Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

હત્યારો મૃતકનું ધર્માંતરણ કરી તેને પરણવા માગતો હતો

નિકિતા મર્ડર કેસમાં વધુ એક નવો ખુલાસો : નિકિતાની ફરિદાબાદ સ્થિત તેની કોલેજની બહાર સોમવારે બપોરે માથામાં ગોળી મારી હત્યા કરાઈ હતી

ગુરુગ્રામ,તા.૨૮ : બીકોમ ફાઈનલ યરની સ્ટૂડન્ટ નિકિતા તોમરની તેના એક તરફી પ્રેમમાં પાગલ શખ્સ દ્વારા ગોળી મારીને હત્યા કરવાના મામલે નવો ખુલાસો થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, હત્યારો નિકિતા સાથે લગ્ન કરી તેનું ધર્મપરિવર્તન કરાવવા માગતો હતો. નિકિતાની ફરિદાબાદ સ્થિત તેની કોલેજની બહાર સોમવારે બપોરે માથામાં ગોળી મારી હત્યા કરાઈ હતી. જેના પગલે ફરિદાબાદમાં જોરદાર વિરોધ પ્રદર્શન શરુ થયા હતા. નિકિતાને ગોળી મારવામાં આવી તે ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા હતા. નિકિતાને ગોળી મારનારો શખ્સ તૌસીફ કોંગ્રેસના ધારાસભ્ય આફતાબ અહેમદનો પિતરાઈ ભાઈ થાય છે. તેની સાથે પોલીસે અન્ય એક શખ્સની પણ ધરપકડ કરી છે, અને તેમના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. મૃતક નિકિતાના પરિવારજનોના જણાવ્યા અનુસાર, નિકિતા સ્કૂલની ટોપર હતી અને તે હાલ કોલેજની સાથે સિવિલ સર્વિસિસની પરીક્ષા માટે પણ તૈયારી કરી હતી.

                જોકે, તેને તૌસિફ છેલ્લા કેટલાક સમયથી પરેશાન કરતો હતો. ૨૦ વર્ષની નિકિતા અને તૌસિફ બાળપણથી એકબીજાને ઓળખતાં હતાં. તેઓ એક જ સ્કૂલમાં ભણ્યા હતા. જોકે, ગયા મહિને જ નિકિતાએ તૌસિફ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. નિકિતા સોમવારે ફરિદાબાદના બલ્લભગઢ વિસ્તારમાં આવેલી અગ્રવાલ કોલેજમાં પરીક્ષા આપવા માટે ગઈ હતી. સાંજે ચાર વાગ્યાના અરસાના ૨૩ સેકન્ડના સીસીટીવી ફુટેજમાં જોઈ શકાતું હતું કે નિકિતા તેની એક મિત્ર સાથે કોલેજની બહાર આવી હતી. નિકિતા બહાર આવી તે જ સમયે તૌસિફ અને તેની સાથે રેહાન નામનો એક શખ્સ વ્હાઈટ કારમાં આવ્યા હતા, અને નિકિતાને અંદર ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, નિકિતા ગમે તેમ કરીને તેમની પકડમાંથી છૂટવામાં સફળ રહી હતી. પરંતુ આ દરમિયાન તૌસિફે બંદૂક કાઢીને નિકિતાના માથામાં ગોળી મારી દીધી હતી. નિકિતાની સાથે રહેલી મિત્રએ જણાવ્યું હતું કે આ ઘટના બની ત્યારે તે નિકિતા સાથે જ હતી. પોતાને ખૂબ જ ડર લાગી રહ્યો હોવાનું જણાવતા તેણે કહ્યું હતું કે તેઓ રિક્ષાની રાહ જોઈ રહ્યા હતા તે જ વખતે એક કાર આવી હતી, અને તેમાંથી બે લોકો બહાર નીકળ્યા હતા. તેમણે નિકિતાને ખેંચવાનો પ્રયાસ કર્યો, અને સેકન્ડોમાં જ સમગ્ર ઘટના બની ગઈ હતી. નિકિતાની હત્યા બાદ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, અને ફરિદાબાદ-મથુરા રોડ બ્લોક કરી દીધો હતો. મંગળવાર સવાર સુધી આ સ્થિતિ યથાવત રહી હતી. હરિયાણાના ગૃહમંત્રી અનિલ વીજે આ મામલાની ઝડપથી તપાસ કરવા માટે એસઆઈટીની જાહેરાત કરી છે.

 

(7:57 pm IST)