Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

અત્યાર સુધીમાં ૮૦ લાખ રિટર્ન ભરાયા

ઇન્કમટેક્ષ રીટર્ન ભરવાની મુદ્દતમાં થઇ શકે છે વધારો

છેલ્લા ૪ દિવસથી ભરાય છે રોજના ૫ લાખથી વધારે રિટર્ન

મુંબઇ તા. ૨૮ : ઇન્ફોસીસ દ્વારા નવા આવકવેરા પોર્ટલમાં કેટલીક ટેકનીકલ મુશ્કેલીઓ દૂર કર્યા પછી હવે રિટર્ન ભરવામાં તેજી આવી છે પણ કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી) કરદાતાઓને પડી રહેલી તકલીફોને ધ્યાનમાં રાખીને રિટર્ન ભરવાની મુદ્દત વધારી શકે છે. છેલ્લા ૪ દિવસથી રોજ ૫ લાખથી વધારે રિટર્ન ભરાઇ રહ્યા છે. જ્યારે ૨૧ ઓગસ્ટથી બે દિવસ સુધી આ પોર્ટલ સંપૂર્ણપણે ઠપ થઇ ગયું હતું.

સીબીડીટીના એક સીનીયર અધિકારીએ જણાવ્યું કે, સરકાર આવકવેરા રિટર્નની કેટલીક મહત્વની તારીખોને લંબાવી શકે છે તેનો ઉદ્દેશ કરદાતાઓને પૂરતો સમય આપવાનો છે. અધિકારીએ કહ્યું, 'નવા પોર્ટલની ટેકનીકલ ખામીઓને કારણે થયેલ મોડું પણ અમારા ધ્યાનમાં છે. તારીખો લંબાવવા અંગેની જાહેરાત ટુંક સમયમાં થઇ શકે.'

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે અત્યાર સુધીમાં ૮૦ લાખ રિટર્ન ભરાઇ ચૂકયા છે, જે ૨૦૧૯-૨૦ના છેલ્લા દિવસ સુધીમાં ભરાયેલ કુલ રિટર્નના લગભગ ૮ ટકા છે. સીબીડીટી પોર્ટલ પર રોજના ભરાયેલ રિટર્નના આંકડાઓ પણ દેખાશે.

એક અધિકારીએ કહ્યું, 'હજુ રિટર્ન ભરવાની આખરી તારીખ નજીક નથી આવી. ત્યારે ૮૦ લાખ રિટર્ન સારો આંકડો છે. તેનાથી એ પણ સંકેત મળે છે કે પોર્ટલની તકલીફો દૂર થઇ રહી છે.'

પગારદારો અને એવા લોકો જેમના ખાતાને ઓડીટ કરવાની જરૂર નથી, તેમના માટે રિટર્ન ભરવાની મુદ્દત ૩૧ જુલાઇથી વધારીને ૩૦ સપ્ટેમ્બર પહેલાથી જ કરી દેવાઇ છે. ઓડીટવાળા ખાતા (ખાસ કરીને કંપનીઓ) માટે અંતિમ તારીખ ૩૦ સપ્ટેમ્બરથી લંબાવીને ૩૦ નવેમ્બર કરવામાં આવી છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે નવું આવકવેરા પોર્ટલ બનાવનાર કંપની ઇન્ફોસીસને ૧૫ સપ્ટેમ્બર સુધીમાં પોર્ટલની બધી ખામીઓ દૂર કરવાના આદેશ આપ્યા છે. જો કે આનો અર્થ એવો થાય કે જો રીટર્ન ભરવાની મુદ્દત નહીં વધે તો વ્યકિતગત કરદાતાઓ પાસે રિટર્ન ભરવા માટે ફકત ૧૫ દિવસ રહેશે. ૫૦ લાખથી ઓછી વાર્ષિક આવકવાળા વ્યકિતગત કરદાતાઓએ આઇટીઆર-૧ ફોર્મ ભરવાનું હોય છે.

(10:00 am IST)