Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

ફ્રાન્સે અફઘાનિસ્તાનમાંથી પોતાના 3 હજાર નાગરિકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા: હવે હંગામી દૂતાવાસ બંધ

રાજદૂતની નિમણૂક યથાવત રહેશે પરંતુ સુરક્ષાના કારણોસર તેઓ પેરિસથી સેવા આપશે

નવી દિલ્હી : ફ્રાન્સે અફઘાનિસ્તાનમાંથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટેનું ઓપરેશન સમાપ્ત કર્યું અને કાબુલ એરપોર્ટ પર બનાવવામાં આવેલા ફ્રાન્સના હંગામી દૂતાવાસને પણ બંધ કરી દીધું. વિદેશ મંત્રી જીન-ઇવ લે ડ્રાયન અને સંરક્ષણ મંત્રી ફ્લોરેન્સ પાર્લેએ જાહેરાત કરી હતી કે ઇવેક્યુએશન ઓપરેશનમાં આશરે 3,000 લોકોને અફઘાનિસ્તાનથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “કાબુલમાં ફ્રાન્સ દૂતાવાસની ટીમ ફ્રાન્સ પરત ફરતા પહેલા અબુ ધાબી પહોંચી ગઈ છે.” ફ્રાન્સે અબુ ધાબીમાં ટ્રાન્ઝિટ પોઈન્ટ ઉભો કર્યો છે, જ્યાં પેરિસ જતા વિમાનો પ્રથમ ત્યાં ઉતર્યા હતા. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ગુરુવારે જણાવ્યું હતું કે રાજદૂત અને અન્ય સ્ટાફ આગામી થોડા દિવસોમાં કાબુલ છોડી દેશે. આ ફ્લાઇટ કાબુલથી ફ્રાન્સની છેલ્લી ફ્લાઇટ્સ પૈકી એક હશે.

તેમણે કહ્યું હતું કે રાજદૂતની નિમણૂક યથાવત રહેશે પરંતુ સુરક્ષાના કારણોસર તેઓ પેરિસથી સેવા આપશે. પ્રધાનો દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફ્રાંસ “31 ઓગસ્ટ પછી પણ” ભયનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાનના લોકોને આશ્રય આપવાનું કામ ચાલુ રાખશે. અમે તાલિબાન અધિકારીઓ સાથે 31 ઓગસ્ટ પછી દેશ છોડવા ઈચ્છતા લોકોને બહાર કાઢવામાં અવરોધ નહીં આવે તેની ખાતરી કરવા માટે અમારા પ્રયાસો ચાલુ રાખી રહ્યા છીએ.

(10:18 pm IST)