ શકે છે. રાહુલ હાલ વાયનાડ સીટથી સાંસદ છે.

વરુણ ગાંધી અને પ્રિયંકા ગાંધી પિતરાઈ ભાઈ-બહેન છે. વરુણ પીલીભીતથી ભાજપ સાંસદ છે, જ્યારે પ્રિયંકાએ હજુ સુધી કોઈ ચૂંટણી લડી નથી. આ વખતે તેઓ રાયબરેલીથી ચૂંટણી જંગમાં જંપલાવશે તે લગભગ નિશ્ચિત છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપે પ્રિયંકા વિરુદ્ધ વરુણ ગાંધીનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમણે રાયબરેલીથી ઉતરવાનો ઈનકાર કરી દીધો. વરુણના નજીકના સૂત્રોએ કહ્યું કે વરુણ ગાંધી ચૂંટણી લડે તો ગાંધી વર્સિસ ગાંધીની ચર્ચા ઊભી થશે અને વરુણ આવી કોઈ પણ ચર્ચાથી દૂર રહેવા માગે છે.

 ભાજપ સરકાર વિરુદ્ધ નિવેદનબાજીને પગલે વરુણ ગાંધીને આ વખતે ટિકિટ નથી આપવામાં આવી. પીલીભીતથી વરુણ ગાંધીની જગ્યાએ ભાજપે યોગી સરકારના મંત્રી જિતિન પ્રસાદને ઉતાર્યા છે. વરુણ છેલ્લાં કેટલાંક વર્ષોથી યૂપીની યોગી સરકાર અને કેન્દ્ર સરકાર પર અનેક મુદ્દાઓને લઈને પ્રહાર કરતા રહે છે. ભાજપે ભલે જ વરુણની ટિકિટ કાપી હોય પરંતુ તેમની માતા મેનકા ગાંધીને ફરીથી સુલતાનપુરથી ઉમેદવાર બનાવ્યા છે.

(12:13 am IST)