Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

સામાન્ય વાતમાં રાઇનો પહાડ બની ગયો

ઠંડી રોટલી ગરમ કરવા મામલે થયો ઝઘડો : હોટલ માલિકે માથામાં ગોળી મારતા ગ્રાહકનું મોત

ચંદીગઢ,તા. ૨૮:  પંજાબના ફિરોઝપુર સ્થિત બાદશાહ રિસોર્ટમાં એક કિટી પાર્ટીમાં ઠંડી રોટલી સર્વ કરવાને લઈ વિવાદ થઈ ગયો. સામાન્ય વાતની શરૂ થયેલો વિવાદ એ હદે વધી ગયો કે હોટલ માલિકે ગુસ્સામાં આવીને ફાયરિંગ કરી દીધું. ઘટનામાં એક વ્યકિતનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. જયારે, અન્ય એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ. મૃતકની ઓળખ રાજેશ કુમાર ચલાના ઉર્ફે ટિંકા તરીકે થઈ છે.

ઘાયલ મહિલાનું નામ સુનીતા મોંગા હોવાનું કહેવાય છે. તેને લુધિયાણાની એક ખાનગી હોસ્પિટલમાં રેફર કરવામાં આવી છે. ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો છે. પોલીસ તેની તલાશમાં લાગી ગઈ છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જેના આાધાર પર પોલીસ કાર્યવાહીમાં લાગી ગઈ છે. મૃતકના દીકરા નિતિને પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું છે કે તેમના પિતા રાજેશ કુમાર ચલાના ઉર્ફે ટિંકા, તેમની માતા અને બંને ભાઈ બાદશાહ હોટલમાં કિટ્ટી પાર્ટીમાં ગયા હતા.

તેમણે જણાવ્યું કે, પાર્ટીમાં ૧૫ કપલ હાજર હતા જે તે વિસ્તારના જ દુકાનદાર છે. નિતિને જણાવ્યું કે, તેઓ બુધવાર રાત્રે ૧૦:૫૦ વાગ્યે ત્યાં હાજર હતા જયારે ઘટના બની. તેમણે જણાવ્યું કે, તમામ લોકો ભોજન લઈ રહ્યા હતા તો રોટલી ઠંડી થઈ ગઈ હતી. જેના કારણે લોકોએ રોટલી ગરમ કરવા માટે હોટલ સંચાલિકાને આગ્રહ કર્યો. આ વાત પર ઝઘડો થઈ ગયો અને હોટલના સંચાલિકા રિશાએ રોટલી ગરમ કરવાનો એવું કહીને ઇન્કાર કરી દીધો કે હવે રોટલી ગરમ નહીં થાય, કારણ કે કિચન બંધ થઈ ચૂકયું છે.

ઝઘડો વધતો જોઈને રિશાએ પોતાના પાર્ટનર હેપ્પીને હોટલમાં બોલાવી દીધો. તે પિસ્તોલની સાથે ત્યાં પહોંચ્યો અને તેણે સીધું ફાયર કરી દીધું. ગોળી ટિંકાના માથાને પાર થઈ ગઈ અને તેમનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. એ જ ગોળી ત્યાં ઊભેલા મહિલા સુનીતા મોંગાને છાતીમાં વાગી ગઈ, જેના કારણે તે પણ ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ. મહિલાને સારવાર માટે લુધિયાણાની હોસ્પિટલમાં રેફર કરવામાં આવી છે, જયાં તેની હાલત નાજુક છે.

ડીએસપી ગોબિંદર સિંહે જણાવ્યું કે, બાદશાહ હોટલમાં થયેલા ફાયરિંગ મામલામાં કાર્યવાહી કરતાં હોટલ સંચાલકો હેપ્પી બિંદ્રા અને રિશાની વિરુદ્ઘ આઇપીસીની કલમ ૩૦૨ અને ૩૦૭ હેઠળ કેસ નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.

(10:06 am IST)