Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

હેટ સ્પીચ ખાલી ફરિયાદ કરવાથી નહીં અટકે:કોમી એકતા જાળવવા તેનો ત્યાગ મૂળભૂત જરૂરિયાત:સુપ્રીમ કોર્ટ

નફરતભર્યા ભાષણને અટકાવવા શું પગલાં ભર્યાં:સરકાર પાસેથી સર્વોચ્ચ અદાલતે માગ્યો જવાબ

નવી દિલ્હી:સુપ્રીમ કોર્ટે મંગળવારે હેટ સ્પીચના કેસની સુનાવણી કરતા કહ્યું છે કે, કોમી એકતા જાળવી રાખવા માટે હેટ સ્પીચનો ત્યાગ એક મૂળભૂત જરૂરિયાત છે. આ સાથે જ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું કે માત્ર એફઆઈઆર નોંધવાથી હેટ સ્પીચની સમસ્યાનો ઉકેલ નહીં આવે, આ માટે શું કાર્યવાહી કરવામાં આવી છે? જસ્ટીસ કે.એમ. જોસેફ અને બી વી નાગરથનાની ખંડપીઠે નફરતભર્યા ભાષણ સામેની અરજીની સુનાવણી કરતી વખતે આવી ટીપ્પણીઓ કરી હતી.સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને એ પણ પૂછ્યું હતું કે માત્ર ફરિયાદ દાખલ કરવાથી નફરતભર્યા ભાષણની સમસ્યાનો ઉકેલ ન આવી શકે. 

 

સુપ્રીમે કહ્યું કે નફરતભર્યા ભાષણ પર કોઈ બાંધછોડ ન થઈ શકે.  જો રાજ્ય નફરતભર્યા ભાષણની સમસ્યાને સ્વીકારે તો જ તેનો ઉકેલ શોધી શકાય છે. નાગરિકોને આવા હેટ ક્રાઈમથી બચાવવા સરકારની પ્રાથમિક ફરજ છે.જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ બી વી નાગરથનાની બેન્ચે કહ્યું કે, જ્યારે હેટ ક્રાઇમ સામે કાર્યવાહી કરવામાં આવતી નથી, ત્યારે એક એવું વાતાવરણ સર્જાય છે જે ખૂબ જ ખતરનાક છે અને તેને આપણા જીવનમાં જડમૂળથી ઉખેડી નાખવું પડે છે. 

 

ઉલ્લેખનીય છે કે નફરતી ભાષણ દેશની મોટી સમસ્યા બની રહી છે. ચૂંટણીઓમાં કે કોઈ બીજા પ્રસંગે નેતાઓ નફરતી ભાષણનો ઉપયોગ કરતાં હોય છે જેને કારણે સમાજમાં વેરઝેર પેદા થતું હોય છે અને આ સમસ્યાને અટકાવવા સુપ્રીમ કોર્ટે પ્રતિબદ્ધ છે.

(9:09 pm IST)