Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

પાકિસ્તાનમાં હિન્દુ લગ્ન અને છૂટાછેડાનો કાયદો લાગુ કરવા સરકાર સમક્ષ માગણી

૨૦૧૭માં બિલને મંજૂરી મળી ગઈ હોવા છતાં હજુ સુધી તેનો અમલ થયો નથી

પેશાવર:પાકિસ્તાનમાં રહેતા હિન્દુ સમાજના પ્રતિનિધિઓએ સરકારને હિન્દુ લગ્ન અને છૂટાછેટાનો કાયદો લાગુ કરવાની રજૂઆત કરી હતી. ૨૦૧૭માં બિલને મંજૂરી મળી ગઈ હોવા છતાં હજુ સુધી તેનો અમલ થયો નથી.

પાકિસ્તાનમાં અંદાજે ૩૮ લાખ હિન્દુઓ રહે છે, જે કુલ વસતિના બે ટકા જેટલાં છે. આ હિન્દુઓની લાંબાં ગાળાની માગણી પછી ૨૦૧૭માં પાકિસ્તાનની સરકારે ખૈબર પખ્તુનખ્વા, બલુચિસ્તાન અને પંજાબ પ્રાંતની સરકારોના સમર્થનથી હિન્દુ મેરેજ અને ડિવોર્સ એક્ટ પસાર કર્યો હતો.
પાકિસ્તાનની કેન્દ્ર સરકારે એ બિલ લાગુ કરવા જણાવ્યું હોવા છતાં સ્થાનિક સરકારોએ એ કાયદો લાગુ કર્યો નથી. અલગ અલગ કારણો આગળ ધરીને તેને અટકાવી દેવામાં આવે છે. આખરે એ કાયદો લાગુ કરવા માટે લઘુમતી કમિશનના હિન્દુ સભ્યોએ સરકારને રજૂઆત કરી છે. કાયદાકીય રક્ષણ મળતું ન હોવાથી ઘણી હિન્દુ સ્ત્રીઓએ તેના છૂટાછેડાના મૌલિક અધિકારોથી વંચિત રહેવું પડે છે. હિન્દુ વિદ્વાન હારૃન સરબ દયાલના નેતૃત્વમાં હિન્દુ સમાજનું પ્રતિનિધિ મંડળ પાક.ના કાયદા મંત્રીને મળ્યું હતું અને આ સભ્યોએ મેરેજ એક્ટને લાગુ કરવાની અપીલ કરી હતી.
હિન્દુ નેતાઓએ સરકારને રજૂઆત કરી હતી કે કાયદાના અભાવે ઘણી હિન્દુ મહિલાઓને માનવ અધિકારોનો લાભ મળતો નથી. શારીરિક-માનસિક ત્રાસ સહન કરવા છતાં સરળતાથી છૂટાછેડાં પણ મળતા નથી. વળી, લગ્નનો અલગ કાયદો હોવાની જરૃરિયાત વર્તાય છે.

(11:12 pm IST)