Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

યુપીના ગાજીપુરની મોહમ્મદાબાદ વિધાનસભા સીટ ઉપર ૧૭ વર્ષ અન્સારી પરિવારના એકચક્રી શાસન પછી ભાજપના કૃષ્ણાનંદ રાય, મોહમ્મદ અંસારીના ભાઈને હરાવી ચૂંટાઈ આવેલ: ત્રણ વર્ષ પછી તેમની બુલેટ પ્રૂફ મોટરને ઘેરી લઈ ચારે તરફથી એકે ૪૭ રાઇફલમાંથી ૫૦૦ રાઉન્ડ ગોળી છોડી કૃષ્ણાનંદ અને અને તેના સાથીદારો સહિત તમામ ૭ની હત્યા કરવામાં આવેલ: ત્યારથી મુખ્તાર અન્સારી જેલમાં હતો

ઉત્તર પ્રદેશમાં ગાઝીપુરની મોહમ્મદાબાદ વિધાનસભા સીટ ૧૯૮૫થી અન્સારી પરિવાર પાસે હતી. 

૧૭ વર્ષ બાદ ૨૦૦૨ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીના કૃષ્ણાનંદ રાય અહીંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા પરંતુ તેઓ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા ન હતા. 
ધારાસભ્ય તરીકે ચૂંટાયાના ત્રણ વર્ષ પછી એટલે કે ૨૦૦૫માં તેમની હત્યા કરવામાં આવી હતી.
ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાય એક કાર્યક્રમનું ઉદ્ઘાટન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની બુલેટ પ્રૂફ ટાટા સુમો કારને ચારે બાજુથી ઘેરી લેવામાં આવી હતી અને અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. 
હુમલા માટે એવો રસ્તો પસંદ કરવામાં આવ્યો હતો જ્યાંથી વાહનને ડાબે કે જમણે ફેરવવાનો કોઈ વિકલ્પ ન હતો.
કૃષ્ણાનંદ રાય સાથે કુલ છ લોકો કારમાં હતા.  એકે ૪૭થી લગભગ ૫૦૦ ગોળીઓ ચલાવવામાં આવી હતી અને વાહનમાં સવાર તમામ સાત લોકો માર્યા ગયા હતા.
જાણકારોનો દાવો છે કે ગાઝીપુરની પારિવારિક સીટ હાર્યા બાદ મુખ્તાર અંસારી નારાજ હતો, અને આ હત્યા કરાવી હતી.
મુખ્તાર અંસારીના જૂથ અને પૂર્વાંચલના અન્ય એક પ્રખ્યાત માફિયા જૂથના નેતા બ્રજેશ સિંહ વચ્ચેની દુશ્મની અને સંઘર્ષના સમાચાર પણ ખૂબ ચર્ચામાં હતા.
કહેવાય છે કે અંસારીના રાજકીય પ્રભાવને બ્રેક મારવા માટે માફિયા ડોન બ્રજેશ સિંહે ભાજપના નેતા કૃષ્ણાનંદ રાયના ચૂંટણી પ્રચારને સમર્થન આપ્યું હતું.  રાયે ૨૦૦૨ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મુખ્તાર અંસારીના ભાઈ અફઝલ અન્સારીને મોહમ્મદાબાદથી હરાવ્યા હતા.
બાદમાં કૃષ્ણાનંદ રાયની હત્યા કરવામાં આવી હતી અને મુખ્તાર અંસારીને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો.  કૃષ્ણાનંદ રાયની હત્યાના આરોપમાં તેને ડિસેમ્બર ૨૦૦૫માં જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો, ત્યારથી તે બહાર આવ્યો નથી. તેની સામે હત્યા, અપહરણ, ખંડણી સહિતના અનેક ગુનાહિત કેસ નોંધાયેલા હતા.

(11:56 pm IST)