Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

બ્રહ્મપુત્ર સહિત અનેક નદીઓની જળસપાટીમાં વધારો: આસામમાં પૂરની સ્થિતિ વણસી :2,25,501 લોકો પ્રભાવિત

, બ્રહ્મપુત્રા નદી અને તેની સહાયક નદીઓએ 15 જિલ્લાઓમાં વ્યાપકપણે વિસ્તારોને જળમગ્ન બનાવ્યા

આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી (એએસડીએમએ) દ્વારા જારી કરાયેલા દૈનિક બુલેટિન મુજબ શનિવારે આસામમાં પૂરની સ્થિતિ વધુ વણસી હતી કારણ કે, બ્રહ્મપુત્રા નદી અને તેની સહાયક નદીઓએ 15 જિલ્લાઓમાં વ્યાપકપણે વિસ્તારોને જળમગ્ન બનાવી દીધા છે. જેના કારણે રાજ્યમાં 2,25,501 લોકો પ્રભાવિત થયા હતા. બુલેટિનમાં એવું કહેવામાં આવ્યું છે કે, હજુ સુધી કોઈ માનવી કે પ્રાણીનું મૃત્યુ થયું નથી.

કેચમેન્ટ વિસ્તારમાં સતત ભારે વરસાદને કારણે બકસા, બારપેટા, વિશ્વનાથ, બોંગાઇગાંવ, ચિરાંગ, ધેમાજી, ડિબ્રુગઢ, ગોલાઘાટ, જોરહાટ, લખીમપુર, માજુલી, મોરીગાંવ, શિવસાગર, સોનિતપુર અને તિનસુકિયા જિલ્લાઓ પ્રભાવિત થયા છે. 34 મહેસૂલ વિભાગો હેઠળ 512 ગામો પ્રભાવિત થયા છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, મોટાભાગના અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી વહેતી નદીઓનું પાણીનું સ્તર વધી રહ્યું છે. સાથે જ ઘણી જગ્યાએ ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું છે. અધિકારીએ જણાવ્યું હતું કે, અરુણાચલ પ્રદેશના ઉપલા વિસ્તારોમાં સતત વરસાદને કારણે બ્રહ્મપુત્રા નદીના જળસ્તરમાં વધારો થયો છે. જેના કારણે રાજ્યમાં પૂર આવ્યું છે. લખીમપુરમાં મહત્તમ 91,437 લોકોને અસર થઈ છે, ત્યારબાદ માજુલીમાં 47,752 અને ધેમાજીમાં 31,839 લોકો પ્રભાવિત થયા છે.

 

અધિકારીએ જણાવ્યું કે, બોંગાઇગાંવ, ચિરાંગ, ધેમાજી અને માજુલીના જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થાપિત 62 રાહત શિબિરોમાં કુલ 6898 લોકોએ આશ્રય લીધો છે, જ્યારે બકસા, ડિબ્રુઢ અને જોરહાટમાં રાહત કેન્દ્રો તૈયાર રાખવામાં આવ્યા છે. આ દરમિયાન શનિવારે બોટ દ્વારા 20 લોકો અને 40 પ્રાણીઓને સુરક્ષિત રીતે બહાર કાવામાં આવ્યા હતા અને અત્યાર સુધીમાં છ મેડિકલ ટીમો તૈનાત કરવામાં આવી છે.

બક્સા અને બોંગાઇગાંવ જિલ્લામાં 41 મકાનોને નુકસાન થયાના અહેવાલ છે. ચિરાંગ અને સોનીતપુરમાં એક-એક પુલ અને બોંગાઇગાંવ, ચિરાંગ, ગોલાઘાટ, માજુલી અને શિવસાગરના 27 રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે, જો કે અત્યાર સુધી કોઇ પાળા તૂટી નથી.

(9:56 pm IST)