Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

દેશભરમાં કુલ ૩૫.૩ કરોડ મંથલી ઓટીટી દર્શક

મોટા શહેરોમાં યુવાઓને પસંદ આવી રહ્યું છે ઓટીટી

નવી દિલ્હી તા. ૨૮ : દેશમાં ઓટીટી (ઓવર ધ ટોપ) દર્શકોની સંખ્યા સતત વધી રહી છે. ઓટીટીના હિસાબે માસિક ૯૭ લાખ દર્શકો સાથે દિલ્હી ટોચ પર છે. મુંબઇમાં ઓટીટી દર્શકોની સંખ્યા લગભગ ૯૩ લાખ અને બેંગ્લોરમાં ૮૭ લાખ છે. ઓરમેકસ ઓટીટી ઓડીયન્સ રિપોર્ટ, ૨૦૨૧ અનુસાર, દેશભરમાં કુલ ૩૫.૩ કરોડ માસિક ઓટીટી દર્શક છે. જેમાંથી આ ત્રણ મહાનગરોની હિસ્સેદારી ૮ ટકા છે. ભારતમાં પહેલીવાર વીડીયો સ્ટ્રીમીંગના દર્શકોની ગણત્રી કરવામાં આવી છે. તેનાથી જાણવા મળ્યું છે કે, છેલ્લા એક મહિનામાં કેટલા લોકોએ ઓછામાં ઓછું એક વાર ઓટીટી પર વીડીયો જોયો છે. મુંબઇની કન્સલ્ટીંગ ફર્મ ઓરમેક્ષ મીડીયાએ દેશભરમાં મે થી જુલાઇ ૨૦૨૧ વચ્ચે ૧૨૦૦૦ લોકોનો સેમ્પલ સર્વે કર્યો છે.

ઓનલાઇન ડ્રામા અને સીરીઝ જોવાનું ચલણ સૌથી વધારે છે અને ભારતમાં ૬૦થી વધારે ઓટીટી આ ક્ષેત્રમાં છે. ૨૦૧૮માં ઓટીટીની આવક ૫૫૦૦ કરોડ રૂપિયા હતી જે ૨૦૨૦માં બમણી થઇને ૧૦૭૦૦ કરોડ થઇ ગઇ હતી. આ રિપોર્ટ આવતા સપ્તાહે જાહેર થશે. અનુમાન અનુસાર, ૪.૦૭ કરોડ ઓટીટી દર્શકો એવા છે જે વીડીયો ઓન ડીમાન્ડ સબસ્ક્રીપ્શન માટે પેમેન્ટ કરે છે. પણ પેમેન્ટથી વીડીયો જોનારા દર્શકો ફકત એ જ નથી. નોન પેમેન્ટ શ્રેણીમાં પેમેન્ટ આધારિત વીડીયોનું પણ દર્શકોએ મીત્રો અને પરિવારના સભ્યો માટે સબસ્ક્રીપ્શન લીધેલું છે. આવા સબસ્ક્રીપ્શન બધા મળીને ૬.૯૮ કરોડ છે. દેશના કુલ ઓટીટી દર્શકોમાં તેમની હિસ્સેદારી ૩૧ ટકા છે.

(10:00 am IST)