Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

લોકો ઉપર હજુ કોરોનાનો ખોફ

ગુજરાતમાં મલ્ટીપ્લેકસ ખુલ્યા પણ પ્રેક્ષકો દેખાતા નથી : કેટલાકે તાળા માર્યા તો કેટલાકે શો ઘટાડ્યા

નવી દિલ્હી,તા.૨૮ :  રવિવાર એટલે નિખિલ રાઠી જેવા યુવા પ્રોફેશનલ્સ માટે થિયેટરમાં જવાનું અને મૂવી જોવાનું. રાઠી કહે છે કે એક સમય હતો જયારે હું ભાગ્યે જ કોઈ મૂવીને જોવાનું ચૂકતો હતો. મને મૂવી જોવા બહુ ગમે છે અને તેમાં પણ બોલિવુડ મૂવી એટલે દરેક રવિવારે હું મૂવી જોતો કયારેક કયારેક તો એક સાથે બે મૂવી પણ જોઈ લેતો. પરંતુ જયારથી કોરોના આવ્યો છે ત્યારથી મારો લિવિંગ રૂમ જ મારૂ પ્રાઇવેટ થિયેટર બની ગયો છે. ગુજરાતમાં જેમ્સ બોન્ડથી લઈને પીરિયડ ડ્રામા, સિનેમેટિક વકર્સના ચાહકો ભર્યા છે. જોકે કોરોના બાદ તેમના શોખ નથી બદલાયા પરંતુ તેને પૂરૂ કરવાના માધ્યમ જરુર બદલાઈ ચૂકયા છે.

રાજયમાં લગભગ ૧૦ દિવસ પહેલાથી મલ્ટિપ્લેકસ ખૂલી ગયા છે પરંતુ ભાગ્યે જ કોઈ લોકોની ચહલપહલ થિયેટરમાં જોવા મળે છે. કોરોનાનો ભય અને નવા કોઈ મૂવીઝ રિલિઝ ન થતા હોવાના બે કારણ સાથે થિયેટરમાં રોજના એકાદ-બે શો માંડ થાય છે. આ કારણે કેટલાક થિયેટરે તો ફરી પોતાના શટર પાડી દીધા છે અને દિવાળી પર રિલિઝ થનાર ફિલ્મો અંગે રાહ જોઈ રહ્યા છે.

 અમદાવાદમાં આવેલા એક મલ્ટિપ્લેકસના મેનેજર નિરજ આહુજા કહે છે ક ે'અમે થિયેટરને આગામી એક સપ્તાહ સુધી બંધ કરી દીધું છે કારણ કે આખા દિવસમાં ભાગ્યે જ ૧૦ જેટલા લોકો માંડ આવે છે. મહામારી પહેલા અમારે ત્યાં દરરોજ હજાર જેટલા લોકો આવતા હતા. ઓછી આવક સાથે થિયેટર ચાલું રાખવું અમારા માટે શકય નથી. તેનાથી ભારણ વધે છે.'  આહુજાએ વધારામાં કહ્યું કે 'અમે ટિકિટ પર ૫૦ ટકાનું ડિસ્કાઉન્ટ પણ ઓફર કરીએ છીએ તેમ છતા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી થઈ રહી છે.'

રાજકોટમાં આવેલ ગેલેકસી સિનેમાના માલિક રશ્મી ભાલોડિયાએ કહ્યું કે, 'લોકોની ઓછી સંખ્યા જરૂર એક મોટો પ્રશ્ન છે કારણ કે સામાન્ય દિવસોમાં જયાં આવનાર લોકોની સંખ્યા બે આંકડામાં હતી ત્યાં હવે ભાગ્યે જ કોઈ દેખાય છે. આ મહામારીમાં સૌથી વધુ નુકસાન થિયેટરના માલિકોને થયું છે. હાલ અમારા પર કોઈ જ આવક વગર વધારાનો ખર્ચ સતત વધી રહ્યો છે. જો આવી જ સ્થિતિ રહેશે તો કેટલાક થિયેટર તો કાયમ માટે બંધ થઈ જશે.'

તેવી જ રીતે સુરતના ડુમસ રોડ પર આવેલ સિટી પ્લસ મલ્ટિપ્લેકસના માલિક આશિષ જૈને કહ્યું કે ' હાલ અમારા ત્રણ સ્ક્રિનના મલ્ટિપ્લેકસમાં કોરોના પહેલા જેટલા લોકો આવતા હતા તેનાથી અડધા પણ માંડ આવે છે. હાલ અમે જૂની ફિલ્મો ચલાવી રહ્યા છે. નવી ફિલ્મ આવશે ત્યારે લાગે છે કે લોકો જોવા માટે આવશે.'

તેવી જ સ્થિતિ વડોદરામાં છે. વડોદરા આઇનોકસ મલ્ટિપ્લેકસના એક અધિકારીએ  જણાવ્યું કે 'લોકો કોરોનાના કારણે ડરી રહ્યા છે એટલે ખૂબ જ ઓછી સંખ્યામાં આવી રહ્યા છે. અમે દરરોજ ૪ શો ચલાવીએ છીએ પણ નિયમિત રીતે આવતા લોકો કરતા ભાગ્યે જ ૧૦ ટકા જેટલા લોકો આવે છે. હા રવિવારે થોડા પ્રમાણમાં વધુ લોકો જોવા મળે છે. પરંતુ સ્થિતિ ખૂબ જ ગંભીર છે.' ગુજરાતના આ તમામ મોટા શહેરમાં કરવામાં આવેલ ઓનલાઇન સર્વેમાં જણાયું કે ૭૦ ટકા લોકો થિયેટરમાં જવાનું ટાળવા માગે છે. જયારે ૨૧ ટકાએ કહ્યું અમે મલ્ટિપ્લેકસ કે થિયેટરમાં મૂવી જોવા જ નથી જતા. જયારે ૪ ટકાએ કહ્યું જો નવું મૂવી આવશે તો વિચારીશું. તેમજ ૩ ટકાએ કહ્યું કે હાલની સ્થિતિમાં કંઈ કહી શકીએ નહીં. માત્ર ૨ ટકા જ એવા લોકો હતા જેમણે થિયેટર અને મલ્ટિપ્લેકસમાં મૂવી જોવા જેવા માટેની તૈયારી દર્શાવી હતી.

(10:52 am IST)