Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

તાલિબાન રાજ આવતા જ મસૂદ અઝહર એકિટવઃ કાશ્મીરમાં આતંકી ગતિવિધિ વધારવાની ફિરાકમાં

નવી દિલ્હીઃ તા.૨૮ :  પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો ચીફ મસૂદ અઝહર હવે તાલિબાનનો સહારો લઈ કશ્મીરમાં આતંકી ગતિવિધિઓ વધારવાની ફિરાકમાં છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર કેટલાંક દિવસો પહેલા મસૂદ અઝહરે કંધાર જઈને તાલિબાન સાથે કાશ્મીરમાં ગતિવિધિઓ વધારવા માટે સહયોગ માંગ્યો હતો. મસૂદ અઝહર ૨૬૦ નવેમ્બર ૨૦૦૮ના રોજ થયેલ મુંબઈમાં થયેલા આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ છે.

મસૂદે જે તાલિબાની નેતાઓ સાથે મુલાકાત કરી તેમાં અબ્દુલ ગની બરાદર પણ શામેલ છે. બરાદર તાલિબાનના રાજનૈતિક વિભાગનો હેડ છે. ઉલ્લેખનીય છે કે મસૂદ અઝહરે કાબૂલ પર કબ્જો મેળવ્યાના પહેલા જ તાલિબાનની પ્રસંશા કરી હતી. તેણે કહ્યું હતું કે તાલિબાને અમેરિકા સમર્થિત અફઘાન સરકારને પાડી દીધી છે. મંજિલ તરફ એવું લખીને એક લેખમાં કહ્યું હતું કે મુજાહીદીનોની જીત ખુશી પેદા કરનારી છે.

આ ઉપરાંત જૈશ-એ-મોહમ્મદના કમાન્ડરોએ તાલિબાનની જીત પર એકબીજાને અભિનંદન આપ્યા હતાં. આતંક સંગઠન લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદે પાક અધિકૃત કાશ્મીર (POK)માં તાલિબાનના સમર્થનમાં રેલીનું પણ આયોજન કર્યુ હતું. રેલીનો વીડિયો વાયરલ થયો હતો અને તેમાં આતંકી તાલિબાનની જીત પર ખુશીઓ મનાવતા દેખાઈ રહ્યાં હતાં. લશ્કર અને જૈશના કમાન્ડરોએ રેલીને સંબોધિત કરી હતી.

માત્ર આતંકી સંગઠન જ નહીં પરંતુ પાકિસ્તાન સરકાર પણ તાલિબાનના શાસન પર ખુશીઓ જાહેર કરવામાં પાછળ નથી રહી. તાલિબાનની જીત પર પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન પણ વખાણ કરી ચૂક્યાં છે. ઈમરાને તો ત્યાં સુધી કહી નાંખ્યુ હતું કે અફઘાનના લોકો આઝાદ થઈ ગયા છે.

(1:00 pm IST)