Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

વીડિયો કોલ કરી છાતી બતાવે તો કેસ પુરો કરવા મહિલાને કોન્સટેબલની ઓફર

કાનપુરમાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી ઃ મહિલાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસકર્મી પર કાર્યવાહી કરી અને તેને સસ્પેન્ડ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ

કાનપુરમાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અડધી રાત્રે એક પોલીસ સ્ટેશન ચોકીના ઈન્ચાર્જે મહિલાને ફોન કરીને કહ્યું કે, મને વોટ્સએપ પર વિડીયો કૉલ કર અને કપડાં ઉતારીને તારી છાતી બતાવ. તારો કેસ પૂરો કરી દઈશ. મને તું જોઈએ. જે બાદ મહિલાએ પોલીસ ફરિયાદ કરી હતી. ત્યારે પોલીસે પણ પોલીસકર્મી પર કાર્યવાહી કરી અને સસ્પેન્ડ કરી દીધો હતો. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગતો એવી છે કે, અહીં રહેતી એક મહિલા પારિવારિક વિવાદ બાદ ચોકી ઈન્ચાર્જ મહેન્દ્ર સિંહને મળી હતી. જ્યારે મહિલા પોતાનું નિવેદન આપવા માટે પહોંચી તો પોલીસકર્મીએ તેને કહ્યું કે, હું તને રાત્રે ફોન કરીશ અને ત્યારે કહેજે કે તારો આરોપ શું છે. એ પછી મહિલા પોતાના ઘરે પરત ફરી ગઈ હતી.

કોન્સ્ટેબલ મહેન્દ્ર સિંહે ગઈ ૨૬ માર્ચના રોજ અડધી રાત્રે મહિલાને ફોન કર્યો હતો. કોન્સ્ટેબલે મહિલાને કહ્યું કે, તારો કેસ હું હેન્ડલ કરી રહ્યો છું. એ પછી તેણે કહ્યું કે, હું તને વિડીયો કૉલ કરી રહ્યો છું. કપડાં ઉતારીને તારી છાતી બતાવ. તારા બધાં જ કેસ પૂરાં કરી દઈશ. આ સાંભળીને મહિલા ચોંકી ગઈ હતી.

કોન્સ્ટેબલે મહિલા સાથે જે વર્તન કર્યુ એનાથી તે હચમચી ઉઠી હતી. કોન્સ્ટેબલની આ વાત સાંભળીને થોડીવાર માટે તો મહિલા પણ ગભરાઈ ગઈ હતી. એ પછી મહિલાએ હિંમત કરી અને પોલીસ સ્ટેશન પહોંચી હતી. બાદમાં મહિલાએ આરોપી મહેન્દ્ર સિંહ વિરુદ્ધ અધિકારીઓને ફરિયાદ કરી હતી. પોલીસે પણ મહિલાની ફરિયાદ નોંધી અને તેણે લગાવેલા આક્ષેપ પણ સાચા પડ્યા. બાદમાં પોલીસે કોન્સ્ટેબલ મહેન્દ્ર સિંહ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી અને તેને સસ્પેન્ડ કરી દીધો હતો.

આ સમગ્ર કેસની તપાસ એસીપી દ્વારા કરવામાં આવી રહી છે. એડીસીપી લખન સિંહ યાદવે કહ્યું કે, મહિલાની ફરિયાદ બાદ આરોપી કોન્સ્ટેબલ મહેન્દ્ર સિંહને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. સાથે જ મહિલાની ફરિયાદ બાદ એફઆઈઆર પણ કરવામાં આવી છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

(8:59 pm IST)