Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

દાવોસમાં મળી શકે છે મોદી અને અબ્બાસી

અમેરિકાની ભુમિકા મહત્વની બનશેઃ હાલ બંને દેશ બેકડોર ડિપ્લોમસી સ્વીકારી રહ્યા છે

નવી દિલ્હી તા.૧૭ : ભારત અને પાકિસ્તાનના સંબંધો ઉપર જામેલો બરફ પીગળાવવામાં સ્વીટઝરલેન્ડના નાના શહેર દાવોસની ભુમિકા મહત્વની બનશે ? કુટનીતિક વર્તુળોમાં આ સવાલ હાલ ચર્ચાના કેન્દ્રમાં છે. આવતા સપ્તાહે દાવોસમાં વર્લ્ડ ઇકોનોમીક ફોરમની બેઠક મળી રહી છે જેમાં ભાગ લેવા માટે પીએમ મોદી પહોંચી રહ્યા છે અને પાકિસ્તાનના પીએમ શાહીદ અબ્બાસી પણ તેમા જોડાશે. આ બંને ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પણ દાવોસમાં જ હશે.

કુટનીતિક જાણકારો કયાસ લગાવી રહ્યા છે કે જે રીતે અમેરિકા પડદા પાછળથી ભારત અને પાકિસ્તાન વચ્ચેનુ ટેન્શન ઘટાડવા પ્રયાસ કરે છે તે જોતા દાવોસ મહત્વનુ બનશે. દાવોસમાં મોદી કોને કોને મળશે ? એ અંગેની વિગતો હાલ તૈયાર થઇ રહી છે. ભારત અને પાકિસ્તાનના પીએમ વચ્ચે પણ મુલાકાત યોજાય તેવી શકયતા છે. આ કયાસ પાછળ એક કારણ એ પણ છે કે, બંને દેશ એ સ્વીકારે છે કે બેકડોર ડિપ્લોમસી ચાલી રહી છે. પાકિસ્તાનના નવા હાઇકમિશ્નર સોહેલ મહમદ આમા મહત્વની ભુમિકા ભજવી રહ્યા છે. તાજેતરમાં બંને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો મળ્યા હતા.

ભારત ઇચ્છે છે કે ત્રાસવાદ અને વાટાઘાટો એક સાથે શકય નથી પરંતુ આતંકવાદના ખાત્માને લઇને પાકિસ્તાન સાથે વાતચીત થઇ શકે છે. 

(10:12 am IST)